રાજકોટ
News of Wednesday, 14th August 2019

વિરાણી હાઈસ્કુલમાં ૨૦૦ ફૂટ મોટી તિરંગા રાખડી

વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી કઠોળ લાવી બનાવી અદ્દભૂત રાખડી : આ વસ્તુઓ જરૂરીયાતમંદોને વિતરણ

રાજકોટ, તા. ૧૪ : વિરાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી વિવિધ અનાજ અને કઠોળ જેવા કે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, ચોળી, તુવેરદાળ, મસુરદાળ, મગદાળ વગેરેની મદદથી ૨૦૦ સ્કવેર ફુટની મોટી પ્રેરક તિરંગા રાખડી બનાવી હતી. લગભગ ૩૫૦ કિલોની આ વસ્તુઓનું રોબીન હુડ આર્મી, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની મદદથી શહેરની ઝૂપડપટ્ટીમાં જરૂરીયાતમંદોને વિતરણ કરવામાં આવશે. તેમજ પક્ષીઓને લાયક અનાજ પાંજરાપોળ તેમજ વિવિધ ચબુતરામાં અર્પણ કરવામાં આવશે. જો શાળામાં રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો માત્ર વિજેતા વિદ્યાર્થીઓ જ ખુશ થાય છે જયારે અહિં વિરાણી પ્રાયમરી સ્કુલના ૩ વર્ષના ભુલકાઓથી લઈને વિરાણી હાઈસ્કુલના ધો.૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ આ સેવાકીય કાર્યમાં પોતાનો સહયોગ આપી 'જોય ઓફ શેરીંગ' અને 'વી કેર વી શેર' અંતર્ગત પોતાનો આનંદ વ્યકત કર્યો હતો.

અત્રે એ નોંધનીય છે કે વિરાણી હાઈસ્કુલના બાળકો દ્વારા છેલ્લા ૩ વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને આવી વિશાળ રાખડી બનાવવામાં આવે છે અને આ વસ્તુઓનંુ જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે.

આ ઉપરાંત તમામ વર્ગના વિદ્યાર્થીઓએ વર્ગદીઠ વૃક્ષારોપણ કરેલા વૃક્ષોને કંકુ તિલક કરી રક્ષા બાંધી વૃક્ષને ઉછેરવાની તથા પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અબતકના તંત્રી સતીષભાઈ મહેતા, સીઝન સ્કવેરના અજયભાઈ જોષી, સી.જે.ગ્રુપના ચેરમેન ચિરાગ ધામેચા, શાળાના ટ્રસ્ટી, રમેશભાઈ વિરાણી, નિવૃત ટેક. સુપ્રિ. અશ્વિનભાઈ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા. આ રાખડી બનાવવા ઓટોકેડના શ્રુત જોષી, શિક્ષકો અનિલાબેન, ચાર્મીબેન, નીરૂબેન, કરીશ્માબેન, વિશ્વાબેન તથા ટેકનીકલના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાની યાદી જણાવે છે.

(3:24 pm IST)