રાજકોટ
News of Wednesday, 15th January 2020

આવતીકાલે જિલ્લા પંચાયતનું ૪૦ કરોડ જેટલુ બજેટ કારોબારીમાં: નવા વર્ષે સભ્યોને ત્રીસેક લાખની ગ્રાંટ

નવા અધ્યક્ષ સભ્યોને આપેલ 'વચન' પૂરા કરી શકશે ? વહીવટી તંત્રના 'સહકાર' પર મદાર

રાજકોટ, તા. ૧૫ :. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આવતીકાલે સવારે અધ્યક્ષ કે.પી. પાદરીયાની અધ્યક્ષતામાં મળનાર છે. તેઓ કારોબારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ બેઠક આવી રહી છે. કાલની બેઠકમાં નવા નાણાકીય વર્ષનું બજેટ રજૂ થશે અને તે અંગેનો નિર્ણય થશે. પાદરીયાએ અધ્યક્ષ બનતી વખતે સભ્યોને ચોક્કસ પ્રકારનું વચન આપેલ તેવી ચર્ચા છે. આ કથિત વચન પુરૂ કરવાનો સમય શરૂ થઈ રહ્યો છે. જો વહીવટી તંત્ર સહકાર આપે તો જ આ વચન પુરૂ થઈ શકે તેમ છે. સભ્યોનો અસંતોષ થાય તો કારોબારી અધ્યક્ષનું કામ કપરૂ થઈ શકે છે. એકાદ બે કારોબારી બેઠક પછી સભ્યોને આગળની કામગીરી કરવાની ખબર પડશે.

પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ વહીવટી તંત્રએ રૂ. ૩૮ કરોડ આસપાસનું બજેટ તૈયાર કરી કારોબારી સભ્યોને મોકલ્યુ છે. કારોબારી તેનો અભ્યાસ કરી રહી છે. નવા નાણાકીય વર્ષમાં સભ્યોને ૩૦થી ૩૫ લાખ રૂ.ની ગ્રાન્ટ મળે તેવો પદાધિકારીઓનો પ્રયાસ છે. ચાલુ નાણાકીય વર્ષના અઢી મહિના હજુ બાકી હોવાથી તે માટે પણ વધારાની કોઈ જોગવાઈ કરવામાં આવે તેવી શકયતા છે. નવા વર્ષમાં ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત અને અમલ ગ્રાન્ટ આવક પર આધારીત છે. ચાલુ વર્ષે સભ્યોને વિકાસ કામો સૂચવવા રૂ. ૨૨ લાખની ગ્રાન્ટ મંજુર કરાયેલ છે. ૨૦૨૦નું વર્ષ પંચાયતની ચૂંટણીનું વર્ષ હોવાથી સભ્યો વધુ ગ્રાન્ટ મેળવવા ઈચ્છે તે સ્વભાવિક છે. કાલે કારોબારીમાં બજેટ મંજુર થયા બાદ બજેટ માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવશે. કારોબારી અધ્યક્ષે સૌથી વધુ અગ્રતા આરોગ્ય ક્ષેત્રે આપવાનું જાહેર કર્યુ છે. વહીવટી તંત્રએ સૂચવેલા બજેટમાં કારોબારી શું સુધારા-વધારા કરે છે? તે આવતીકાલે બપોરે સ્પષ્ટ થઈ જશે.

(4:04 pm IST)