રાજકોટ
News of Friday, 14th September 2018

મચ્છરોત્સવ

ડેંગ્યુનો ડંખઃ અત્યાર સુધીમાં ૧૫૬ કેસઃ તંત્ર જાગે

મચ્છરોનો ભારે ઉપદ્રવઃ સફાઈ અને દવા છંટકાવ ઉપરાંત લોક જાગૃતિના પ્રયાસો જરૂરીઃ વોર્ડવાઈઝ આરોગ્ય કેમ્પો દ્વારા રોગચાળા અટકાયતી પગલા કેમ નથી લેવાતા ?

રાજકોટ તા.૧૪ :.  શહેરમાં આ વર્ષે મચ્છરજન્ય રોગચાળો દિવસે-દિવસે વકરી રહયો છે ત્યારે મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળો નાથવા ગંભીરતા પુર્વક પગલા લેવા ઉગ્ર લોકમાંગ ઉઠી છે. કેમ કે ખુદ કોર્પોરેશનના ચોપડે અત્યાર સુધીમાં ડેંગ્યુનાં ૧૫૬ દર્દીઓ નોંધાયા છે. એ સિવાય ખાનગી હોસ્પિટલોનાં દર્દીનો આંકડો લેવાય તો ડેંગ્યું-મલેરીયાનાં ૧ હજારથી વધુ દર્દીઓ હોવાનું ખુલ્યુ છે.

 

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ માંથી પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ મુજબ આ વર્ષે ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં ડેંગ્યંના ૧૫૬ જેટલાં દર્દીઓ ચોપડા ઉપર નોંધાયા છે. જેમાં સોૈથી વધુ દર્દીઓ છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે જુન, જુલાઇ અને ઓગષ્ટમાં નોંધાવા પામ્યા છે.

દરમિયાન આરોગ્ય તંત્રએ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવો, દરરોજ ચેકીંગ ઝુંબેશ દવા-છંટકાવની કાર્યવાહી  થઈ રહ્યાના  દાવાઓ કરવામાં આવે છે પરંતુ ૧૭ લાખની વસ્તી વચ્ચે મેલેરીયા વિભાગના ગણ્યાગાંઠયા કર્મચારીનો સ્ટાફ મચ્છર નાબુદી માટે ટૂંકો પડી રહ્યાનું સાબિત થઈ રહ્યુ છે.

હાલમાં દરરોજ સરકારી કચેરીમા મચ્છરોનું ચેકીંગ છે અને આ ચેકીંગ દરમિયાન ડેંગ્યુ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આમ શહેરમાં ડેંગ્યુનો ઉપાડો વધ્યો છે ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ અને દવા છંટકાવ સર્વેની કામગીરી ઝુંબેશાત્મક રૂપે કરવી જોઈએ.

એટલું જ નહી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા બાબતે લોક જાગૃતિ માટેના કાર્યક્રમો યોજાવા જોઈએ અને દરેક વોર્ડમાં આરોગ્યલક્ષી કેમ્પના આયોજનો કરવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.(૨-૨૧)

(3:45 pm IST)