રાજકોટ
News of Friday, 14th September 2018

પત્નિએ પતિ પાસે માંગેલ ભરણ પોષણની અરજી રદ્દ કરતી જૂનાગઢની ફેમીલી કોર્ટનો ચુકાદો

રાજકોટ, તા.૧૪ : આ કેસની વિગત એવા પ્રકારની છે કે ગઈ તા.૧૨-૫-૨૦૧૫ના રોજ પત્નિ અલ્પાબેન બીપીનભાઈ રાજા રહે. જૂનાગઢવાળાએ રૂ.૫૦,૦૦૦ની ખોરાકીની રકમ પતિ પિયુષભાઈ ભીખુભાઈ માધવાણી રહે. સાવરકુંડલાવાળા સામે જૂનાગઢની ફેમીલી કોર્ટમાં કેસ દાખલ કરેલો. પત્નિ તરફથી એવા ગંભીર આક્ષેપો કરેલા હતા કે મારા પતિ મને મેણા ટોણા મારતા, મારકૂટ કરતા, કરીયાવર બાબતે ત્રાસ આપતા, દુઃખ ત્રાસથી કંટાળીને મેં એસીડ પીધેલ, મારી સારવાર કરાવેલ ન હોય, મારે જીવનું જોખમ હોય, સમાધાનના પ્રયત્નો કરેલ ન હોય વગેરે પતિ સામે ગંભીર આક્ષેપો કરેલા. આ કેસ જૂનાગઢની કોર્ટમાં ચાલી જતા પત્નિએ કરેલા ગંભીર આક્ષેપો સાબિત ન થતા પત્નિની ભરણ પોષણની અરજી નામંજૂર કરતો હુકમ ફેમીલી કોર્ટે કરેલો.

બંને એડવોકેટની દલીલો સાંભળી અને પતિના એડવોકેટ તરફથી વિશેષમાં દસ્તાવેજી પુરાવાઓ અને સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરેલ હોય તેમજ પત્નિએ કરેલા ગંભીર આક્ષેપો સાબિત થતા ન હોય, કોઈપણ જાતના વ્યાજબી અને પુરતા કારણ વગર પતિ સાથે રહેવાનો ઈન્કાર કરેલ હોય અને પતિ તરફથી સમાધાનના સતત પ્રયત્નો કરેલ હોય તેવી પતિના એડવોકેટ તરફથી ધારદાર દલીલ ધ્યાને લઈ પત્નિએ કરેલ ખોરાકીની અરજી નામંજૂર કરતો સીમાચિન્હ અને આવી પત્નિઓ માટે લાલબત્તી સમાન ચુકાદો જાહેર કરેલ છે.

આ કેસમાં પતિ તરફથી જૂનાગઢના એડવોકેટ જીતેન પી. જોષી રોકાયેલ હતા.(૩૭.૮)

(4:02 pm IST)