રાજકોટ
News of Thursday, 14th October 2021

રાજકોટ શહેરની ખેતીની કરોડોની જમીન સંપાદન કરવાના કેસમાં સરકારની અપીલ ફગાવી દેતી હાઇકોર્ટ

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ શહેરની ખેતીની કરોડો રૂપિયાની જમીન સંપાદન કરવાના કેસમાં થયેલ સરકારશ્રીની અપીલ ગુજરાત હાઇકોર્ટ નામંજૂર કરી હતી.

ઉપરોકત કામની વિગત એવી છે કે આ કામના અરજદારો વિજયાબેન ગોરધનભાઇ પરસાણા વિગેરેઓની રાજકોટ ગામની ખેતીની જમીન કન્સ્ટ્રકશન ઓફ બાયપાસ એરાઉન્ડ ધી સીટી જોઇનીંગ રાજકોટ - જામનગર, રાજકોટ, મોરબી, અને રાજકોટ- ગોંડલ રોડના કામ માટે સને ૧૯૯પ ની સાલમાં સંપાદન થયેલ જે તે વખતે સરકારશ્રી દ્વારા એક ચોરસ મીટરના રૂ. ર૦ વળતર પેટે અરજદારને ચુકવવા એવોર્ડ કરવામાં આવેલ ઉપરોકત એવોડથી નારાજ થઇ અરજદારે તેમના એડવોકેટ મારફત કલમ-૧૮ મુજબ નામદાર અદાલતાં વધારાની રકમ મેળવવા લેન્ડ રેફરેન્સ કેસ નં. ૪૧૬-૧૯૯૮ થી દાખલ કરેલ ઉપરોકત કેસમાં તા. ર૯-૯-ર૦૧૭ ના રોજ નામદાર અદાલતે પોતાનો આખરી હુકમ કરી વધારાની રકમ રૂ. પ૮૦ એક ચો. મીટરના આપવાનું ઠરાવેલ તેમજ પ્રથમ વર્ષના ૯ ટકા વ્યાજ તથા ત્યારપછીના દરેક વર્ષના ૧પ ટકા વ્યાજ તેમજ કલમ-૪ ની તા. થી એવોર્ડની તા. સુધીના પ્રતિવર્ષ ૧ર ટકા લેખે ભાવ વધારો મંજૂર કરેલ તેમજ ૩૦ ટકા સોલેશીયમ આપવાનું નામદાર અદાલતના આખરી હુકમમાં મંજૂર કરવામાં આવેલ છે.

ત્યારબાદ ઉપરોકત લેન્ડ રેફરેન્સ કોર્ટમાં સરકારશ્રી દ્વારા નિયત સમયમાં અરજદારોને નામદાર અદાલતના હુકમ મુજબ વળતર ન ચુકવતા અરજદારોએ તેમના એડવોકેટ દ્વારા દિવાની દરખાસ્ત દાખલ કરેલ જેમાં સરકારશ્રીને તથા જરૂરી પક્ષકારોને નોટીસ બજયા બાદ પણ અરજદારોની નામદાર અદાલતના હુકમ મુજબની બહુ જ મોટી રકમ સરકારશ્રી દ્વારા જમા ન કરાવતા અરજદારોએ નામદાર અદાલતના હુકમ મુજબની રકમ જેટલું જપ્તી વોરંટ કાઢી આપવાની માંગણી કરતા અદાલતે તા. ૧૯-૪-ર૦૧૮ ના રોજ સરકારશ્રીની સ્થાવર તેમજ જંગમ મિલકતોનું રૂ. ૩,૦૯,૧૩,૩૭૧ ત્રણ કરોડ નવ લાખ તેર હજાર ત્રણસો એકોતેરનું વોરન્ટ કાઢી આપવાનો હુકમ ફરમાવેલ હતો.

ત્યારબાદ ઉપરોકત કામમાં સરકારશ્રી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરવામાં આવેલ સરકારની આ ફર્સ્ટ અપીલ હીયરીંગ માટે આવતા આ અપીલ ચાલવાપાત્ર ન હોવાની ધારદાર રજૂઆત જમીન માલીકોના એડવોકેટએ કાયદાની વિષદ છણાવટ કરી જુદી જુદી હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ દલીલો કરતા આ અપીલ નામદાર ગુજરાત હાઇકોર્ટે દાખલ કરવાની સ્ષ્ટ ના પાડી દઇ પ્રથમ સુનાવણીમાં જનામંજૂર કરી દીધેલ છે. અને નીચેની કોર્ટે ફરમાવેલ જજમેન્ટ યોગ્ય અને વ્યાજબી હોય તે મુજબની રકમ ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. ઉપરોકત કામમાં અરજદારો વિજયાબેન ગોરધનભાઇ પરસાણા વિગેરે વતી ગુજરાતના પ્રખ્યાત ધારાશાસ્ત્રીઓ નિશાંત એચ. લાલકીયા, વી. પી. પટેલ, ડી. પી. પરસાણા તથા બી. પી. નાગ્રેચા રોકાયેલા હતાં.

(3:20 pm IST)