રાજકોટ
News of Wednesday, 15th January 2020

રાજકોટ ઠંડા-ઠંડા... કૂલ... કૂલ... ૮.૪ ડિગ્રી

ઠંડા પવન સાથે ઠારનો અનુભવ : આગામી દિવસોમાં પણ ઠંડીનો દોર જારી રહેશે

રાજકોટ, તા. ૧૫ : ઠંડીએ ફરી માઝા મૂકી છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ઠંડીનો પારો ૧૦ ડિગ્રી નીચે પટકાયો છે. ફરી એક વખત નલીયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે ત્યારે રાજકોટ શહેરમાં આજે ૮.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયેલ છે. આગામી દિવસોમાં પણ ઠંડીનો દોર જારી રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં થઈ રહેલ બરફવર્ષાના પગલે તેના ઠંડા પવનની અસરથી ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થયો છે. ત્રણેક દિવસ બાદ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી દિવસોમાં પણ ઠંડીનો દોર જારી રહેશે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગઈકાલે મકરસંક્રાંતિની સંધ્યાએથી જ ફરી કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે સવારે લઘુતમ તાપમાન ૮.૪ ડિગ્રી નોંધાયુ છે. અસહ્ય ઠાર પ્રવર્તી રહ્યો છે. સાથોસાથ ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે. ઠંડીની અસરથી નાના બાળકોથી માંડી મોટેરાઓ ગરમ વસ્ત્રોમાં જ જોવા મળી રહ્યા છે.

(1:18 pm IST)