રાજકોટ
News of Friday, 14th September 2018

ચેક રિટર્ન કેસમાં બેંગ્લોરના વેપારી સામે કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ૧૪ :. બેંગ્લોર સ્થાયી થયેલા વેપારી સામે કોર્ટમાં ફરીયાદ થતા અદાલતે આરોપી સામે સમન્સ કાઢેલ છે.

આ કેસની વિગત એવી છે કે, શ્રી જગદીશભાઈ દામજીભાઈ ગરસોંદીયાએ કુવાડવા રોડ, રાજકોટ ખાતે ઈમિટેશનનો ધંધો કરે છે. તેઓએ બેંગ્લોર સ્થાયી થયેલ મૂળ રાજકોટના ઈમિટેશનના વેપારી દિનેશભાઈ શામજીભાઈ રંગાણી રાજકોટ આવેલ ત્યારે માલ ખરીદીમાં રૂપિયાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદીએ ઉછીના પેટે રૂ. ૪,૦૦,૦૦૦ અંકે રૂપિયા ચાર લાખ પુરા આપેલા. ત્યાર બાદ તેઓએ બેંગ્લોર જઈ પોતાની ખાતાવાળી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સંજયનગર મેઈન રોડ બ્રાંચ, બેંગ્લોર (કર્ણાટક)નો રૂ. ૪,૦૦,૦૦૦ અંકે રૂપિયા ચાર લાખ પુરાનો ચેક આપેલો. જે ચેક ફરીયાદીએ તેમની બેંક ઓફ ઈન્ડીયા, બેડીપરા બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહુ ચેક 'ફંડસ ઈન્સફીસીયન્ટ'ના શેરા સાથે પરત ફરેલ હતા. જેથી કોર્ટમાં ફરીયાદ થતા ચીફ જ્યુ. મેજી.એ બેંગ્લોરના આરોપી દિનેશભાઈ શામજીભાઈ રંગાણીને સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે. આ કામે ફરીયાદી વતી એડવોકેટ અતુલ ફળદુ રોકાયા છે.

(4:00 pm IST)