રાજકોટ
News of Thursday, 14th November 2019

'પટાયા'ની હોટલમાંથી રાજકોટના પર્યટકોના દોઢ લાખ ગાયબ

થાઇલેન્ડ જતા સહેલાણીઓ માટે હોટલમાં સાવચેતી રાખવા સૂચવતો ચેતવણીરૂપ કિસ્સો : પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવવા ગયા તો હોટલમાંથી રૂપિયા ચોરાયા હોવાની જ ફરીયાદ કરવા આવેલા ૩પ લોકોની લાઇન!! જેમાં મોટા ભાગના ઇન્ડિયન્સ અને બેચલર્સઃ સેન્ટરા અઝૂર હોટલનો સ્ટાફ જ શંકાના દાયરામાં: સલામત ગણાતી નંબરવાળી બેગ પણ સેકન્ડોમાં ખોલી નાખે છે !: સ્થાનિક પોલીસ અને હોટલ મેનેજમેન્ટની મિલીભગત ?!: દંડ વસુલવા હોટલમાં જાણીજોઇને ડાઘવાળા બેડશીટ અને પીલો ઊંધા પાથરવામાં આવે છે?: વીથ ફેમિલી દિવાળીની રજાઓ ગાળવા ગયેલા રાજકોટના જાણીતા લોહાણા અગ્રણીને થયો કડવો અનુભવ

રાજકોટ તા. ૧૩ :.. માહિતી અને ટેકનોલોજીની આજની ર૧ મી સદીમાં રજાઓમાં ફરવા જવાનો ટ્રેન્ડ દિવસે - દિવસે વધી રહ્યો છે. પ્રવાસન ઉદ્યોગ જેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ પૂર્ણ થયેલ દિવાળીની રજાઓમાં સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટમાંથી સેંકડો સહેલાણીઓ હોંશે...હોંશે... દેશ-વિદેશના વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ફરવા ગયા હતાં.

રાજકોટ થી રમેશભાઇ નામના લોહાણા અગ્રણી પોતાના ફેમીલી સાથે સિંગાપુર - મલેશીયા- થાઇલેન્ડ વીથ ક્રુઝના ૧ર દિવસના પેકેજમાં ગયા હતા. તેમની સાથે પેકેજમાં અન્ય લોકો પણ જોડાયા હતાં. તેઓ સૌપ્રથમ રાજકોટથી મુંબઇ અને ત્યાંથી બેંગકોક ગયા હતાં. બેંગકોક (થાઇલેન્ડ) થી તેઓને બે રાત્રી બે દિવસ પટ્ટાયા (થાઇલેન્ડ) લઇ જવાયા હતાં. જયાં તેઓને સેન્ટરા અઝૂર હોટલમાં રાખવામાં આવ્યા હોવાનું રમેશભાઇએ અકિલાને જણાવ્યું હતું.

તેઓના જણાવ્યા પ્રમાણે પટ્ટાયા ફરીને બેંગકોક ગયા અને ત્યાં જઇને જોયું તો ખબર પડી કે રાજકોટના ટ્રાવેલ એજન્ટના નામવાળા કવરમાં રાખેલ એક હજાર યુ. એસ. ડોલર (આશરે ૭ર હજાર રૂપિયા) ગાયબ હતાં. પટ્ટાયાની હોટલ ખાતેના તેઓના રૂમ નંબર ર૦૪ અને ર૦પ હતાં. જેમાંથી ચેક આઉટ કરીને બેંગકોક જતાં પહેલા રૂમ નં. ર૦પ માં સાફ સફાઇ કરવા આવેલ લેડી સ્વીપર બેગમાં સાવ ઉપર રહેલ યુ. એસ. ડોલર સાથેનું કવર લઇ ગયેલ હોઇ શકે. કારણ કે તેઓના કુટુંબીજનો હોટલ ચેક આઉટની પ્રોસીઝરમાં અન્ય લગેજ સાથે નીચે રીસેપ્શનમાં હતા અને પોતે વોશ રૂમમાં હતા ત્યારે હોટલ સ્ટાફ એ કવર લઇ ગયેલ હોઇ શકે.

પેકેજમાં રમેશભાઇ સાથે જ રહેલ અન્ય ફેમીલી પણ પટ્ટાયાની આ હોટલમાં બાજુનાં જ રૂમમાં (નં.ર૦૬) હતું તે રૂમમાં રોકાયેલા  જયેશભાઇના પણ ૯૪૦ યુ. એસ. ડોલર (આશરે ૬૮ હજાર રૂપિયા) ગાયબ થયા હોવાનું બેંગકોક જઇને ખબર પડી. ખબર પડતા જ રમેશભાઇ અને જયેશભાઇ એ રાજકોટ ખાતેના પોતાના ટૂર ઓપરેટર-ટ્રાવેલ એજન્ટ (ટ્રાવેલ એજન્સીના માલિક) ને જાણ કરી અને ટ્રાવેલ એજન્સીના સંચાલકે પેકેજમાં સાથે રહેલા પોતાના મેનેજરને તથા થાઇલેન્ડ ખાતેના લોકલ એજન્ટને તાબડતોબ ઘટતું કરવા સુચના આપી. તુરંત જ કારની વ્યવસ્થા કરીને પટ્ટાયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવવા ગયા.

