રાજકોટ
News of Wednesday, 15th January 2020

૨૫મીથી શાસ્ત્રીમેદાનમાં હસ્તકલા પ્રદર્શનઃ ૧૨૮ સ્ટોલઃ ઇન્ડેક્ષ સી-ગરવી ગુર્જરી - NIFT તથા ખમીર-કસબ-કલારક્ષા સૃજન મેદાનમાં

૧૨૮ સ્ટોલઃ થીમેટીક પેવેલીયન-૨૫૦થી વધુ કારીગરોઃ વર્કશોપ-ડેમોસ્ટ્રેશન-હેન્ડસઓન જોવા મળશે

રાજકોટ, તા.૧૫: પત્રકાર પરીષદમાં માહિતી આપતા કલેકટરે ઉમેર્યુ હતુ કે ગુજરાત પોતાની વૈવિધ્યપૂર્ણ હસ્તકલાઓ માટે જેવી કે પટોળા, બાંધણી, ભરતકામ, બાટીક, અજરખ, કલાત્મક વણાટ, ચર્મકળા, કાષ્ઠકળા, વાસકામ, રોગન કળા, તાંગલિયા, ખાદી, માટીકામ માટે સમગ્ર દેશ તથા વિશ્વમાં જાણીતુ છે. આ હસ્તકલાઓ વિવિધ સમુદાયોની અનેરી સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. સાથો સાથ આ હસ્તકલાઓ સાથે હજરો કલાકારોની આજીવિકા પણ જોડાયેલી છે. ગુજરાતના વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં પથરાયેલી આ કલાઓનો બહુમુખી વિકાસ થાય તથા તેને સમગ્રલક્ષી પ્રોત્સાહન મળે તે હેતુથી હસ્તકલા પર્વે ર૦૨૦નું આયોજન રાજકોટ ખાતે ૨૫ જાન્યુથી ૩૧ જાન્યુ. ૨૦૨૦ દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે રાખવામાં આવેલ છે.

ઉપર નિર્દેશીત હસ્તકલા પર્વ ૨૦૨૦ ગુજરાતની વિવિધ હસ્તકલાનો વિકાસ તથા પ્રોત્સાહન માટે એક પ્રેરણાદાયક મંચ પુરૂ પાડી શકે તેમ છે. હસ્તકલા પર્વ ૨૦૨૦ (બિઝનેસ ટુ બિઝનેસ) તથા (બિઝનેસ ટુ કન્ઝયુમર) પ્રકારના સંવાદ નેટવર્કિગ માટે પ્રેરણાદાયી વાતાવરણ પુરૂ પાડી શકે તેમ છે.આ હસ્તકલા પર્વમાં ગુજરાત તથા કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ તથા સંસ્થાઓ જેવી કે INDEXT-C DC  હેન્ડીક્રાફટ, ગરવી ગુર્જરી DC હેન્ડલુમ, TRIFED ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ) ગુજરાત માટીકામ કલાકારી & રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટિટયુટ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મિશન મંગલમ, NULM, CED (Center for RSETI IGNOU  લીડ બેંક, NIFT (National Institute of Fation Technology) વિગેરે પણ ભાગ લેશે. આ ઉપરાંત હસ્તકલાઓના વિકાસ સાથે સંકળાયેલી બિન સરકારી સંસ્થાઓ જેવી કે ખમીર, કસબ, સૃજન, કલારક્ષા પણ ભાગ લેનાર છે.

હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી આવનાર કારીગરોને રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આયોજીત થનાર હસ્તકલા પર્વ વેપાર તથા વાણિજયનું મંચ તો પુરૂ પાડશે જ પણ સાથો સાથ સામાન્ય જન સમુદાયમાં હસ્તકલા પ્રત્યે તાદાત્મીયતાની અનુભુતિ પણ કરાવશે. આ માટે હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલ વિવિધ વિષયો પર વર્કશોપ, ડેમોસ્ટ્રેશન તથા હેન્ડસઓન જેવા વિવિધલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

હસ્તકલા પર્વ ૨૦૨૦ની ડીઝાઇન પણ આ ક્ષેત્રના વિવિધ લક્ષી આયોામોનું વિસ્તૃત છણાવટ થાય તે પ્રકારની રાખવામાં આવી છે. કલા સમુદાયના આ પચરંગી મેળામાં આશરે ૧૨૮ જેવા સ્ટોલ તથા થીમેટીક પેવેલીયન રાખવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતની સમૃધ્ધ હસ્તકલાની વિરાસતનું પ્રતિનિધિત્વ ગુજરાતના ખુણેથી આવેલા ૨૫૦ જેટલા કારીગરો કરશે.

(3:46 pm IST)