રાજકોટ
News of Saturday, 14th September 2019

હોટલ માલિકો દ્વારા 'ઓયો'નો બહિષ્કાર : બુકીંગ રદ્દની જાહેરાત

કમિશનની લાખોની રકમ બાકી હોવાનું જણાવતા સૌમિલ પટેલ : આજે ઓયોના બુકીંગ ટેબલેટ પરત કરાશે

તસ્વીરમાં રાજકોટ ખાતે મળેલ હોટેલ માલિકો નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટઃ રાજકોટ શહેરના હોટેલ માલિકોની મળી ગયેલ મીટીંગમાં જે હોટેલ માલીકો ઓટો કંપની સાથે જોડાયેલ હતા તેમણે તમામે ઓયો કંપની છોડવાનું નકકી કરી લીધેલ હતુ અને ઓયો કંપનીના ઓનલાઇન રૂમના બુકીંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

સમગ્ર ભારતમાં ઓયો કંપની ઓન લાઇન લાઇન હોટેલ બુકીંગ મેનેજમેન્ટ કરતી કંપની છે અને સમગ્ર ભારતમાં પોતાની બ્રાન્ડ નેમથી ઇલેકટ્રોનીક મીડીયા, મોબાઇલ દ્વારા ઓનલાઇન બુકીંગ મેળવી અને કમીશન મેળવી સેવા આપતી કંપની છે. પ્રથમ આ કંપની દ્વારા ભારતની તમામ હોટલમાં ઓનલાઇન બુકીંગ રૂમો આપે તેના ઉપર ૧૦ ટકા જેટલું કમીશન મેળવતી હતી.

થોડા મહિનાથી આ ઓયો કંપની દ્વારા પોતાની પોલીસી ચેઇન્જ કરી અને હોટલ બુકીંગ કમીશન બંધ કરી અને પોતે ભારતભરમાં તમામ શહેરોમા઼ હોટલ માલીકો વચ્ચે અમુક મહીના વર્ષોના કોન્ટ્રેકટ કરી અને કોન્ટ્રાકટ મુજબ તમામ રૂમો ઉપર ૧૦ થી ર૦ ટકા કમીશન મેળવતા હતા.

થોડા મહિનાઓથી ગુજરાતના હોટેલ માલીકો સાથે કોન્ટ્રેકટ સિવાયના  વધારાના ચાર્જો નાખવાનું કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ હતુ. કંપની દ્વારા ૧પ૦૦ રૂપીયાનો રૂમ બુક કરી અને ૬૦૦ આસપાસની રકમ હોટલ માલિકોને આપતા હતા. અને તેમાં પણ કમીશન મેળવતા હતા. તે ઉપરાંત બુકીંગ પર કન્વીનીયન્સ ફી, જાહેરાતનો ચાર્જ અને કંપની દ્વારા હોટેલ માલીકો ધંધો લાવ્યા નહી, ગ્રાહકો રૂમની સગવડ માટે ફરીયાદ કરે છે તેના અલગ અલગ બહાના હેઠળ પેનલ્ટી નીતનવા ચાર્જ લગાવવામાં આવતા હોટેલ માલિકોને સોના કરતા ઘડામણ મોંધી લાગેલ અને આવકનો  મોટો ભાગ ઓયો કંપની લઇ જતી. રાજકોટમાં ગઈકાલે મીટીંગ મળી હતી. શ્રી સૌમિલ દિલીપભાઈ પટેલે આ વાતને અનુમોદન આપતા કહેલ કે આજે બપોરે ઓયોની ઓફીસે જઈ અગાઉ ગુજરાતમાં પણ હોટેલ માલીકોએ ઓયો કંપનીના ઓનલાઇન બુકીંગ રદ કરેલ હતા અને કંપનીનો બહીષ્કાર કરેલ હતો. ગઈકાલે પણ તમામ હોટેલ માલિકોએ એક મહીનાની નોટીસ કંપનીને આપી કોન્ટ્રેકટ રદ કરવાની જાહેરાત કરેલ હતી. શનિવારે હોટેલ માલીકો દ્વારા  ટેબલેટ પરત કરવાનો કાર્યક્રમ, ગોવા, પુના, અમદાવાદ, જુનાગઢ, મનાલી, હરીદ્વારા સાઉથ વિંગફેરેમાં થયેલ હોવાનું જણાવાયુ છે.

આગામી દિવસોમાં હોટેલ માલીકો દ્વારા ખોટા ચાર્જ ઓયો કંપનીએ કાપેલ હોય ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટમાં પણ જવાનું અને કંપની સામે સામુહિક રીતે લડવાનો નિર્ણય જાહેર કરેલ છે. આગામી દિવસોમાં કંપનીની તરફથી યોગ્ય પ્રતિભાવ ન મળે તો સમગ્ર ભારતમાં વિરોધ ઉઠવાના મંડાણ થઇ ચુકયાનુ લાગી રહેલ છે.

બુકીંગ માટે કંપનીએ આપેલ ટેબલેટ પણ આપી દેશે. સૌમિલભાઈના કહેવા મુજબ મોટાભાગના હોટલ માલિકોના લાખો રૂપિયા કંપની પાસે બાકી છે.

દરમિયાન 'ડેક્કન હેરલ્ડ' અખબારના હેવાલ મુજબ કંપનીના સીઈઓ અને ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સના સ્થાપક રીતેશ અગરવાલ અને તેના બે સાથીઓ સામે છેતરપીંડી અને વિશ્વાસભંગની ફરીયાદો બેંગ્લુરૂ પોલીસમાં નોંધવામાં આવી છે. ડીએચ ન્યુઝ સર્વિસના ઉમેશ આર. યાદવના ૬ઠ્ઠી સપ્ટેમ્બરના પ્રસિદ્ધ હેવાલ મુજબ શ્રી વી.આર. એસ. નટરાજન નામના એક પૂર્વ ધંધાર્થી (રાજગુરૂ શેલ્ટર હોટલ, વ્હાઈટ ફિલ્ડ) એ ઓયો સાથે જૂન ૨૦૧૭માં કરાર કરેલ. જે મુજબ બુકીંગના ૨૦ ટકા કંપની રાખે અને ૮૦ ટકા હોટલ માલિકને મળે.

શ્રી અગરવાલ અને તેના સાથી આનંદ રેડી અને પ્રતિક સિંઘે ૮૦ ટકા હિસ્સો રાખી લઈ એકાદ કરોડની મોટી છેતરપીંડી કર્યાની ફરીયાદ બેંગ્લુરૂ પોલીસ સમક્ષ કરી હોવાનું પણ ડેક્કન હેરલ્ડ નોંધે છે.

શ્રી નટરાજને ડેકકન હેરલ્ડને કહેલ કે બેંગ્લુરૂમાં અનેક હોટલ સાથે આવુ બન્યુ છે.

ડેકકન હેરલ્ડ નોંધે છે કે દિલ્હી ખાતે ઓયો ઈન્ડિયાના પ્રતિનિધિએ જવાબ આપવા એકાદ દિવસની મુદ્દત માગેલ.

(1:05 pm IST)