રાજકોટ
News of Wednesday, 15th January 2020

શુક્રવારના વન-ડે અંતર્ગત ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે પોલીસ કમિશનરનું જાહેરનામુ

જામનગર-ધ્રોલ તરફ જતાં ભારે વાહન ચાલકોએ ખાસ નોંધ લેવી જરૂરી

રાજકોટ તા. ૧૫: પરમ દિવસે શુક્રવારે રાજકોટના પડધરી તાબેના ખંઢેરી ખાતેના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાવાનો છે અને તેમાં આશરે ૩૦ હજાર જેટલા પ્રેક્ષકો રાજ્યભરમાંથી આવવાની શકયતા હોઇ સ્ટેડિયમ સુધી જવા આવવાના માર્ગો રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રાફિક જામ ન થાય કે બીજી મુશ્કેલીઓ ઉભી ન થાય એ માટે થઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ભારે વાહનો માટે જાહેરનામુ બહાર પાડ્યું છે.

આ જાહેરનામા મુજબ ૧૭મીએ સવારના ૧૧ થી ૧૮મીના રાતના બે વાગ્યા સુધી ટ્રાફિક ડાયવર્ટના નિમયોનું પાલન ટ્રક, ટેન્કર, ટેલર સહિતના હેવી વાહનના ચાલકોએ કરવું પડશે. અમદાવાદ-ભાવનગર તરફથી આવતા ભારે વાહનો કે જેને જામનગર તરફ જવું હોઇ તેણે બેડી ચોકડીથી મોરબી રોડ મિતાણા-ટંકારા-નેકનામ થઇ જામનગર, ધ્રોલ જવું પડશે. મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જઇ શકાશે નહિ, માધાપર ચોકડીથી જામનગર તરફ જઇ શકાશે નહિ.

પોરબંદર, જુનાગઢ તરફથી આવતા ભારે વાહનો ગોંડલ ચોકડીથી આજીડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી, મોરબી રોડ થઇ મિતાણા, ટંકારા, નેકનામ થઇ જામનગર-ધ્રોલ જઇ શકશે. ૧૫૦ રીંગ રોડ પુનિતનગર ટાંકાથી ૮૦ ફુટ રોડ કોસ્મો ચોકડીથી કાલાવડ થઇ જામનગર તરફ જઇ શકાશે. પરંતુ કેકેવી ચોકથી માધાપર ચોકડી તરફ આવી શકશે નહિ.

કાલાવડ તરફથી આવતા ભારે વાહનો કોસ્મો ચોકડીથી પાટીદાર ચોકથી ૮૦ ફુટ રોડથી પુનિત પાણીના ટાકાથી થઇ ગોંડલ રોડ ચોકડી થઇ આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી, મોરબી રોડ થઇ મિતાણા-ટંકારા-નેકનામ થઇ જામનગર તરફ જઇ શકશે. ૧૫૦ રીંગ રોડથી કેકેવી ચોકથી માધાપર ચોકડી તરફ જઇ શકશે નહિ.

એમ્બ્યુલન્સ, સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોના વાહનો, એસટી બસ, સરકારી વાહનો, શબવાહીની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર જેવા વાહનો તેમજ મેચ જોવા જઇ રહેલા લોકોના વાહન ચાલકોને આધારભુત પુરાવો રજૂ કર્યે આ હુકમ લાગુ પડશે નહિ.

(1:16 pm IST)