પટ્ટાયા પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાં આશ્ચર્યજનક રીતે ૩પ થી પણ વધુ લોકોની ફરીયાદ લખાવવા માટેની લાઇન હતી, જેમાં મોટાભાગના (૮પ ટકા જેટલા) ભારતીયો અને બેચલર્સ (કુંવારા) હતાં. વિવિધ હોટલમાંથી રૂપિયા ગાયબ થયા સંદર્ભેની જ ફરીયાદ લખાવવા આવ્યા હોવાનું રમેશભાઇએ જણાવ્યું હતું.

ઘણી બધી તકલીફો પછી ફરીયાદ લખાવવાનો વારો આવ્યો તો ફેમીલી સાથે ફરવા આવ્યા છો કે એકલા ? બેંગકોક જતા  રસ્તામાં જ યુ. એસ. ડોલર પડી ગયા હશે? હોટલના જ રૂમમાંથી ગાયબ થયા તેની કઇ ખાતરી ? વિગેરે જેવા પ્રશ્નો પુછીને થોડીવાર તો ફરીયાદ લેવામાં પણ પટ્ટાયા પોલીસે ગલ્લા તલ્લા કર્યાનું રમેશભાઇ કહી રહ્યા છે.

અંતે લોકલ એજન્ટ સાથે હોવાથી પટ્ટાયા પોલીસ દ્વારા એફઆઇઆર નોંધવામાં આવી અને કહેવામાં આવ્યું કે યુ. એસ. ડોલર મળી જશે  તો લોકલ એજન્ટને જાણ કરી દેવામાં આવશે. રાજકોટથી ફરવા ગયેલ રમેશભાઇના જણાવ્યા મુજબ પટ્ટાયામાં ફરીયાદ નોંધીને જે-તે હોટલના સીસીટીવી કુટેજ ચેક કરવાની સત્તા માત્ર પોલીસ અને હોટલ મેનેજમેન્ટને જ છે. તેઓ ફરીયાદી પર્યટકોને સાથે રાખતા નથી.

ઉપરાંત ત્યાંનુ હોટલ મેનેજમેન્ટ પોલીસને માત્ર શીડયુલ જ આપતા હોવાનું રમેશભાઇ જણાવે છે. શીડયુલ એટલે કે માત્ર હોટલ કે હોટલના રૂમમાં આવવા - જવાનો સમય. આ રીતે ત્યાં રીપોર્ટ આપવામાં આવે છે કે જેમાં હોટલ મેનેજમેન્ટ સાથે પોલીસ પણ મળેલી હોવાની દૃઢ શંકા રમેશભાઇએ વ્યકત કરી હતી. ત્યાંની પોલીસ સહિત તમામ જાણતા જ હોય છે કે પર્યટકો થાઇલેન્ડમાં ચાર-પાંચ દિવસથી વધુ રોકાવાના નથી. રાજકોટના આ રઘુવંશી અગ્રણી પર્યટકે તો ત્યાં સુધી જણાવ્યું કે નંબરવાળી સલામત ગણાતી બેગ પણ થાઇલેન્ડની હોટલોનો સ્ટાફ ગણતરીની સેકન્ડોમાં ખોલી નાખે છે માટે થાઇલેન્ડ જતાં તમામ સહેલાણીઓએ અચૂક ચેતવું જરૂરી છે.

આ ઉપરાંત થાઇલેન્ડની હોટલોમાં જાણી જોઇને ખરાબ ડાઘ વાળો ઓછાળ (બેડશીટ) કે ઓસીકા (પીલો) ઊંધા પાથરીને પછી ડાઘા બતાવીને રૂપિયા પડાવવાની પ્રવૃતિ પણ ચાલી રહી હોવાનું રમેશભાઇ તથા તેના પુત્રએ અકિલાને જણાવ્યું હતું. બેડશીટ કે પીલોમાં ડાઘા પાડવા બદલ એક હજારથી ચાર હજાર બાથ (૧ બાથ બરાબર ર.રપ રૂપિયા) વસુલવામાં આવે છે. એક વખત હોટલમાં નાની એવી વસ્તુમાં બારીક ક્રેક પડવા બદલ પણ ખોટી રીતે ૩૬૦૦ બાથ (આશરે ૮૧૦૦ રૂપિયા) દંડ સહેલાણીઓ પાસેથી લીધો હોવાનું અંતમાં રમેશભાઇએ  જણાવ્યું હતું.

હોંશે-હોંશે રજાઓની મજા માણવા અને ફરવા જતાં સહેલાણીઓ આવી કહેવાતી લૂંટથી ચેતીને ચાલે તે જરૂરી છે. ફરવા જઇએ ત્યારે કોઇપણ નાની એવી  પણ મુશ્કેલી આવે તો ફરવાનો ચાર્મ જતો રહે છે અને મુડ વિખાય જતો હોય છે. અને એટલે જ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે 'ચેતતા નર સદા સુખી' અને 'બાકી બધા દુઃખી'.

(11:53 am IST)