મશ્કરીમાં મિત્રને મારેલી ટાપલી મોંઘી પડીઃ ભાવેશને મિત્રોએ બેફામ ધોકાવ્યો
અટિકા સત્યનારયાણ સોસાયટીના યુવાને પરમ દિવસે કારમાં જામનગર જતી વખતે મિત્ર સાંગાને તે પાછલી સીટમાં સુતો'તો ત્યારે મશ્કરીમાં મારેલી ટાપલીનો ખાર રાખી સાંગો, હિરેન સહિતનાએ ધોકા-પાઇપથી ફટકાર્યો
રાજકોટ તા. ૧૪: ઢેબર રોડ અટિકા સાઉથમાં સત્યનારાયણ સોસાયટીમાં રહેતાં અને ગોકુલધામ પાસે કારખાનામાં નોકરી કરતાં ભાવેશ કનકસિંહ પઢીયાર (ઉ.૩૫) નામના રજપૂત યુવાનને રાતે ગોકુલધામ રોડ પર મકવાણા પાન પાસે આંબેડકરનગર નજીક તેના જ મિત્રો હિરેન, સાંગો સહિતનાએ ધોકા-પાઇપથી બેફામ માર મારતાં સિવિલ હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરી હતી. ભાવેશના કહેવા મુજબ ગઇકાલે કારખાનામાં રજા હોઇ તે ગોકુલધામ રોડ પર રાત્રીના આટો મારવા ગયો હતો ત્યારે મિત્રો હિરેન, સાંગો સહિતના પાંચ-છ જણાએ આવી ધોકા-પાઇપથી હુમલો કરી બેફામ માર માર્યો હતો. પોતે, સાંગો, હિરેન સહિતના લોકો પરમ દિવસે કારમાં બેસી જામનગર હિરેનના મિત્રને તેડવા જઇ રહ્યા હતાં. તે વખતે રસ્તામાં સાંગો કારની પાછલી સીટીમાં સુતો હોઇ તેને પોતે મજાકમાં ટાપલી મારી લીધી હતી. આ કારણે ત્યારે ચડભડ થઇ હતી. જેનો ખાર રાખી ગત રાતે પોતાના પર ઓચીંતો હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.(૧૪.૭)