રાજકોટ
News of Friday, 15th January 2021

કોરોનાનો ભય હળવો થતા સાવધાની સાથે રાજકોટીયનોએ મનભરીને માણ્યો પતંગોત્સવ

બપોરથી પવન સારો રહેતા આકાશ પતંગોથી છવાયુ : પારિવારિક માહોલમાં સૌએ આનંદ લુંટયો : મ્યુઝીક સીસ્ટમ વગર પણ અગાસી - ધાબા ચીચીયારીઓથી ગુંજાતા રહ્યા

રાજકોટ : મકર સંક્રાંતિનો આનંદ રાજકોટીયનોએ મનભરીને લુંટયો હતો. સવારે પવન હળવો રહ્યો હતો. પરંતુ બપોર બાદ ઝડપ વધતા મોડી સાંજ સુધી રાજકોટનું આકાશ પતંગોથી છવાયેલું રહ્યુ હતુ. શહેરના તમામ ધાબા અગાસી કાયપો છે, ઢીલ દે જેવી ચીચીયારીઓથી ગુંજી ઉઠયા હતા. તલ સાકરી, મમરાના લાડુ, શેરડી, જીંજરાની મીજબાની માણતા માણતા લોકોએ પતંગ ઉડાડવાની મજા લુંટી હતી. બપોરના મેનુમાં મોટાભાગે ઉંધીયુ રહ્યુ હતુ. કોરોના સામે સાવધાની રાખીને પણ રાજકોટને પતંગોત્સવનો ભરપુર આનંદ લુંટયો હતો. દાન પૂણ્યનો મહીમા પણ સાથે ઉજાગર થયો હતો. ગાય માટે ગૌશાળાઓની દાન પેટીમાં અનુદાન અને જરૂરતમંદોને પતંગ ચીકીનું પણ ઠેરઠેર વિતરણ થયુ હતુ. સાંજે ફટાકડા ફોડવાનું વિસરે તો તો  ઇ રાજકોટીયનો જ નહીં. ફટાકડા ફોડીને સંક્રાંતિને વિદાય આપી હતી. વિવિધ વિસ્તારોમાં પતંગ ચગાવવાનો આનંદ લુંટતા લોકોની તસ્વીરી ઝલક અહીં નિહાળી શકાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:29 pm IST)