રાજકોટ
News of Wednesday, 15th January 2020

શુક્રવારથી પ્રજાસત્તાક ર્પવનો પ્રારંભઃ રાજકોટને રંગ ચડશે દેશભકિતનો

રાજ્યકક્ષાના ૨૬મી જાન્યુઆરી ઉત્સવની અંતર્ગત કોર્પોરેશનનાં કાર્યક્રમો જાહેર કરતાં: બીનાબેન આચાર્ય : ૧૭ થી ૨૫ જાન્યુઆરી દેશભકિતના નોન સ્ટોપ કાર્યક્રમોઃ કિર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, ગીતાબેન રબારી લોક ડાયરોઃ ગાંધી મ્યુઝિયમ ખાતે દિવ્યાંગ બાળકોનો 'તારે જમીપર' કાર્યક્રમઃ ૩૧ કલાક નોન સ્ટોપ કરાઓકે મ્યુઝિયમ પ્રોગામ : પ્લાસ્ટીક છોડો, માં વાત્સલ્ય કાર્ડ મેગા કેમ્પઃ બુક ફેર તથા મુખ્યમંત્રીના હસ્તે રૂડાનાં ૬૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ

ગુજરાત સરકારશ્રી દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્ત્।ાક પર્વની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સૌ શહેરીજનોમાં વધુ ને વધુ  રાષ્ટ્રભકિત અને દેશપ્રેમની લાગણી પ્રગટે તેવા ઉમદા હેતુ સાથે તા. ૧૭-૦૧-૨૦૨૦ થી તા.૨૫-૦૧-૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન યોજાનાર વિવિધ શ્રેણીબદ્ઘ કાર્યક્રમોની માન. મેયર શ્રીમતી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર શ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા શ્રી દલસુખભાઈ જાગાણી અને દંડક શ્રી અજયભાઈ પરમાર દ્વારા આજે વિગતો જાહેર કરવામાં આવી હતી.

જાહેર થયેલ વિગતો અનુસાર, તા. ૧૭ થી તા. ૨૫જાન્યુઆરી દરમ્યાન રોજ સવારે ૬:૦૦ થી ૯:૦૦ અને સાંજે ૬:૦૦ થી ૯:૦૦ વાગ્યા દરમ્યાન બી.આર.ટી.એસ.ના તમામ બસ સ્ટોપ, રેસકોર્સ રિંગ રોડ, અને શહેરના મુખ્ય બગીચાઓમાં રહેલા સ્પીકર (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) પર દેશભકિતના ગીતો વગાડવામાં આવનાર છે. આ ઉપરાંત શહેરના તમામ આરોગ્ય સેન્ટર ખાતે સવારે ૧૧:૦૦ થી ૨:૦૦ વાગ્યા દરમ્યાન ગર્ભ સંસ્કાર કેમ્પનું આયોજન રહેશે. જયારે શહેરના તમામ આરોગ્ય સેન્ટરો અને વૃદ્ઘાશ્રમ ખાતે પણ સિનિયર સિટિઝન અને રેગ પીકર્સ માટે ખાસ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

મેયર ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મ્યુનિ. કમિશનર, શાસક પક્ષના નેતા અને દંડકએ વધુ વિગતો આપતા એમ કહ્યું હતું કે, તા.૧૮ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે બાળ તંદુરસ્તી હરિફાઇ યોજાશે. જયારે આ જ દિવસે સાંજે ૬:૦૦ વાગ્યાથી બાલભવન ખાતે સતત ૩૧ કલાક સુધી એટલે કે તા.૨૦-૦૧-૨૦૨૦ ના રાત્રે ૧:૦૦ વાગ્યા સુધી નોનસ્ટોપ ચાલનારો કરાઓકે આધારિત સંગીત કાર્યક્રમ યોજાશે. જેમાં શહેરના નામાંકિત લોકો ભાગ લેશે. તેમજ રાત્રે ૯:૦૦ કલાકે પેડક રોડ પર પાણીના દ્યોડા  પાસે લોક ડાયરો યોજાશે જેમાં નામાંકિત કલાકાર શ્રી કીર્તિદાન ગઢવી રમઝટ બોલાવશે.

