રાજકોટ
News of Wednesday, 15th January 2020

સંક્રાંતિના દિવસે પતંગોની સાથે ધોકા-પાઇપ-છરી-તલવાર પણ ઉડ્યાઃ રૈયાધારમાં હત્યાનો પ્રયાસઃ બેડીપરામાં બે જૂથ સામ-સામે-બાટલીઓ-પથ્થરના ઘાઃ ડઝન ડખ્ખામાં ૧૫ ઘવાયા

રૈયાધારમાં ફિરોઝભાઇ ખેરાણીએ ગાળો બોલવાની ના પાડતાં બેઠક પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસઃ બેડીપરા શ્રમજીવીમાં મોબાઇલ ફોન મામલે મુસ્લિમ શખ્સોનો કોળી ભાઇઓ, બહેન પર હુમલો, તોડફોડઃ રૈયાધાર શાંતિનગરમાં સાઇકલ પગ પર ફરી જતાં ડખ્ખોે, લક્ષ્મીના ઢોળે પતંગ પ્રશ્ને અને છોટુનગર ઝૂપડપટ્ટીમાં જુના મનદુઃખને કારણે, રણુજા મંદિર પાસે પડોશીઓનો કોળી પરિવાર પર હુમલો

પ્રથમ તસ્વીરમાં જેની હત્યાનો પ્રયાસ થયો તે રૈયાધારમાં રહેતાં ફિરોઝભાઇ ખેરાણી, બેડીપરા શ્રમજીવીમાં થયેલી ધમાલમાં ઘાયલ પૈકીના મનસુખભાઇ કોબીયા, લાલપરીમાં ઘવાયેલો મેહુલ જાદવ અને અન્ય તસ્વીરોમાં બેડીપરા શ્રમજીવીમાં થયેલી અથડામણના વાયરલ થયેલા વિડીયોમાંથી લેવાયેલી ધમાલના દ્રશ્યો જોઇ શકાય છે

રાજકોટ તા.૧૫: સંક્રાંતના દિવસે જુદા-જુદા કારણોસર ધબધબાટીના બનાવ પણ બન્યા હતાં. શહેરમાં પતંગો ઉડવાની સાથોસાથ અલગ-અલગ વિસ્તારોમાં ધોકા-પાઇપ-છરી-તલવાર અને સોડા બોટલો તેમજ પથ્થરો પણ ઉડ્યા હતાં. ગાળો બોલવા મામલે, પતંગ ઉડાવવા પ્રશ્ને તેમજ નજીવા કારણોસર  અને જુના મનદુઃખ સહિતના પ્રશ્નોન લીધે હત્યાની કોશિષ, જૂથ અથડામણની દસથી વધુ ઘટના બની હતી. જેમાં હથીયારોનો છૂટથી ઉપયોગ કરી એક બીજાને ઘાયલ કરવામાં આવ્યા હતાં. રૈયાધારમાં મુસ્લિમ યુવાનને એક શખ્સે બેઠક પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તો બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં કોળી યુવાને વાત કરવા મોબાઇલ ફોન ન આપતાં મુસ્લિમ શખ્સોએ તેની દૂકાનમાં તોડફોડ કર્યા બાદ બે જૂથ સામ-સામે આવી ગયા હતાં. જેમાં ચારને ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ મારામારીની ઘટનાઓમાં ઘાયલોને સારવાર અપાઇ હતી.

મહિલા સભ્યો ઉભા હોઇ ગાળો ન બોલવા સમજાવતાં હત્યાનો પ્રયાસ

પ્રથમ બનાવમાં રૈયાધાર પ્લોટ વિસ્તારમાં રહેતાં મુસ્લિમ યુવાન પર પડોશમાં રહેતાં કરિયાણાના ધંધાર્થી અને તેના ઘરે આવેલા મહેમાનોએ મળી હુમલો કરી બેઠક પર છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતાં. અહિથી વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઇ જવાયા છે.

