રાજકોટ
News of Wednesday, 15th January 2020

ગાંધીગ્રામ પોલીસ અને ભકિતનગર પોલીસે કાર-રિક્ષામાં ૨૩૨ બોટલ દારૂ સાથે બેને પકડ્યા

સૈનિક સોસાયટી પાસેથી મનિષ માયાણી કારમાં ૧૮૦ બોટલ સાથે અને જંગલેશ્વરમાંથી સમશેરખાનને રિક્ષામાં ૫૨ બોટલ સાથે પકડી લેવાયો

રાજકોટ તા. ૧૫: સંક્રાંતના તહેવારમાં પણ બૂટલેગરો કમાઇ લેવા દોડધામ કરી રહ્યા હતાં. પોલીસે પણ એલર્ટ રહી કાર્યવાહી કરી હતી. ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ સૈનિક સોસાયટીના બસ સ્ટોપ પાસેથી હેડકોન્સ. સંતોષભાઇ મોરી, કોન્સ. કનુભાઇ બસીયા અને દિગ્વીજયસિંહ ગોહિલની બાતમી પરથી જીજે૦૩એલબી-૮૦૯૮ નંબરની કાર પકડી લઇ તપાસ કરતાં અંદરથી રૂ. ૭૨ હજારનો દારૂ મળતાં તે તથા કાર મળી રૂ. ૪,૭૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક મનિષ મોહનભાઇ માયાણી (કોળી) (ઉ.૨૩-રહે. કોઠારીયા રોડ હુડકો કવાર્ટર સી-૩૧)ની ધરપકડ કરી હતી. તે લાદી કામ કરે છે. કમાઇ લેવાના ઇરાદે ટૂંકો માર્ગ અપનાવ્યો હતો.

જ્યારે બીજા દરોડામાં ભકિતનગરના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલાની બાતમી પરથી જંગલેશ્વર મેઇન રોડ એકતા સોસાયટી-૧માં રહેતાં સમશેરખાન બહાદુરખાન પઠાણ (ઉ.૨૨)ને ભવાની ચોક મહેશ્વરી સોસાયટી મેઇન રોડ પરથી રિક્ષા નં. જીજે૦૧સીઝેડ-૫૩૭૨ નંબરની રિક્ષામાં બાવન બોટલ દારૂ સાથે પકડી લઇ કુલ રૂ. ૭૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બંને દરોડામાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, રવિમોહન સૈની, એસીપી દિયોરા, એસીપી રાઠોડની સુચના હેઠળ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, સંતોષભાઇ મોરી, રાહુલભાઇ વ્યાસ, હાર્દિકસિંહ પરમાર, ગોપાલભાઇ પાટીલ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિગુભા ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ કગથરા, અમિનભાઇ કરગથરા તથા ભકિતનગરના પીઆઇ વી. કે. ગઢવી, વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ પઢારીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, રવિરાજભાઇ પટગીર, વાલજીભાઇ જાડા, મનિષભાઇ, હિતેષભાઇ, રાજેશભાઇ, વિશાલભાઇ સહિતે કામગીરી કરી હતી.

(1:15 pm IST)