રાજકોટ
News of Tuesday, 15th January 2019

મઢી ચોક નજીક સ્વીફટ કારએ બીએમડબલ્યુ કારને ટક્કર મારીઃ સદ્દનસિબે દૂર્ઘટના અટકી

મુખ્યમંત્રીનો કાફલો પસાર થવાનો હોઇ સાઇડ સિગ્નલ બંધ હોવાથી ટ્રાફિક જામ નહોતો એ કારણે બીજા વાહન ચાલકો બચી ગયાઃ સ્વીફટ રેઢી મુકી ચાલક જતો રહ્યો

રાજકોટઃ શહેરના હનુમાન મઢી ચોકમાં જ્યારથી સાઇડ સિગ્નલ ચાલુ થયા છે ત્યારથી રોજબરોજ સવાર, બપોર અને મોડી સાંજ સુધી સતત ટ્રાફિક જામની સમસ્યા ઘર કરી ગઇ છે. હનુમાન મઢી ચોકના ચારેય તરફના રસ્તાઓ પર સાઇડ સિગ્નલો ચાલુ થતાં અને બે મિનીટથી પણ વધુ સમય સુધી સિગ્નલો બંધ રહેતાં હોઇ સતત ટ્રાફિક જામ રહે છે. જ્યારે પણ સાઇડ આપવામાં નથી આવતી અને આપમેળે વાહન વ્યવહાર ચાલુ હોય છે ત્યારે ટ્રાફિક જામ થતો નથી. પરંતુ સિગ્નલો ચાલુ કરી સાઇડ આપવાનું ચાલુ કરાયું ત્યારથી મઢી ચોકના વેપારીઓ ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયા છે. આ મામલે અગાઉ વેપારીઓએ બંધ પાળીને રજૂઆતો પણ કરી હતી. પરંતુ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી થયું નથી. દરમિયાન મકરસંક્રાંતિની સાંજે હનુમાન મઢી નજીક નિર્મલા રોડ પર જવાના રસ્તા પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટોળા ભેગા થઇ ગયા હતાં. હનુમાન મઢીથી નિર્મલા રોડ તરફ જઇ રહેલી બીએમડબલ્યુ કારની પાછળની સાઇડમાં નિર્મલા રોડ તરફથી મઢી તરફ આવી રહેલી સ્વીફટ કાર ધડાકાભેર અથડાતાં બીએમડબલ્યુ કારના પાછળના ભાગે ભારે નુકસાની થઇ હતી. સદ્દનસીબે બંને કારના ચાલકોને ઇજા થઇ નહોતી. સ્વીફટ કારના ચાલક કાર મુકીને જતાં રહ્યા હતાં. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો કાફલો મઢી ચોકમાંથી પસાર થવાનો હોવાથી સાઇડ આપવાની કાર્યવાહી બંધ રાખવામાં આવી હતી. આ કારણે કાર અકસ્માત સર્જાયો ત્યારે ટ્રાફિક જામ નહોતો. જો ટ્રાફિક જામ વચ્ચે આ અકસ્માત થયો હોત તો બીજા અનેક વાહનો પણ ઠોકરે ચડી ગયા હોત તેમ નજરે જોનારાઓનું કહેવું છે. મુખ્યમંત્રીશ્રીના બંદોબસ્તમાં મઢી ચોકમાં જ પોલીસનો કાફલો હોઇ તાકીદે અકસ્માત સ્થળે પહોંચી બંને કાર સાઇડમાં લેવડાવવા વ્યવસ્થા કરી હતી.

(11:51 am IST)