રાજકોટ
News of Friday, 14th September 2018

મહોર્રમ-ગણેશોત્સવની ઉજવણીમાં તકેદારી રાખોઃ પોલીસ કમિશનર અગ્રવાલ

ગણપતિ વિસર્જન સરઘસ અને તાજીયા ઝુલુસ એક રૂટ પર ભેગા થઇ ટ્રાફીક જામની સમસ્યા ન સર્જે તે રીતે આયોજન ગોઠવવા આયોજકોને અપીલ

રાજકોટ, તા., ૧૪: મહોરમ અને ગણેશ ઉત્સવની ઉજવણી કોમી એખલાસના વાતાવરણમાં પુર્ણ થાય તે માટે આયોજકો અને લોકોને કેટલીક તકેદારી રાખવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પગલા સુચવ્યા છે. આ તાકીદ થકી લુખ્ખા અને આવારા તત્વોને આડકતરી ચીમકી પણ આપી છે.

ગણપતિ મહોત્સવ અને સબીલના સ્થળે ધીમા અવાજે માઇક વગાડવા અને જો આવા આયોજન હોસ્પીટલ, શાળા-કોલેજ પાસે હોય તો તદન ધીમા અવાજે મ્યુઝીક વગાડવા  સુચવ્યું છે.

તાજીયાના ઝુલુસ સુચારૂ રીતે આગળ વધે તે માટે ટ્રાફીક અવરોધાય નહિ અને સ્વયંશિસ્તથી આગળ વધવા જણાવ્યું છે. આ ઉપરાંત તા.ર૧ મીના ગણપતિના સરઘસો નિકળનાર છે તે સરઘસ અને તાજીયાના સરઘસ સાથે ભેગા ન થાય અને ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તેે રીતે આયોજન કરવા આયોજકોને જણાવાયું છે. કોઇ પણ ધર્મની લાગણી દુભાઇ નહિ તેવા સુત્રોચ્ચાર કે કૃત્યોથી દુર રહેવા તાકીદ કરવામાં આવી છે.

જો આમ નહિ થાય તો કડક કાયદાકીય  પગલા લેવાશે. આ ઉપરાંત સરઘસોમાં હથીયારો પણ સાથે ન રાખવા તાકીદ કરી છે. ગણપતિ વિસર્જન સ્થળોએ કોઇ જાનહાની ન થાય તે માટે સતર્ક રહેવા પણ જણાવાયું છે. ઉજવણી દરમિયાન કોઇ પણ વાહન ચાલકો નશો કરેલી હાલતમાં મળી આવશે તો પણ કડક પગલા લેવાશે તેમ શ્રી અગ્રવાલે જણાવ્યું છે.(૪.૧૫)

(3:43 pm IST)