રાજકોટ
News of Wednesday, 14th August 2019

રક્ષા કરજો અમારા શહેરની

'રાખી ફોર ખાખી'...પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ અધિકારીઓને મહિલા પદાધિકારીઓ અને સ્કૂલ-કોલેજની છાત્રાઓેએ રાખડી બાંધી

મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, કોર્પોરેટર રૂપાબેન શીલુ સહિતએ પોલીસ કમિશનર-જોઇન્ટ પોલીસ કમિશનર-બંને ડીસીપી તેમજ તમામ એસીપીને રક્ષા બાંધી

રાજકોટઃ ભૈયા મોરે રાખી કે બંધન કો નિભાના...ભાઇ-બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન...ભાઇના હાથે રાખડી બાંધી બહેનો પોતાની રક્ષા કરવાનું ભાઇ પાસે વચન લેતી હોય છે. આવતી કાલે રક્ષાબંધન છે ત્યારે આજે શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને શહેરના ઉચ્ચ મહિલા પદાધીકારી બહેનો તથા શાળા-કોલેજની છાત્રોએ રાખડીઓ બાંધી શહેરની-પ્રજાજનોની રક્ષા કરવાના વચન લીધા હતાં. શહેર પોલીસ પ્રજાજનોના જાનમાલના રક્ષણ માટે સતત જાગૃત રહે છે. આવતી કાલે ૧૫મી ઓગષ્ટ અને રક્ષાબંધન એમ બબ્બે પર્વ એક સાથે હોઇ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાની હોવાથી આજે જ તેમને રાખડી બાંધવાનો કાર્યક્રમ 'રાખી ફોર ખાખી'ના સુત્ર સાથે યોજવામાં આવ્યો હતો.

પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી જી. એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી બી. એ. ચાવડા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી પી. કે. દિયોરા તેમજ એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ, ક્રાઇમ બ્રાંચ પી.આઇ. એચ.એમ. ગઢવી તેમજ બીજા પોલીસ ઇન્સ્પેકર્ટ્સ ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ અધિકારીઓના કાંડે મહિલા પદાધિકારીઓ મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન  નથવાણી, કોર્પોરેટર રૂપાબેન શીલુ તેમજ શાળા-કોલેજની છાત્રાઓએ રાખડી બાંધી હતી.  પ્રજાજનોમાં પોલીસની સારી છાપ જળવાઇ રહે એ હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.  તસ્વીરોમાં 'રાખી ફોર ખાખી'ના સુત્ર હેઠળ રાખડીઓ બંધાવી રહેલા પોલીસ અધિકારીઓ તથા રાખડી બાંધી રહેલા મહિલા અગ્રણીઓ, પદાધિકારીઓ અને મહિલા પોલીસનો સ્ટાફ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:28 pm IST)