રાજકોટ
News of Wednesday, 15th January 2020

રાજકોટ શહેર પોલીસ ગઇકાલે હતી સંક્રાંતી અને મુખ્યમંત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત...આજે મોજથી ચગાવી પતંગો મસ્ત-મસ્ત

રાજકોટઃ શહેરીજનો કોઇપણ તહેવારની શાંતિપૂર્વક ઉજવણી કરી શકે એ માટે દરેક તહેવાર પર શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ગઇકાલે  આખુ શહેર મકર સંક્રાંતિની ઉજવણીમાં ઉત્સાહથી મોજ મેળવી રહ્યું હતું ત્યારે શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ બંદોબસ્તમાં વ્યસ્ત હતાં. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી પણ રાજકોટમાં હોઇ મોટો ભાગનો સ્ટાફ એ બંદોબસ્તમાં પણ રોકાયેલો હતો. દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આજે સવારે રેસકોર્ષ મેદાન ખાતે શહેર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ માટે ખાસ પતંગ મહોત્સવ યોજ્યો હતો. જેમાં આ બંને અધિકારીઓ તેમજ ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પોલીસ મથક અને બ્રાંચના પોલીસ ઇન્સપેકટર્સ તેમજ અન્ય કર્મચારીઓ સામેલ થયા હતાં. સોૈએ મોજથી મસ્ત-મસ્ત પતંગો ચગાવી હતી અને પેચ લગાવ્યા હતાં. આમ પણ રાજકોટ પોલીસની પતંગ સારી ઉડી રહી છે. આ વર્ષે ગુનાખોરીનો આંકડારૂપી પતંગને કાપવામાં પણ પોલીસને સફળતા મળી હતી. તસ્વીરોમાં પતંગની મોજ માણતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ ખુશખુશાલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:09 pm IST)