રાજકોટ
News of Saturday, 14th September 2019

ગોંડલના ખેડૂતને પાકવિમાની રકમ વ્યાજ સાથે ચુકવવા ગ્રાહક ફોરમનો હુકમ

રાજકોટ, તા. ૧૪ :. અત્રેના ખેડૂત સંદિપસિંહ જાડેજાની પાક વિમાની રકમ મેળવવાની ફરીયાદના અનુસંધાને રાજકોટ ગ્રાહક ફોરમ દ્વારા વ્યાજ સહિત રકમ ચુકવવાનો હુકમ કરેલ છે.

આ ફરીયાદની ટૂંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ગોંડલ તાલુકાના ખેડૂત સંદિપસિંહ જાડેજાએ સને ૨૦૧૬ની સાલમાં 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' અંતર્ગત તેમના પાકના નુકશાનના રક્ષણ સંબંધે પાક વિમો લીધો હતો. જે કિસ્સામાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દ્વારા પ્રિમીયમની રકમ પણ વસુલ લઈ લીધેલ હતી અને ઈન્સ્યોરન્સ કાું., એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડીયા પાસેથી પોલીસી કવર થતી હતી. પાકને નુકશાન થયે સંદિપસિંહ જાડેજા દ્વારા પાકના નુકશાન સંબંધે ઈન્સ્યોરન્સ કાું. પાસેથી માંગણી કરેલી તો તેઓ દ્વારા તેવુ જણાવવામાં આવેલ કે અમોને આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દ્વારા કોઈ પ્રીમીયમ મળેલ ન હોય તેથી અમો પાક નુકશાનીનની રકમ દેવા બંધાયેલ નથી.

આઈ.સી.આઈ.સી.આઈ. બેંકને પુછતા તેઓએ એવું જણાવેલ કે તેઓએ સમયસર પ્રિમીયમ ચુકવી આપેલુ છે. તેથી ફરીયાદીએ ના છુટકે રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ બન્ને વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરેલી. ત્યાર બાદ ફરીયાદીનો કેસ ચાલી જતા અને ફરીયાદ તથા રજૂ કરેલ દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, બચાવ અને વકીલોની દલીલ લક્ષમાં લઈને રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા તેવું તારણ કાઢવામાં આવેલ કે આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દ્વારા સમયસર પ્રિમીયમ ચૂકવવામાં ન આવેલું અને તેથી આઈ.સી.આઈ.સી.આઈ. બેંકને રૂ. ૨,૪૬,૯૨૫ તેના પર વાર્ષિક ૭ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ થયેલ છે.

આ કામના ફરીયાદી તરફે એડવોકેટ શ્રી સિદ્ધાર્થ સી. કામદાર રોકાયેલ હતા

(3:26 pm IST)