રાજકોટ
News of Thursday, 14th November 2019

નામચીન ઇભલો અને તેના બે ભાઇનો ૧૮ લાખનો દારૂ જપ્ત

મોરબી રોડ પર ભવાની ઓઇલ મીલવાળી શેરીમાં ગાંધી વસાહત પાસે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી : ૧૦ લાખનું આઇસર મળી ૨૮ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ખંડણી ઉઘરાવવી, ધાકધમકી, મારામારી સહિતના અનેક ગુનાઓમાં સામેલ ઇબ્રાહિમ ઉર્ફ ઇભલો કાથરોટીયા તથા તેના બે ભાઇઓ મહેબૂબ ઉર્ફ મેબલો અને સલિમ હવે દારૂનો જથ્થો ઉતારવાના રવાડે ચડ્યા : હેડકોન્સ. અનિલભાઇ સોનારા સહિતની બાતમી પરથી દરોડો

જપ્ત થયેલુ આયસર, દારૂનો જથ્થો અને ક્રાઇમ બ્રાંચ પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ અતુલ સોનારા અને ટીમ નજરે પડે છે

રાજકોટ તા. ૧૪: શહેર ક્રાઇમ બ્રાંચે મોરબી રોડ પર ગાંધી વસાહત પાસે ઓઇલ મીલવાળી શેરીમાં મોડી રાતે દરોડો પાડી મોરબી રોડ ખાટકીવાસમાં રહેતાં અને અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન ઇભલો તથા તેના બે ભાઇનો રૂ. ૧૮ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. આઇસરમાં 'માલ' ભરાઇને આવ્યાો હોવાની અને 'કટીંગ' થવાનું છે તેવી બાતમી હેડકોન્સ. અનિલભાઇ સોનારા અને સાથી કર્મચારીઓને મળતાં ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી. ૧૦ લાખનું આઇસર અને ૧૮ લાખનો દારૂ મળી ૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જો કે ઇભલો અને તેના બે ભાઇઓ હાથમાં આવ્યા ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ....ને બાતમી મળી હતી કે મોરબી રોડ પર ભવાની ઓઇલ મીલવાળી શેરીમાં ગાંધી વસાહતની બાજુમાં દારૂનો જથ્થો ભરીને આઇસર આવ્યું છે અને કટીંગ થવાનું છે. આ માલ ઇભલા અને તેના ભાઇઓએ મંગાવ્યાની પણ માહિતી મળતાં ટૂકડી ત્રાટકી હતી. પોલીસ પહોંચતા જ ઇભલો અને તેના ભાઇઓ દારૂનો જથ્થો ભરેલુ આઇસર મુકી ભાગી ગયા હતાં.

પોલીસે એમએચ ૪૮ બીએમ-૦૧૧૪ નંબરનું આઇસર તથા તેમાં ભરેલો ૧૮ લાખનો દારૂ મળી કુલ ૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મોરબી રોડ ચામડીયા ખાટકીવાસમાં રહેતાં ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરિમભાઇ કાથરોટીયા, તેના ભાઇઓ મહેબુબ ઉર્ફ મેબલો કરિમભાઇ કાથરોટીયા  અને સલિમ કરિમભાઇ કાથરોટીયા (રહે. બંને મોરબી રોડ જુના જકાતનાકા પાસે શાળા નં. ૭૭ પાસે) તથા આયસરના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચે જે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે તેમાં પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડનો ૧૩ લાખ ૨૦ હજારનો તથા એપિસોડ બ્રાન્ડનો ૪,૮૦,૦૦૦નો જથ્થો સામેલ છે. નોંધનીય છે કે ઇબ્રાહિમ ઉર્ફ ઇભલો આ વિસ્તારમાં મારામારી, ખંડણી ઉઘરાવવી, ધાકધમકીઓ આપવા સહિતના ડઝનથી વધુ ગુનાઓમાં સંડોવાઇ ચુકયો છે અને પાસાની હવા પણ ખાઇ આવ્યો છે. હવે દારૂનો જથ્થો ઉતારવાનું ચાલુ કર્યુ હતું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરસીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, મુકેશભાઇ ડામોર, હરદેવસિંહ રાણા, અજીતસિંહ પરમાર, નિશાંત પરમાર અને મહેશ મંઢ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અનિલભાઇ સોનારા , નિશાંતભાઇ અને મહેશભાઇની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી.

(3:20 pm IST)