રાજકોટ
News of Wednesday, 15th January 2020

થોરાળાની વામ્બે આવાસ યોજનામાં દાદીમાની છરીના ઘા મારી હત્યા કરવા અંગે પૌત્રને આજીવન કેદની સજા

મરનારના ડાઇંગ ડેકલેરેશનના પુરાવાને માનીને સેસન્સ અદાલતે સજા ફટકારી

રાજકોટ તા. ૧પ : અહીંના થોરાળા વિસ્તારમાં આવેલ વામ્બે આવાસ યોજનામાં રહેતા દાદીમાની છરીના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલ પૌત્ર કરણ અજુભાઇ મુછડીયાને સેસન્સ અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાવના દિવસે તા. ર૭/૭/૧૬ ના રોજ મરનાર દાદીમા મંગુબેન બચુભાઇ મુછડીયા તેની પૌત્રી અને આરોપી કરણની બેન કાજલને ઠપકો આપી ગાળો દેતા હોઇ આરોપી પૌત્ર કરણ મુછડીયએ તેની દાદીમાં મંગુબેનના પેટ, પડખા અને વાસાના ભાગે છરીના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી હતી.

આ બનાવ અંગે પોલીસે આરોપી કરણના ભાઇ દિપક રાજુભાઇ મુછડીયાની ફરીયાદ લઇને આરોપી કરણની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કેસ ચાલતા સરકારપક્ષે એ.પી.પી.દિલીપભાઇ મહેતાએ  ર૦ શાહેદોને તપાસ્યા હતા તેમજ મરનારના ડી.ડી.અંગેનો પુરાવો શા માટે ન માનવો તે અંગે રજુઆતો કરી હતી.

આ કામે આરોપીના બચાવમાં એવી રજુઆત કરવામાં આવેલ કે મરનારના નિવેદન (ડી.ડી.)માં મૃતકની સહિ કે, અંગુઠો નથી. તેમજ ફરીયાદી સાથે સમાધાન થઇ ગયેલ હોય આરોપીને છોડી મુકવો જોઇએ.

આ સામે સરકારી વકીલ દિલીપ મેહતનાએ જણાવીેલ કે, મૃતકના નિવેદનમાં ઓકેઝીકયુટીવ મેજીસ્ટ્રેટે સહિ કરેલ છે. તેમની સહિને ન માનવાને કોઇ કારણ નથી તેથી મૃતકના નિવેદનને ડી.ડી.નો પુરાવો માની સજા કરવી જોઇએ.

ઉપસ્થિત રજુઆત અને સાહેદોની જુબાની તેમજ ડી.ડી.નો. પુરાવો માનીને સેસન્સ અદાલતને આરોપી કરણ મુછડીયાને આજીવનકેદની સજા ફટકારી હતી.

આ કામાં સરકાર પક્ષે એ.પી.પી.દિલીપ મેહતા તથા એસ.કે. વોરા રોકાયા હતા.

(4:04 pm IST)