રાજકોટ
News of Wednesday, 15th January 2020

મવડી પ્રિયદર્શન સોસાયટીના ઢગાએ પંદર વર્ષના ટેણીયાને ગુપ્તાંગ પર ઢીકા-પાટા માર્યાઃ સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો આક્ષેપ

બે મહિનામાં ચારેક વખત જમવાની, પૈસાની લાલચ આપી બાદમાં ધમકાવી નજીકના જંગલ જેવા વિસ્તારમાં લઇ જઇ બળજબરી આચર્યાનો આરોપઃ ગઇકાલે પણ સાથે આવવાનું કહ્યું, તરૂણે ના પાડતાં માર માર્યોઃ હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૫: મવડીની પ્રિયદર્શન સોસાયટીમાં રહેતાં બે સંતાનના પિતા એવા પરિણીત ઢગાએ પંદર વર્ષના એક ટેણીયાને ગત સાંજે ગુપ્તાંગ પર ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ તરૂણ પર ઢગાએ બે મહિનામાં ચારેક વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મવડી વિસ્તારના ૧૫ વર્ષના તરૂણને બપોરે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેને સંક્રાંતની સાંજે શૈલેષ નામના કુંભાર શખ્સે પોતાની સાથે બાઇકમાં બેસી સાથે આવવાનું કહેતાં તરૂણે ના પાડતાં તેને આ શખ્સે ઢીકા-પાટુનો માર મારતાં ગુપ્તાંગમાં ઇજા થતાં થયાનું જણાવાતાં હોસ્પિટલ ચોકીના જે. એન. ઝાલા અને રામજીભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી.

ટેણીયાના માતા અને પિતાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારે બે દિકરામાં નાનો પંદર વર્ષનો છે અને હાલમાં પિતા સાથે મજૂરીએ જાય છે. ગઇકાલે સાંજે અમારો આ દિકરો તેના મિત્ર સાથે ઘર નજીક ચોકમાં મોબાઇલમાં ગેમ રમતો હતો ત્યારે શૈલેષે તેને બાઇકમાં બેસી સાથે આવવાનું કહેતાં અમારા દિકરાએ ના પાડતાં તેણે ઝઘડો શરૂ કર્યો હતો. આથી તેણે અમારા મોટા દિકરાને ફોન કરતાં તે પણ ત્યાં ગયો હતો. એ પછી શૈલેષે ઉશ્કેરાઇ જઇ અમારા બંને દિકરાને મારકુટ કરી હતી. જેમાં નાના દિકરાને ગુપ્તાંગમાં ઢીકા-પાટુ માર્યા હોઇ તેને દુઃખાવો ઉપડતાં દાખલ કરવો પડ્યો છે.

દિકરાએ અમને જણાવ્યું હતું કે બે મહિનામાં ચારેક વખત તેને શૈલેષ જંગલ જેવી જગ્યાએ સાંજના ટાઇમે લઇ ગયો હતો અને ન કરવાનું કર્યુ હતું. પહેલી વખત બહાર જમવા જવાના બહાને સાથે લઇ ગયો હતો. જમાડ્યા પછી દૂષ્કર્મ કર્યુ હતું. એ પછી પૈસાની લાલચ આપીને અને છેલ્લે ધમકીઓ આપીને લઇ ગયો હતો. આ વાત અમને હવે દિકરાએ કરી છે. આ અંગે અમે ફરિયાદ નોંધાવી રહ્યા છીએ. તેમ ટેણીયાના માતા-પિતાએ વધુમાં કહ્યું હતું. પોલીસ આ અંગે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરશે.

(3:57 pm IST)