રૈયાધારમાં પ્લોટ વિસ્તારમાં રહેતાં અને રેસ્ટોરન્ટમાં કામ કરતાં ફિરોઝભાઇ હુશેનભાઇ ખેરાણી (ઉ.વ.૪૨) સંક્રાંતની સાંજે ઘર બહાર ખુરશી ઢાળીને બેઠા હતાં ત્યારે તેના પત્નિ આશીયાનાબેન અને ભાભી રૂકશાનાબેન પણ બહાર હતાં. આ વખતે ઘર સામે જ આવેલી પરમાર પ્રોવિઝન નામની કરિયાણાની દૂકાનવાળા ધર્મેશ ઉર્ફ ધમો રાઠોડ અને તેની સાથેના આઠ-નવ શખ્સો ગાળાગાળી કરતાં હોઇ ફિરોઝભાઇ તેને મહિલા સભ્યો ઉભા હોઇ ગાળો નહિ બોલવા માટે સમજાવવા જતાં બધાએ હુમલો કરી ધોલધપાટ કરી હતી. કેટલાકે તેને પકડી લીધા હતાં અને લાંબા વાળવાળા શખ્સે છરી કાઢી બેઠકની ડાબી બાજુ ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. લોકો ભેગા થઇ જતાં આ શખ્સો મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. ફિરોઝભાઇ બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પી.આઇ. આર. એસ. ઠાકર સહિતે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બેડીપરા શ્રમજીવીમાં બઘડાટીઃ વિડીયો વાયરલ

બીજા બનાવમાં બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં. ૮/૧૦ના ખુણે રહેતાં અને મજૂરી કરતાં મનસુખભાઇ તળશીભાઇ કોબીયા (ઉ.૩૮) તથા નવાગામ આણંદપરથી સંક્રાત કરવા આવેલા બહેન જયશ્રીબેન પ્રવિણભાઇ મકવાણા (ઉ.૩૫) અને પિત્રાઇ ભાઇ હિતેષ સોમાભાઇ કોબીયા (ઉ.૨૫) પર પડોશમાં રહેતાં તોફલો, તોસલો, સમરો, શાહરૂખ અને અજાણ્યા શખ્સોએ તલવાર-ધોકા-પાઇપથી સંક્રાંતની સાંજે છસાડા છએક વાગ્યે હુમલો કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસમાં જાણ કરાઇ હતી.

પોલીસે મનસુખભાઇની ફરિયાદ પરથી તોૈફિક મહમદભાઇ સંધી, સમીર સિપાહી, ફૈઝલ જન્નર, તોસલો, ઇમરાન, શાહરૂખ, બંદૂક, અજાણ્યા ચાર-પાંચ જણા સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૩૩૭, ૪૨૭, ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ રાયોટનો ગુનો નોંધ્યો છે. મનસખુભાઇના કહેવા મુજબ સાંજે તેના મોટા બાપુના દિકરા મયુરની પાનની દૂકાને એક શખ્સ આવ્યો હતો અને વાત કરવા ફોન માંગ્યો હતો. પણ મયુર તેને ઓળખતો ન હોઇ ફોન ન દેતાં તેણે ગાળો ભાંડી હતી. એ પછી ટોળકી રચી ધોકા-ધારીયાથી ધસી આવી હુમલો કરી સોડા બોટલોના આડેધડ ઘા કરી મકાન ઉપર ઘા કરી મયુરની કેબીન તથા દરવાજા પર ધોકા ફટકારી નુકસાન કર્યુ હતું. તેમજ પોતાને (મનસુખભાઇને) માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો હતો. સાહેદો જયશ્રીબેન અને હિતેષને મોઢા પર સોડા બોટલો ફટકારી ઇજા પહોંચાડાઇ હતી. આ ધમાલનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં શેરીમાં કઇ રીતે ધમાલ થાય છે તે દ્રશ્યો જોવા મળે છે. પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એલ. બારસીયાએ તપાસ હાથ ધરી છે.

છોટુનગર ઝૂપડપટ્ટીમાં ત્રણ ડખ્ખામાં ત્રણને ઇજા

ચોથા-પાંચમા અને છઠ્ઠા બનાવમાં છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં પરષોત્તમ જકશીભાઇ લોચડીયા (ઉ.૪૬) પર સુરેશ, ડાયા અને ગોવિંદે હુમલો કરી ઇજા કરતાં અને સામે પક્ષે સુરેશ ડાયાભાઇ કુંવરીયા (ઉ.૩૫) પણ પોતાના પર પરષોત્તમ, પરબત, શિવરામે ધોકાથી હુમલો કર્યાની રાવ સાથે હોસ્પિટલમાં દાખલ થતાં બંનેની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને નોંધાવી હતી. અગાઉ પરષોત્તમ અને સુરેશ વચ્ચે બોલાચાલી થઇ હતી. તેનું સમાધાન પણ થઇ ગયું હતું. આમ છતાં સંક્રાંતની બપોરે જુનો ડખ્ખો ઉખેળી માથાકુટ કરવામાં આવ્યાનું જણાવાયું હતું. જ્યારે સંક્રાંતની રાતે છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતી રેવીબેન સોમા વાજેલીયા (ઉ.૩૫)ને જુના ડખ્ખાને લીધે પરબત, સંજયએ સળીયાથી ફટકારતાં સિવિલમાં દાખલ થઇ હતી.

