રાજકોટ
News of Thursday, 14th November 2019

રાજકોટ-દુરન્‍તો એકસપ્રેસને બોરીવલ્લી સ્‍ટોપ આપવા સૌરાષ્‍ટ્રવાસીઓની બળવતર બનતી માંગ

સ્‍ટોપેજ ન હોવાને કારણે પુરતો ટ્રાફીક મળતો નથીઃ રેલ્‍વેને થઇ રહેલું નુકશાનઃ બોરીવલ્લીના રહેવાસી પ્રમોદ મોદી દ્વારા રેલ્‍વે સતાવાળાઓ સમક્ષ તાકીદે સ્‍ટોપ આપવા માંગણી

રાજકોટ, તા., ૧૪: મુંબઇના રહેવાસી અને જાગૃત નાગરીક પ્રમોદભાઇ મોદીએ રેલ્‍વે સતાવાળાઓને વિસ્‍તૃત પત્ર પાઠવી રાજકોટ-દુરન્‍તો એકસપ્રેસને બોરીવલ્લીમાં સ્‍ટોપ આપવા માંગણી કરી છે. તેમણે જણાવ્‍યું છેકે મુંબઇના બોરીવલ્લી, ગોરેગાંવ અને વીરાર સુધીના ભાગોમાં સૌરાષ્‍ટ્રીઓ મોટી સંખ્‍યામાં વસે છે. સારા-માઠા પ્રસંગોએ તેમને અવાર નવાર રાજકોટ-સૌરાષ્‍ટ્ર આવવાનું થતું હોય છે. આ ટ્રેન રાજકોટ સુધી લંબાવી તે નિર્ણય ખુબ આવકાર્ય છે પરંતુ બોરીવલ્લી સ્‍ટોપ આપવામાં આવે તો સૌરાષ્‍ટ્રના મુસાફરોની સુવિધામાં વધારો થશે અને રેલ્‍વેની આવક પણ વધશે.

મોદીએ વધુમાં જણાવ્‍યું છે કે રાજકોટથી ઉપડતી દુરન્‍તો એકસપ્રેસ બોરીવલ્લી સ્‍ટોપેજના અભાવે ૯૦ ટકા ટ્રાફીક મળતો નથી. રેલ્‍વેની વેસ્‍ટર્ન લાઇનમાં મુંબઇનું બોરીવલ્લી સ્‍ટેશન જ સૌરાષ્‍ટ્રવાસીઓ માટે સુવિધાજનક છે. હાલમાં રાજકોટ-મુંબઇ, મુંબઇ-રાજકોટની દરેક ફલાઇટ પેક જતી હોય છે તેની પાછળનું કારણ પણ આ જ છે. જો સ્‍ટોપેજ આપવામાં આવે તો આ ટ્રાફીક  રેલ્‍વે તરફ ડાયવર્ટ થશે. ફલાઇટમાં મુસાફરી કરતા મોટા ભાગના મુસાફરોને બંન્ને તરફ બેથીત્રણ કલાક વહેલા પહોંચવું પડે છે. ટ્રાફીક, પાર્કીગ સહીતના કારણોથી કંટાળી લોકોને રેલ્‍વેનો વિકલ્‍પ સારો લાગે છે. પરંતુ જો બોરીવલ્લીમાં સ્‍ટોપ આપવામાં આવે તો દુરન્‍તો ખુબ જ સુવિધાજનક રહેશે. વિરારથી સેન્‍ટ્રલ રેલ્‍વે અને સેન્‍ટ્રલ રેલ્‍વેથી વિરાર વચ્‍ચે મલાડ, કાંદીવલી, બોરીવલ્લી, મીરા રોડ, ભાયન્‍દર, દહીસર, નાલા સોપારા અને વસઇમાં વસતા લોકોને બાળકો અને પરીવારો સાથે આવવા-જવાનું મોંઘુ પડે છે અને સિનીયર સીટીજનોને પણ તકલીફ પડે છે. માટે જો દુરન્‍તો એકસપ્રેસને બોરીવલ્લી સ્‍ટેશને ફકત ર મીનીટનો સ્‍ટોપ આપવામાં આવે તો પણ મુસાફરોની સુવિધામાં મોટો વધારો થશે.

(3:40 pm IST)