રાજકોટ
News of Wednesday, 14th August 2019

૧૦ હજાર પરિવારોને ૧૦ રૂ.ના નજીવા ટોકન દરે ઉપયોગી ૬ વસ્તુની કીટ અપાશે

જન્માષ્ટમી પર્વ નિમિત્તે સ્વ.પ્રતાપભાઇ મથુરાદાસ રાજદેવની પ્રેરણાથી કાનુડા મિત્ર મંડળના કેતન પટેલનું સ્તુત્ય આયોજન : ફકત રૂ.૧૦માં લીટર ૧ તેલ, પ૦૦ ગ્રામ ચણાનો લોટ, ખાંડ પ૦૦ ગ્રામ, પ૦૦ ગ્રામ મેંદાનો લોટ, ચોખાના પૌવા પ૦૦ ગ્રામ અને મકાઇના પૌવા પ૦૦ ગ્રામ સ્વમાનભેર અપાશેઃ ૩, ગુંદાવાડી, મથુરભાઇ રાજદેવ ચોક, રાજકોટ ખાતેથી રવિવાર તા.૧૮ ઓગષ્ટે વિતરણ કરાશે

રાજકોટ : સૌરાષ્ટ્રની જાણીતી સેવા સંસ્થા શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા સ્વ. શ્રી પ્રતાપભાઇ મથુરાદાસ રાજદેવની પ્રેરણાથી તેમજ પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ છેલ્લ ૩૦ વર્ષથી સતત કરવામાં આવે છે. જેમાં આર્થિક રીતે નબળા કુટુંબને દર મહિને વિનામુલ્યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને વિનામુલ્યે દવા સહાય, ઇમરજન્સી કેસ માટે લોહીની સહાય. મહા રકતદાન શિબીરોનું સતત આયોજન, દર વર્ષે અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તથા પુસ્તક- યુનીફોર્મની સહાય, દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિતે ટોકન ભાવે ચીજ-વસ્તુ વિતરણ, દર વર્ષે આર્થિક તથા નબળા વર્ગના લોકોને રેકડી, અપંગને ટ્રાઇસીકલ તથા ધાબડા વિતરણ, નવરાત્રી દરમ્યાન શહેરની ગરબીની બાળાઓને પ્રસાદ તથા લાણી, આર્થિક રીતે નબળા કુટુંબને પ્રસંગોપાત વાસણો વિનામુલ્યે ભાડે આપવામાં આવે છે. દર વર્ષે ઋષી-પંચમી નીમિતે કસ્તુરબાધામ ત્રંબા ખાતે ફરાળ પ્રસાદ, દર વર્ષે માતાના મઢ ચાલીને જતા પદયાત્રીકો માટે રાવટી તથા પ્રસાદ અમરનગર ખાતે, કસ્તુરબાધામ ત્રંબા ખાતે ર૪ કલાક એમ્બ્યુલન્સ સેવા, હનુમાન જયંતી ઉપર સમસ્ત રાજકોટ બટુક ભોજન તથા જીવદયા-ગૌસેવા સહિતની સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા સતત ૩૦ માં વર્ષે દરીદ્રનારાયણની સેવામાં અને સમાજના આર્થિક અને પછાત વર્ગ પણ જન્માષ્ટમીના પવિત્ર પર્વને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધુમથી, હર્ષભેર વધાવી શકે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જીવન જરૂરીયાતની ખાદ્ય વસ્તુઓનું, દશ હજારથી વધારે પરિવારોને ફકત ૧૦ રૂપિયાના ટોકનદરે તેલ ૧ લીટર, ચણાનો લોટ પ૦૦ ગ્રામ, ખાંડ પ૦૦ ગ્રામ, મેંદાનો લોટ પ૦૦ ગ્રામ, ચોખાના પૌવા પ૦૦ ગ્રામ, મકાઇના પૌવા પ૦૦ ગ્રામ વિતરણ તા. ૧૮ ઓગષ્ટ, રવિવારે સવારે ૭ થી ૧૦ દરમિયાન કરવામાં આવશે.

જરૂરીયાતમંદ પરિવારોનું સ્વમાન ન ઘવાય અને તેમને પણ આ સહાય લેવામાં સંકોચ ન થાય તેઓ એકમાત્ર હેતુથી જ આ ટોકનદર રાખવામાં આવ્યો છે. રેશનીંગ કુપન લાવવું ફરજીયાત છે. આ વિતરણ અંગેના કાર્ડ પહેલેથી જરૂરીયાતમંદ પરીવારોને અપાઇ ચૂકયા છે. કાર્ડ-ટોકન વગર અનાજ નહી મળે, એક વ્યકિત એકથી વધારે કાર્ડ સાથે લાવશે તો તે માન્ય રાખવામાં આવશે નહીં. કાર્ડ પર ૧૮ વર્ષથી ઉપરની  ઉંમરના વ્યકિતને જ વસ્તુ આપવામાં આવશે.

અન્ય કારણોસર વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવાના હકક સંસ્થાનો રહેશે. તેમ પણ શ્રી કેતન પટેલની યાદી જણાવે છે.અનાજ વિતરણ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. આ સેવાયજ્ઞનું ઉદઘાટન સ્વામી નારાયણ ગુરૂકુળ-રાજકોટના મહંતશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી કરશે. સમગ્ર વિતરણ મહાયજ્ઞ પ્રસંગે રાજદેવ પરીવારના માતુશ્રી તથા સ્વ. પ્રતાપભાઇ મથુરાદાસ રાજદેવ ટ્રસ્ટના મોભી ગં. સ્વ. પૂ. વિમળાબેન રાજદેવ આર્શીવાદ આપશે. ઉપસ્થિત રહેનાર અનેક મહાનુભાવો, દાતાઓ આ પ્રસંગના અતિથી વિશેષ તથા મુખ્ય મહેમાન રહેશે.

સમગ્ર આયોજન અંગે કાનુડા મિત્ર મંડળના પ્રમુખ અને રાજકોટ મહાનગર પાલીકાના વોટર વર્કસ સમિતિના પૂર્વ ચેરમેન કેતનભાઇ પટેલના માર્ગદર્શન માં ઉમેશ ભૂત, હસમુખ કોબીયા, પરેશ વોરા, અશ્વિન બાલાસરા, સુધીર ઠુંમર, રવી ડાંગર, પ્રશાંત રાયચુરા, વિભાશ શેઠ, મનીષ ઝવેરી, જીતુ કાકડીયા, લલીત મોદી, રશ્મીન કાકડીયા, મેહુલ જોબનપુત્રા, પરાક્રમસિંહ જાડેજા, જીનલ રૈયાણી, ચંદ્રકાંત રાજદેવ, વિજયસિંહ ઝાલા, મનીષ મેવાડા, સુરેશ ચૌહાણ, પ્રદીપ અનડકટ, બકુલ મકવાણા, અશોક પટેલ, વિપુલ માખેલા, મનહરભાઇ પંડયા, કપીલ કોટક, સંજય જોબનપુત્રા, હિરેન ગણાત્રા, શૈલેષ હાપલીયા, નંદીશ રાજદેવ, સંજય વઘાસીયા તથા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર આયોજન અંગે ગુંદાવાડી વેપારી મિત્ર મંડળનો હરહંમેશનો સહયોગ મળતો રહ્યો છે.

(12:17 pm IST)