રાજકોટ
News of Wednesday, 14th August 2019

રોયલ પાર્ક-૮ ગણેશ એપાર્ટમેન્ટમાં તા.૮થી કોર્પોરેશનનું પાણી આવતુ નથી

ત્વરીત યોગ્ય કરવા માંગણીઃ પ્રશ્નનો નિકાલ નહી થાય તો કમીશનરને રજૂઆત કરાશે

રાજકોટ તા. ૧૪ :.. ગૌરવપથ ગણાતાં કાલાવડ રોડ ઉપર આવેલ રોયલ પાર્ક-૮ નંબરની શેરીમાં છેલ્લા થોડા સમયથી પાણીના ધાંધીયાએ આ શેરીના રહિશોની મુશ્કેલીમાં વધારો કરી દીધેલો છે. ખાસ કરીને રોયલ  પાર્ક શેરી નં. ૮ માં આવેલ ગણેશ એપાર્ટમેન્ટ કે જયાં ર૦ જેટલા પરિવારો રહે છે ત્યાં છેલ્લા ૮ દિવસથી કોર્પોરેશનનું પાણી આવ્યું નથી.

રોયલ પાર્ક-૮ ના ગણેશ એપાર્ટમેન્ટના ફલેટ ધારકોની ફરીયાદ છે કે કોર્પોરેશનમાં  આ અંગેની ફરીયાદ પણ કરવામાં આવી છે પરંતુ કોઇ ધ્યાન આપવામાં આવ્યુ નથી. એટલું જ નહી આ વિસ્તારના કોર્પોરેટરો પણ ફરીયાદો ધ્યાને લેતા નથી. નિયમીત રીતે કોર્પોરેશનના કરવેરા અને પાણી વેરો ભરવા છતાં પણ ફરીયાદો ઉપર પુરતું ધ્યાન અપાતું નથી.

ગણેશ એપાર્ટમેન્ટના ફલેટ ધારકોનું કહેવુ છે કે જયાં લીકેજ કે પાઇપ લાઇનની ખામી હોય તે ત્વરીત દૂર કરવી જોઇએ અને આ વિસ્તારમાં નિયત સમયે પુરતું ર૦ મીનીટ પાણી આપવું જોઇએ. જો આગામી બે કે ત્રણ દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહી થાય તો કમિશનર સુધી રજૂઆત કરવાની તૈયારી પણ ફલેટ ધારકોએ શરૂ કરી છે.

(3:22 pm IST)