પતંગ મામલે આશિષ ચોૈહાણને ધોલધપાટ

સાતમા નાના મવા રોડ પર લક્ષ્મીના ઢોળા પર રહેતાં આશિષ અમૃતભાઇ ચોૈહાણ (ઉ.૨૨)ને પતંગ ઉડાડવાના ડખ્ખામાં પડોશી અશોક અને પુષ્પાબેને ધોલધપાટ કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

લાલપરીએ મેહુલને અજાણ્યાએ ધોકાથી ફટકાર્યો

આઠમા બનાવમાં સહકાર સોસાયટી-૫માં રહેતો મેહુલ કાળુભાઇ જાદવ (ભરવાડ) (ઉ.૧૭) લાલપરી ગામે પોતાની ગાયો ચરાવતો હતો ત્યારે અજાણ્યા શખ્સો દારૂ પી ગાળો બોલતાં હોઇ તેને ના પાડતાં ધોકાથી હુમલો કરી માથામાં ઇજા કરી ભાગી ગયા હતાં. મેહુલ સિવિલમાં દાખલ થતાં કુવાડવા પોલીસને જાણ કરાઇ હતી.

નવમા બનાવમાં સુનિલને પિન્ટૂએ ધોકાવાળી કરી

દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં સુનિલ બિરેનભાઇ શર્મા (ઉ.૩૨)ને  તેની સાથે જ રૂમમાં રહેતાં મુળ બિહારના પિન્ટૂએ ધોકાવાળી કરી ઇજા કરતાં સિવિલમાં ખસેડાયો હતો. સુનિલ અને પિન્ટૂ એક-એક ટાઇમે જમવાનું બનાવે છે. સાંજે પિન્ટૂનો રસોઇ બનાવવાનો વારો હતો. ન બનાવતાં સુનિલે પુછતાં તેને ધોકા ફટકાર્યા હતાં.

શોભારામના પગ પર સાઇકલ ફેરવી દઇ હુમલો

દસમા બનાવમાં રૈયાધાર શાંતિનગર મફતીયાપરામાં રહેતાં અને પીઓપીનું કામ કરતાં મુળ યુપીના શોભરામ રામહરખ જેસ્વાલ (ઉ.વ.૪૦)ને સંક્રાંતની સાંજે ઘર પાસે હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ પાવડાના હાથા અને ઢીકા-પાટુનો માર મારતાં  સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. હેડકોન્સ. બોઘાભાઇ ભરવાડે ફરિયાદ નોંધી હતી. શોભારામના કહેવા મુજબ અજાણ્યો શખ્સ સાઇકલ લઇને નીકળતાં તેના પગ પરથી સાઇકલ ચાલી જતાં ધ્યાન રાખવાનું કહેતાં હુમલો કરાયો હતો.

લાઇટના છેડા મામલે ધમાલઃ ૪ને ઇજા

૧૧માં બનાવમાં રણુજા મંદિર પાસે શાંતિનગરમાં રહેતાં કોળી ગીતાબેન ભરતભાઇ ચાવડા (ઉ.વ.૩૫), તેના નણંદ હેતલ દિનેશભાઇ રંગપરા (ઉ.વ.૨૮), નણદોયા દિનેશભાઇ બચુભાઇ રંગપરા (ઉ.વ.૨૮) અને નણંદના દિકરા એભલ રમેશભાઇ ખુમાદિયા (ઉ.વ.૧૩)ને  સાંજે સાતેક વાગ્યે ઘરે હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ છરી, તલવારથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. આજીડેમના હેડકોન્સ. એમ. બી. જાડેજાએ ગીતાબેન ચાવડાની ફરિયાદ પરથી પડોશી મુકેશ મનજી, તેની પત્નિ રતન સામે ગુનો નોંધ્યો હતો. અગાઉ લાઇટના દોરડા બાબતે ઝઘડો થયો હોઇ તેનું મનદુઃખ રાખી હુમલો કરાયો હતો.

સીતાબેનને કંચને લાકડીથી માર માર્યો

બારમા બનાવમાં જંકશન મેઇન રોડ પર ઝૂપડપટ્ટીમાં રહેતી સીતાબેન મનગભાઇ ડીંડે (ઉ.૫૦)ને બાજુમાં રહેતી કંચને ઝઘડો કરી લાકડીથી માર મારતાં સિવિલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગરમાં જાણ કરાઇ હતી.

(1:11 pm IST)