રાજકોટ
News of Saturday, 15th January 2022

મનાઇ હતી છતાં સમજ્‍યા નહિઃ અગાસીએ લાઉડ સ્‍પીકર વગાડતાં, જાહેરમાં પતંગ ઉડાડતાં, લંગર નાંખતા મહિલા સહિત ૧૪ પકડાયા

એ-ડિવીઝન, પ્ર.નગર, યુનિવર્સિટી, આજીડેમ, માલવીયાનગર, ગાંધીગ્રામ, બી-ડિવીઝન, પ્ર.નગર, થોરાળા પોલીસની કાર્યવાહીઃ ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ

રાજકોટ તા. ૧૫: મકર સંક્રાંતિના તહેવાર પર જાહેર રોડ પર પતંગ ઉડાડવા પર અને લંગર દોરી નાંખવા ઉપર તેમજ ધાબાઓ ઉપર મોટા અવાજે સાઉન્‍ડ સિસ્‍ટમ, ડીજે સિસ્‍ટમ વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં ઘણાએ જાહેરનામાનો ભંગ કરતાં પોલીસે કાર્યવાહી કરી ધરપકડ કરી હતી. આવા ૧૪ ગુના અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં નોંધાયા હતાં અને નિયમ ભંગ કરનારની ધરપકડ કરવામાં આવી હતી.
 એ-ડિવીઝન પોલીસે ડ્રોન કેમેરાની મદદથી જુની જેલ રોડ સોઠરીયા પ્‍લોટ પાસેથી અનિલ ભલાભાઇ સિંધવ (ઉ.૪૫-રહે. સોરઠીયા પ્‍લોટ સામે) નામના રિક્ષા ચાલકને જાહેરમાં પતંગમાં લંગર નાખતો પકડી લઇ આઇપીસી ૧૮૮ મુજબ કાર્યવાહી કરી હતી.
રેલનગર ઝાંસીની રાણી ટાઉનશીપ બ્‍લોક જે-૨માં રહેતાં પ્રકાશ ચંદુભાઇ હળવદીયા (ઉ.૪૦)ને જાહેરમાં જાનનું જોખમ થાય એ રીતે પતંગ ઉડાડતો હોઇ પ્ર.નગર પોલીસે પકડયો હતો. જ્‍યારે ઠક્કરબાપા હરિજનવાસ-૧ ભોૈતિક મકાનના ધાબા પર સંક્રાંતને દિવસે મનાઇ હોવા છતાં લાઉડ સ્‍પીકર વગાડતાં કમુબેન મુકેશભાઇ મારૂ (ઉ.વ.૪૮)ને પ્ર.નગર પોલીસે આઇપીસી ૧૮૮, ૧૩૧ મુજબ ગુનો નોંધી અટકાયતની કાર્યવાહી કરી હતી. લોકોને ત્રાસ થાય એ રીતે ગીતો વગાડવાનો ગુનો નોંધાયો હતો. કમુબેન નારી અદાલતમાં કમિટી સભ્‍ય હોવાનું પોલીસે કહ્યું હતું.
આ ઉપરાંત રૈયા રોડ આલાપ ગ્રીનસીટી પાછળ સોપાન હાઇટ્‍સ મેઇન રોડ પર હેપીહોમ ફલેટની અગાસીએ બીજા લોકોને ત્રાસરૂપ થાય એ રીતે લાઉડ સ્‍પીકર વગાડતાં ધર્મેશ જયેશભાઇ બાટવીયા (ઉ.૨૪)ને તથા રૈયા ગામના બસ સ્‍ટેશન પાસે જાહેરમાં પતંગ ઉડાડી જોખમ સર્જતા સોહિલ રાજુભાઇ સોરાણી (ઉ.૨૬-રહે. દૂધસાગર રોડ)ને યુનિવર્સિટી પોલીસે પકડયો હતો.
જ્‍યારે કોઠારીયા રોડ પંચનાથ રીયલ હોમ શેરી નં. ૨માં મકાન નં. ૧૩માં રહેતાં અને ડીજેનું કામ કરતાં હરેશ કડવાભાઇ વાસાણી (ઉ.૩૫) તથા આ શેરીમાં જ મકાન નં. ૨૩માં રહેતાં અને સીસીટીવી કેમેરાનું કામ કરતાં અક્ષય નાગજીભાઇ અભંગી (ઉ.૨૩)ને સંક્રાંતને દિવસે અગાસીએ લાઉડ સ્‍પીકર, ડીજે સિસ્‍ટમ વગાડવાની મનાઇ હોવા છતાં વગાડતાં હોઇ બંનેને આજીડેમ પોલીસની ટીમે પકડી લઇ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
જ્‍યારે લોધેશ્વર સોસાયટી-૫માં રહેતાં હીરેન ગુમાનસિંગ પતરીયા (ઉ.૨૧)ને પણ અગાસીએ મોટા અવાજે લાઉડ સ્‍પીકર વગાડતો હોઇ માલવીયાનગર પોલીસે જાહેરનામાના ભંગ સબબ પકડી લઇ કાર્યવાહી કરી હતી.
ઉપરાંત ગાંધીગ્રામ શેરી નં. ૯માં રહેતાં જય હસમુખભાઇ રાઠોડ (ઉ.૨૭)એ અગાસી પર ડીજે સાઉન્‍ડ સિસ્‍ટમ ગોઠવી બીજા લોકોને ત્રાસરૂપ બની રહે તે રીતે મોટા અવાજે વગાડતાં ગાંધીગ્રામ પોલીસની ટીમે ગુનો નોંધી તેની અટકાયત કરી સાઉન્‍ડ સિસ્‍ટમ કબ્‍જે કરી હતી.
જ્‍યારે થોરાળા પોલીસે ચુનારાવાડ-૫માં રહેતાં સુભાષ સંતોષભાઇ સોલંકી (ઉ.૨૩)એ ઘરની અગાસી પર મોટા લાઉડ સ્‍પીકર મુકીને વગાડતાં તથા કુબલીયાપરા-૫ના રાજેન્‍દ્ર નારણભાઇ રાઠોડ (ઉ.૩૦)એ પણ સ્‍પીકર વગાડતાં ડ્રોન કેમેરની મદદથી બંનેને પકડી લેવાયા હતાં. આ ઉપરાંત બાલકૃષ્‍ણ સોસાયટી-૭ ક્‍વાર્ટર નં. ૨૯૫માં રહેતાં હર્ષદ અરવિંદભાઇ હાપા (ઉ.૩૫)ને પણ અગાસીએ સ્‍પીકર વગાડતાં પકડી લેવાયા હતાં.
બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પર પારસ સંજયભાઇ માંડાણી (ઉ.૨૦)ને જાહેરમાં લોકો માટે ભયજનક બને એ રીતે પતંગ ચગાવતાં તેને પકડી લીધો હતો. આ ઉપરાંત યાર્ડ પાસે લાલપરી નજીક મનિષ રમેશભાઇ નીનામા (ઉ.૨૪) જાહેરમાં પતંગ ઉડાડતો હોઇ પકડી લેવાયો હતો. તેમજ કુવાડવા રોડ ડી માર્ટ પાસે વિશાલ વસંતભાઇ સોલંકીને જાહેરમાં પતંગ ચગાવતો પકડી લીધો હતો.

 

(12:25 pm IST)