રાજકોટ
News of Wednesday, 15th January 2020

ભકિતનગરના પોલીસમેન દિપકભાઇ ચૌહાણનું મૃત્યુઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

તેમના પિતા શામજીભાઇ ચૌહાણ અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં કમાન્ડો હતાં: દિપકભાઇ લાંબા સમયથી બિમાર હતાં

રાજકોટ તા. ૧૫: ભકિતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ શામજીભાઇ ચૌહાણ (ઉ.૪૧)નું સંક્રાંતીની આગલી સાંજે મૃત્યુ નિપજતાં પરિવારજનો અને સાથી પોલીસ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.રોહિદાસપરામાં રહેતાં દિપકભાઇ ચૌહાણ અગાઉ એ-ડિવીઝનમાં ફરજ બજાવતાં હતાં. છેલ્લે ભકિતનગર પોલીસ મથકમાં તેની બદલી થઇ હતી. ઘણા સમયથી તે બિમાર રહેતાં હતાં. સોમવારે સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનારના પિતા શામજીભાઇ ચૌહાણ પણ અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતાં હતાં. જે હાલ નિવૃત જીવન ગાળે છે. દિપકભાઇ ચાર ભાઇમાં મોટા હતાં અને પિતાના પગલે પોલીસમાં ભરતી થયા હતાં. તેના મૃત્યુથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી છે. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલાએ જાણ કરતાં થોરાળના પીએસઆઇ કે. કે. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. સંક્રાંતની સવારે દિપકભાઇની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, પોલીસ કર્મચારીઓ જોડાયા હતાં.

(12:16 pm IST)