રાજકોટ
News of Wednesday, 15th January 2020

શનિવારે અદ્ભૂત - અફલાતૂન - દિલધડક એરો સ્પોર્ટસ - એર શોનું આયોજન

રાજકોટના ગગનમાં ગુજરાતની બેટી કેપ્ટન ચાંદની મહેતા એરો સ્પોર્ટસ એર-શો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરશે : લોકો માટે અમૂલ્ય લ્હાવો : હેલીકોપ્ટર - નાના - મધ્યમ કક્ષાના એરક્રાફટ દ્વારા બેનમૂન કરતબો - પેરાસેઇલીંગ - એરોમોડલીંગ લોકોને નિહાળવા મળશે

રાજકોટ તા. ૧૫ : આગામી તા. ૨૬મી જાન્યુઆરીના રોજ ૭૧મા પ્રજાસત્ત્।ાક પર્વની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થનાર છે. જેને ભવ્યાતિભવ્ય અને અવિસ્મણીય બનાવવા રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શનમાં તમામ વિભાગો રાજય સરકારની રાહબરી હેઠળ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.

તા. ૧૮મી ની સાંજે ૪ થી ૪-૪૫ કલાક દરમિયાન રાજકોટના ગગનમાં રાજકોટવાસીઓને પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણીને ચારચાંદ લગાવે તેવો ન્યુ રેસકોર્ષ-૨ (સેકન્ડ રીંગરોડ)  ખાતે અદભુત અને રોમાંચીત કરે તેવો દિલધડક એરોસ્પોર્ટસ એર – શો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાશે.

સિવિલ એવીએશન વિભાગ દ્વારા આયોજીત આ ઇવેન્ટ 'ગુજરાતની બેટી' એવી અમદાવાદની કેપ્ટન ચાંદનીની રાહબરી હેઠળ તેમની સમગ્ર ટીમ દ્વારા યોજાશે. એર- શોના મુખ્ય આકર્ષણો જોઇએ તો હેલીકોપ્ટર દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને  પુષ્પવર્ષા કરી આવકારશે. મધ્યમ અને નાના એરક્રાફટ તથા હેલીકોપ્ટર દ્વારા નીચા ઉડાણે અદભૂત અને દિલધડક કરતબો અને કલાબાજી દર્શાવાશે. જે તમામ રાજકોટવાસીઓના રોમેરોમને રોમાંચિત કરી દેશે. આ ઉપરાંત પ્રકાશિત હોટએર બલુન દ્વારા ૩૦૦ ફીટની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં આવશે. પેરામોટરીંગમાં ૫૦૦ ફીટની ઉંચાઇ સધી બેક પેક ફલાઇંગ દર્શાવાશે. રેડીયો કંટ્રોલ્ડ એરોપ્લેન મોડલ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવું ૧૦૦ ફીટની ઉંચાઇ સુધી એરો મોડલીંગનું નિદર્શન યોજાશે. ૧૦૦ ફીટની ઉંચાઇ સુધી દિલધડક પેરા સેઇલીંગનું પણ નિદર્શન કરાશે. આ તમામ એરો સ્પોર્ટસ એર-શોના નિદર્શનો રાજકોટવાસીઓનું નિઃશંક મનમોહી લેશે. આ પ્રકારનો એર-શો ઉત્ત્।મ પ્રકારના એરમોડલો સાથે સર્વપ્રથમ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે યોજાનાર છે. કેપ્ટન ચાંદની મહેતા, કેપ્ટન રાજેશ અને તેમની સમગ્ર ટીમ આ અદભૂત અને રોમાંચક એર - શોની તૈયારીઓમાં પુરા જોમ અને જુસ્સા સાથે તૈયારીઓ આરંભી દીધી છે. આ રોમાંચક અને શ્વાસ થંભાવી દે તેવા કરતબો દર્શાવનાર ટીમમાં ૫૦થી વધુ સભ્યો ભાગ લેનાર છે.  

