રાજકોટ
News of Wednesday, 14th November 2018

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 'ટોકન' સિસ્ટમમાં ખોટકોઃ દર્દીઓ અને તેના સગાઓ થયા ભારે હેરાન

સર્વરમાં ખામી સર્જાતા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં ટોકન ન મળ્યાઃ ભારે દેકારોઃ સત્તાધીશો કાયમ ઉભી થતી આ સમસ્યાનો નિવેડો લાવે તેવી લાગણી અને માંગણી

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં માત્ર શહેરના જ નહિ સોૈરાષ્ટ્ર અને કચ્છમાંથી પણ દર્દીઓ આવે છે. અહિ દર્દીઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે એ માટેના પ્રયત્નો થતાં હોય છે. પરંતુ ઘણી વખત દર્દીઓ અમુક સિસ્ટમને કારણે પારાવાર પરેશાન થઇ જતાં હોય છે. આવી જ એક સિસ્ટમ ટોકનની છે. આમ તો આ સુવિધા દર્દીઓના લાભાર્થે શરૂ કરવામાં આવી છે. પરંતુ આ સિસ્ટમ લાભદાયક કરતાં પીડાદાયક વધુ બની ગઇ છે. અવાર-નવાર ટોકન સિસ્ટમમાં ખોટકો સર્જાય છે અને તેના કારણે એક ટોકન નીકળ્યા પછી બીજા ટોકન મળવામાં પુષ્કળ વિલંબ સર્જાય છે. આજે જ આવું થયું હતું. ટોકનના સર્વરમાં ખામી ઉભી થતાં ટોકન ન મળતાં કલાકો સુધી સેંકડો દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા હતાં. તહેવારો પુરા થયા હોઇ અને પાછો આજે બુધવાર હોઇ દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ત્યારે જ ટોકનની સિસ્ટમ ગોટાળે ચડી જતાં દર્દીઓને કારણ વગર 'પરેશાની રૂપી ઇન્જેકશન'નો ડોઝ મળ્યો હતો. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા દર્દીઓને જરાપણ મુશ્કેલી ન પડે એ માટે સતત સતર્ક રહે છે અને દોડતા રહે છે. પરંતુ ટોકન સિસ્ટમ જ્યારથી ચાલુ થઇ છે ત્યારથી અવાર-નવાર તેમાં ખોટકા ઉભા થવાથી દર્દીઓ હેરાન થઇ રહ્યા છે. શ્રી મહેતા આ બાબતે ગંભીરતાથી વિચારી આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવે તેવી દર્દીઓ અને તેના સગાઓની લાગણી અને માંગણી છે. આજે સર્વર ખરાબ થઇ જતાં દર્દીઓ ભારે હેરાન થયા હતાં. તસ્વીરમાં સેંકડો દર્દીઓ ટોકન ન મળતાં ઉભેલા જોઇ શકાય છે. મોડા ટોકન મળતાં મોટા ભાગના દર્દીઓ ડોકટરને બતાવી શકયા નહોતા અને ધક્કો થયો હતો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:40 pm IST)