રાજકોટ
News of Thursday, 14th October 2021

સૌરાષ્ટ્ર કેન્સર સેન્ટર અને પદ્મકુંવરબા હોસ્પિટલનું ટાઇઅપ થશે : કલેકટર

શાસ્ત્રી મેદાનની દિવાલ બની રહી છે : વોકિંગ ટ્રેક - બાળકો માટે પાર્ક સહિતની સુવિધા અંગે સરકારમાંથી મંજૂરી બાદ કાર્યવાહી કરાશે : સરકારમાં દરખાસ્ત મોકલાશે : કેન્સરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર છે પણ સ્ટાફનો અભાવ : પદ્મકુંવરબામાં દર્દીઓ માટે ઓછી જગ્યા : MOU કરવાથી ફાયદો થશે

રાજકોટ તા. ૧૪ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટમાં યુનિ. રોડ પરની મહત્વની એવી સૌરાષ્ટ્ર કેન્સર સેન્ટર અને રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલ વચ્ચે MOU - ટાઇઅપ કરવા અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે, આ માટે ટુંક સમયમાં સરકારમાં વિધીવત દરખાસ્ત પણ કરાશે.

તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર કેન્સર સેન્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરતું છે, કોઇ મુશ્કેલી નથી, પરંતુ સ્ટાફનો અભાવ છે, જ્યારે પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓછી જગ્યા છે, સ્ટાફ પૂરતો છે, આથી MOU થશે, તો દર્દીઓને સૌરાષ્ટ્ર કેન્સર સેન્ટરના ઇન્ફ્રાસ્ટ્રાકચરનો અને કેન્સર સેન્ટરને સ્ટાફનો લાભ મળી શકે છે, અને તે અત્યંત ફાયદાકારક બાબત છે.

અત્રે એ નોંધનિય છે કે, ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના દર્દી રાજકોટમાં છે, ટકાવારીમાં રાજકોટમાં આ રેશીયો ૪ ટકાનો છે, અને તે ઘણી ગંભીર બાબત છે.

શાસ્ત્રી મેદાન અંગે તેમણે જણાવેલ કે ત્યાં અને ઇશ્વરીયા પાર્કમાં ડેવલપ થશે જ, બધી જ કાર્યવાહી ચાલી રહી છે, ઇશ્વરીયાના સાયન્સ મ્યુઝીયમનું ટુંકમાં લોકાર્પણ થવાની શકયતા છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, શાસ્ત્રી મેદાનમાં ગઇકાલે સાફ-સફાઇ થયા બાદ હાલ ત્યાં બાઉન્ડ્રી વોલ બની રહી છે, ત્યાં વોકીંગ ફંડ, મીની રેસ્ટોરન્ટ, ચીલ્ડ્રન પાર્ક વિગેરે બનાવવાની યોજના છે, વિશાળ જગ્યા છે, આથી સરકારમાંથી મંજૂરી મેળવી અથવા તો પીપીપી ધોરણે ડેવલપ અંગે અમે કાર્યવાહી કરીશું.

(3:19 pm IST)