ગુજરાતનું ગૌરવ અને સ્વયંસિધ્ધા કેપ્ટન ચાંદની મહેતા :ગુજરાતી મહિલાની આકાશી ઉડાન

૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની ઉજવણી અન્વયે થનાર એરોસ્પોર્ટસ એર – શો ઇવેન્ટના મુખ્ય રાહબર અને નેતૃત્વ લેનાર વર્ષ ૨૦૧૭માં સ્વયંસિધ્ધા ફાઉન્ડેશન દ્વારા 'ગુજરાતની બેટી' એવોર્ડથી સન્માનીત એવા કેપ્ટન ચાંદની દિલીપભાઇ મહેતા તેમની આ સફર વિશે જણાવે છે કે અમદાવાદમાં સ્થિત ગુજરાત સરકારના રોડ અને બિલ્ડીંગ વિભાગમાંથી નિવૃત થયેલા પિતા દિલિપભાઇ મહેતા અને

અમદાવાદની શાળાના પ્રિન્સીપાલશ્રી નલીનીબેન મહેતાના પરિવારમાં લાડકોડથી ઉછરેલી દિકરી તરીકે તેઓને માતાપિતાએ હરહંમેશ તેને કંઈક નવું અને અલગ કરવાની સતત પ્રેરણા આપી છે. જેના    કારણે  ચાંદનીએ પોતાના શાળાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ બી.એનો અભ્યાસ પુર્ણ  કર્યો. આ અભ્યાસ કાળ દરમિયાન જ તેઓએ એન.સી.સી. એર સ્કવોર્ડન માં જોડાઇ વર્ષ ૧૯૯૩માં સમગ્ર ગુજરાતમાં ગર્લ્સમાં બેસ્ટ કેડેટનો ખિતાબ તથા સીનીયર કેડેટ અન્ડર ઓફીસરની સર્વોચ્ચ રેન્ક મેળવી હતી. આ સાથે એન.સી.સી. પાવર ફલાંઇગનું પ્લેટફાર્મ મેળવ્યું હતું. વડોદરા સ્થિત ગુજરાત એરફલાઇંગ કલબમાંથી પ્રાઇવેટ પાઇલોટની તાલીમ મેળવી હતી. જયારે દરેક ગુજરાતી યુવતીની એર હોસ્ટેસની કેરીયર પસંદ કરતી હતી. ત્યારે કેપ્ટન ચાંદનીને પ્રોફેશનલ પાઇલોટના મહિલાઓ માટેના કઠીન એવા  ક્ષેત્રને પોતાના કેરીયર તરીકે પંસદ કરવાની પ્રેરણા મળી હતી. આ માટે તેઓએ અમેરીકા સ્થિત મેકોન જયોર્જીયા માં સાઉથઇસ્ટર્ન એરોનોટીકસ સંસ્થા ખાતે સધન તાલીમ મેળવી પ્રોફેશનલ પાઇલોટ તરીકેનું લાયસન્સ મેળવ્યું હતું. ત્યારબાદ દેશમાં પરત આવી DGCA માંથી કોર્મશિયલ પાઇલોટનું ઇન્ડીયન લાયસન્સ મેળવ્યું હતું. 

વિશેષ પ્રેરણા

તેઓ ગર્વભેર જણાવે છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના કૌશલ્યને પારખીને તેઓને માતૃભૂમિમાં રહીને તેમની આ પ્રોફેશનને નિખારવા તથા અન્યોને પ્રોત્સાહિત કરવાની પ્રેરણા આપી. તે માટે પ્લેટફોર્મ આપ્યું. તેઓ હાલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સિવિલ એવીએશન ઇલેકટ્રોનિકસ કે જે સિવિલ એવીએશન ક્ષેત્રેની મોટી તાલીમ સંસ્થા છે તેઓ સાથે જોડાઇને સમગ્ર એશિયાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત અને દુબઇમાં પાયલટ તરીકેની અત્યાધુનિક ટ્રેનીંગ આપે છે. ગુજરાતી મહિલા તરીકે તેઓ આ બાબતે ગૌરવ અનુભવે છે.   

સિધ્ધીના સોપાનો

'ગુજરાતની બેટી'ના વિશેષ એવોર્ડ ઉપરાંત તેઓ વર્ષ ૨૦૧૭માં ૮મી માર્ચે  આંતરરાષ્ટ્રીય મહિલા દિને એવીએશન ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાન માટે સન્માનીત કરાયા હતા. વર્ષ ૨૦૧૯માં આંતરરાષ્ટ્રીય મહિલા દિને તેઓને ભારત સરકારના સિવિલ એવીએશન મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા તેમના એવીએશન ક્ષેત્રની નોંધપાત્ર કામગીરી માટે ખાસ સન્માનીત કરાયા હતા. તેઓ પોતાની એવીએશન ક્ષેત્રની કંપની એથર સોલ્યુશન એન્ડ સર્વીસ સફળતાપૂર્વક ચલાવી રહયા છે.

(4:02 pm IST)