રાજકોટ
News of Thursday, 14th November 2019

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને લીલો દૂષ્કાળગ્રસ્ત જાહેર કરોઃ શહેરી વિસ્તારમાં હેલ્મેટને મૂકિત આપોઃ ખેડૂતો માટે તાકિદે મદદ જાહેર કરો

રોજગારી આપો-બેરોજગારી કાબૂમાં લાવોઃ શહેર કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ગજવી... : ૯ મૂદાનું કલેકટરને આવેદનઃ દેશ દેણામાં ડૂબી ગયો છેઃ અર્થતંત્રને મજબૂત કરવા પગલા ભરો : આવેદન કેન્દ્ર અને ગુજરાત સરકારને મોકલવા કલેકટરને અપીલ

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ કોંગ્રેસ પ્રમુખશ્રી અશોક ડાંગરની આગેવાની હેઠળ ૧પ૦ થી વધુ આગેવાનો - કાર્યકરોએ કલેકટરને આવેદન પાઠવી લોકોની જનવેદના રજૂ કરી હતી.

આવેદનમાં જણાવેલ કે ભારત દેશમાં બેકારી વધી રહી છે કરોડો બેરોજગાર યુવાનો નોકરી તેમજ ધંધા-રોજગાર માટે તડપી રહ્યો છે ત્યારે અમારી માગણીઓ છે કે યુવાઓને રોજગાર મળે અને બેરોજગારીને કાબુમાં લાવવામાં આવે.

આ ભાજપ સરકારના હિસાબે અને નોટબંધીના હિસાબે આર્થિક મંદીમાં ધકેલાઇ ગયો છે ત્યારે તાત્કાલીક આર્થિક મંદીને દુર કરવા પગલા ભરવામાં આવે.

ભારત દેશનો એકએક નાગરીક આ ભાજપ સરકારના તખલધી નિર્ણયોના હિસાબે દેણામાં ડૂબી ગયો છે અને આર્થિક ભારણ વધી ગયું છે તેમજ વિશ્વ બેંક પાસેથી લોનની પારાવાર સતત માગણીઓ કરવી પડતી હોય તેને બદલે દેશના અર્થતંત્રને મજબુત કરવા પગલા ભરે અને દેશને આર્થિક  સક્ષમ બનાવવા માટેના નિર્ણયો લે તેવી વ્યાપક માગણીઓ છે.

દેશનો એકએક ખેડૂત સતત પાઇમાલ થઇ રહ્યો છે અને દેણામાં ડૂબી રહ્યો છે ત્યારે ખેડૂત અને ખેતીને બચાવવા માટે તાત્કાલીક ભારત સરકાર અને ગુજરાત સરકાર મદદની જાહેરાત કરે.

આવેદનમાં ઉમેરાયું હતું કે, આ દેશમાં ભાજપની ર૦૧૪ માં સરકાર બન્યા બાદ સતત દિનપ્રતિદિન મોંઘવારી વધી રહી છે અને આજદિન સુધી મોંઘવારીમાં વધારો થઇ રહ્યો છે અને કયારેય પણ આ ભાજપના રાજમાં મોંઘવારી કાબુમાં આવી નથી ત્યારે આ સરકાર પાસે છેલ્લી વખત અપેક્ષા રાખીએ છીએ કે આ મોંઘવારી બાબતે ચિંતા કરે અને લોકોને પડતી મોંઘવારીની મુશ્કેલીઓ દુર કરે. સમગ્ર દેશ અને રાજયમાં નવા આર. ટી. ઓ. ટ્રાફિક નિયમોમાં દ્વિ ચક્રીય વાહનમાં નાના બાળક સાથે ત્રિપલ સવારી હોય તેને દંડમાંથી મુકિત આપવા અમો માગણી કરીએ છીએ.

ગુજરાત સરકાર પાસે અમો માગણી કરીએ છીએ કે શહેરી વિસ્તારોમાં આર. ટી. ઓ. - ટ્રાફિકના નિયમોમાંથી હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપવામાં આવે અને સાથે સાથે  દંડ અને સજામાંથી મુકત કરવામાં આવે. સમગ્ર રાજકોટ જિલ્લા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થયેલ છે તેમજ વધુ વરસાદ પડવાના કારણે લીલો દુકાળ પડયો હોય અને ખેડૂતોની મહેનત અને ઉભો થયેલ પાક નિષ્ફળ થયેલ હોય ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રને લીલા દુષ્કાળ ગ્રસ્ત  જાહેર કરવા પ્રખર માંગણી કરીએ છીએ.

આવેદન પત્ર દેવામાં સર્વશ્રી અશોકભાઇ ડાંગર, હિતેશભાઇ વોરા, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, નિલેશભાઇ મારૂ, મયુરસિંહ જાડેજા, મહેશ રાજપૂત, ડો. દિનેશ ચોવટીયા, વિનુભાઇ ધડૂક, મનીષાબા વાળા, બી. ટી. સાવલીયા, પ્રવિણ સોરાણી, દિનેશ ડવ, એચ. ડી. પટેલ, વિગેરે જોડાયા હતાં.

(4:40 pm IST)