તા.૧૯ ને રવિવારે સવારે ૬:૦૦ વાગ્યે શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્સ મેદાન ખાતે સાઈકલોફ્નનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ખુબ મોટી સંખ્યામાં બાળકો અને મોટેરાઓ પણ ભાગ લેશે. આ ઉપરાંત આ જ દિવસે રાત્રે પી.ડી.માલવિયા કોલેજ પાછળ આવેલ સ્વામીનારાયણ ચોક ખાતે લોક ડાયરો યોજાશે જેમાં નામાંકિત સિંગર શ્રી ગીતાબેન રબારી વિવિધ ગીતો, લોકગીતો રજુ કરશે. આ દિવસે જ રાત્રે ૧:૦૦ વાગ્યે બાલભવન ખાતે ૩૧ કલાક સુધી નોનસ્ટોપ ચાલી રહેલો કરાઓકે આધારિત સંગીત કાર્યક્રમ પૂર્ણ થશે.

તા.૨૦ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે 'તારે જમી પર'નું આયોજન થનાર છે જેમાં શહેરના દિવ્યાંગ બાળકો માટે મનોરંજન કાર્યક્રમો થશે. ઉપરાંત આ જ દિવસે રાત્રે નાના મવા સર્કલ પાસેના મેદાન, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે રાત્રે ૯:૦૦ વાગ્યે લોકડાયરો યોજાશે જેમાં પ્રખ્યાત કલાકાર શ્રી ઓસમાણ મીર રમઝટ બોલાવશે.

તા.૨૧  નારોજ સાંજે ૬:૦૦ વાગ્યે  પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે 'અન સંગ હીરોઝ' કાર્યક્રમનું આયોજન થનાર છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પાયાના કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવશે. આ એવા કર્મચારીઓ છે જેઓ સફાઈ, ડ્રેનેજ, પાણીના વાલ્વ ઓપરેટ કરવા, સ્ટ્રીટ લાઈટ રીપરીંગ, તેમજ અન્ય શાખાની પાયાની કામગીરી સંભાળે છે.

તા.૨૨ના રોજ સવારે ૯ૅં૦૦ થી સાંજના ૫ૅં૦૦ વાગ્યા સુધી કુવાડવા રોડ પર રણછોડદાસજી આશ્રમ સામેના મેદાન ખાતે 'માં વાત્સલ્ય કાર્ડ મેગા કેમ્પ'નું આયોજન કરવામાં આવશે. સાથોસાથ તા. ૨૨-૦૧-૨૦૨૦ થી તા.૨૬-૦૧-૨૦૨૦ સુધી રેસકોર્સ રિંગ રોડ, શહેરના મુખ્ય સર્કલોમાં થીમ બેઇઝડ ડેકોરેશન  અને રાજકોટ મહાનગરપાલિકાની બિલ્ડીંગો આકર્ષક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવશે.

તા.૨૩થી ૨૫-૦૧-૨૦૨૦ થી તા.૨૫-૦૧-૨૦૨૦ સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ ' પ્લાસ્ટિક ભારત છોડો' નું આયોજન કરવામાં આવશે. જેમાં કિસાનપરા ચોક ખાતે એક જેલ બનાવવામાં આવશે અને 'માય એફ.એમ.' ના  આર.જે. આભાબેન આ જેલમાં ૭૨ કલાક સુધી રહેશે. શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો અને રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી ૫૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરી જેલ ખાતે લાવશે અને ત્યારે આર.જે.  આભાબેન જેલમુકત થશે. સ્કૂલોના છાત્રો પેપર બેગ બનાવી પોતાની શાળાના આસપાસના વિસ્તારોમાં કોમર્શિયલ સંકુલોમાં જઈને ત્યાં પેપર બેગ આપશે બદલામાં પ્લાસ્ટિક એકત્ર કરશે.     

તા.૨૫ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બે કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર 'બૂક ફેર'નું ઉદદ્યાટન મુખ્યમંત્રી કરશે. જયારે આ જ દિવસે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળના કુલ રૂ.૬૦૦ કરોડથી વધુ ખર્ચના વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.

(3:49 pm IST)