રાજકોટ
News of Thursday, 14th November 2019

વધુ એક દિવસમાં ૨૫II લાખના ૪૪૧૦ ઇ-ચલણઃ ૪૦૬ અન્ય કેસ કરી ૧.૯૭ લાખનો દંડ વસુલાયો

હેલ્મેટ-સીટ બેલ્ટ-વનવેના નિયમોના ભંગ બદલ વધુને વધુ આકરો બની રહ્યો છે દંડનો દંડો

રાજકોટ તા. ૧૪: વાહન ચાલકો માટેના નવા કાયદાની અમલવારી શરૂ થઇ ત્યારથી પોલીસનો દંડનો દંડો વધુને વધુ આકરો થઇ રહ્યો છે. હેલ્મેટ, સીટ બેલ્ટ, વન-વે, ત્રણ સવારી સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ રાજ્યભરમાં પોલીસ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસુલી રહી છે. એકલા રાજકોટમાં જ અઢાર કરોડથી વધુના દંડના ઇ-ચલણ ઇશ્યુ થઇ ગયા છે અને તેની સામે અડધો અડધ દંડની વસુલાત પણ થઇ ગઇ છે.  રોજબરોજ વાહન ચાલકોને અલગ-અલગ પોઇન્ટ પર તહેનાત પોલીસ ટૂકડીઓ મારફત અટકાવીને નિયમોના ભંગ બદલ દંડ ફટકારાય છે અને સ્થળ પર જ વસુલાત થાય છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી ફોટા પાડીને પણ ઇ-ચલણ મોકલાય છે. ગઇકાલે એક જ દિવસમાં રૂ. ૨૫,૫૩,૧૦૦ના ૪૪૧૦ ઇ-ચલણ ઇશ્યુ થયા છે. જ્યારે અન્ય ૪૦૬ કેસ કરી રૂ. ૧,૯૭,૧૦૦નો સ્થળ પર દંડ વસુલ કરાયો છે.

પોલીસે જ જાહેર કરેલા આંકડા મુજબ આ વર્ષમાં ગઇકાલ સુધીમાં કુલ ૨,૮૭,૮૮૭ કેસ કરવામાં આવ્યા છે અને આ કેસો સામે રૂ. ૭,૦૯,૦૭,૫૬૪નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ગઇકાલે ૧૩મીએ ૪૪૧૦ ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ ઇ-ચલણની રકમ રૂ. ૨૫,૫૩,૧૦૦ થાય છે. આ જોતાં પોલીસ રોજબરોજ લાખોનો દંડ વસુલી રહી છે.

અત્રે નોંધનીય છે કે શહેરમાંથી હેલ્મેટના કાયદાને હાંકી કાઢવા વાહનચાલકોની સતત માંગણી છે. આમ છતાં રોજબરોજ લાખો રૂપિયાનો દંડ હેલ્મેટના કાયદાના ભંગ બદલ વસુલાઇ રહ્યો છે.

(3:19 pm IST)