રાજકોટ
News of Friday, 14th September 2018

ગુરુ ગયા ગોકુળ વાહે બધુ મોકળું

''સ્વાઇન ફલુ'' અટકાવવાં આરોગ્ય તંત્ર પાસે આયોજન નથીઃ જાગૃતિબેન ડાંગર

મેયર... કમિશનર અમેરિકાનાં પ્રવાસેઃ અધિકારીઓને જલ્સા : ડેંગ્યુ-મેલેરીયામાં બેદરકારી બાદ હવે તંત્ર વાહકો સ્વાઇનફલુ પ્રસરે નહી તે માટે તકેદારી રાખે તે જરૂરીઃ કોંગી કોર્પોરેટરની માંગ

રાજકોટ તા.૧૩: શહેરમાં ડેંગ્યુ-મેલેરીયાનાં રોગચાળાને નાથવામાં નિષ્ફળ ગયેલ કોર્પોરેશનનાં આરોગ્યતંત્રએ હવે ''સ્વાઇનફલુ''નો રોગ વકરે નહી તે માટે અત્યારથી જ અટકાયતી પગલા લેવા માંગ ઉઠાવી છે.

 

રક્ષા અંગે જાગૃતિબેને એક નિવેદનમાં જણાવ્યું છે કે '' રાજકોટની અંદર ડેંગ્યું અને મેલેરીયામાં માત્ર કાગળ ઉપર કામગીરી કરી લોકોને ઉલ્લુ બનાવ્યાં અને હવે ફલુમાં હજુ સુધી કોઇપણ જાતનું આગોતરૂ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. ગઇ કાલે એક દર્દીનું સિવીલ હોસ્પીટલમાં મોત પણ થયેલ છે. ત્યારે જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું પરંતુ મનપાનું આરોગ્ય તંત્ર હજી સુતુ છે.

સ્વાઇન ફલુ માટે જે જરૂરી પગલા લેવાના હોય જેની સુચનાઓ અને લોકો માહિતગાર થાય તેવા કોઇ પગલા હજુ સુધી લેવામાં આવેલ નથી. કમિશ્નરશ્રી અને મેયરશ્રી અમેરીકાના પ્રવાસે હોય અધિકારીઓને મોજ પડી ગઇ હોય એવું લાગે છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં હાલ ૮ થી ૧૦ કેસ હોવાનું જાણવા મળેલ છે. જેમાં બહારગામના કેસો પણ છેે, પરંતુ રાજકોટની અંદર આ કેસો લોકોના એક બીજાના સંપર્કમાં આવતા આ રોગ ચાળો વધુ ફેલાય નહી તે માટે મનપા પાસે કોઇપણ જાતનું આયોજન આ કેસો રોકવા માટે નથી. મનપા માત્ર સિવીલ હોસ્પીટલના કેસોની યાદી જોવે છે, પરંતુ પ્રા. દવાખાનાઓમાં તપાસ કરતા નથી જેના લીધે કેસો વધીજવાની સંભાવના રહે છે. ત્યારે લોકોને આ રોગચાળા અંગે માહીતગાર કરવા માટે યુધ્ધના ધોરણે આ કામગીરી ચાલુ કરાવવી જોઇએ જે કામગીરી હાથ ધરવા માંગ છે.(૧.૨૩)

(3:53 pm IST)