રાજકોટ
News of Tuesday, 14th August 2018

ટીવીની દુનિયામાં ગુજરાતીઓનો દબદબો : જોશી-મહેતા

સીરિયલો સર્જનાર નાટ્ય જગતના ડાયરેકટર રાજેશ જોશી અને ટીવી સીરિયલોના ડાયરેકટર ધર્મેશ મહેતા 'અકિલા'ની મુલાકાતે : એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રી પંજાબીઓની ગણાતી, હવે ગુજરાતીઓ છવાઇ ગયા છે : સ્ક્રીપ્ટ રાઇટરોની પણ ખૂબ માંગ : રાજેશભાઇ જોશી રાજકોટનું ગૌરવ છે, તેઓ સ્વ. મનસુખભાઇ જોશીના પુત્ર છે : અનેક સીરિયલો લખી છે : સાંજે ગ્લોબલ સ્કીલ એકેડમીમાં જોશી-મહેતા માર્ગદર્શન આપશે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજેશભાઇ જોશી, ધર્મેશભાઇ મહેતા, ગ્લોબલ સ્કીલ એકેડમીના મેહુલ રૂપાણી નજરે પડે છે. (તસ્વીર :સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૪ : એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં પંજાબીઓની બોલબાલા હતી, હવે ગુજરાતીઓનો પ્રભાવ છવાયેલો છે. કલાકારોથી માંડીને ડાયરેકટરર્સ-સ્ક્રીપ્ટ રાઇટર્સ વગેરે ક્ષેત્રે ગુજરાતીઓનો દબદબો છે. આ ક્ષેત્રે ખૂબ તક રહેલી છે.

આ શબ્દો રાજેશભાઇ જોશી અને ધર્મેશભાઇ મહેતાના છે. રાજેશભાઇ નાટ્ય જગતના ફેમસ ડાયરેકટર છે. ધર્મેશભાઇ ટીવી સીરિયલના ડાયરેકટર છે. રાજેશભાઇ રાજકોટનું ગૌરવ છે. જાહેરજીવનના અગ્રણી સ્વ. મનસુખભાઇ જોશીના તેઓ પુત્ર છે. રાજેશભાઇએ નાગીન, જોધા અકબર, કયોકી સાંસ..., કસોટી જિંદગી કી, સારથી, શોર વગેરે સીરિયલો લખી છે, લખે છે. એકતા કપૂર-બાલાજી સાથે તેઓ ૧૭ વર્ષથી સંકળાયેલા છે.

ધર્મેશભાઇ મહેતા પ૦૦ એપીસોડ સુધી 'તારક મહેતા...' સીરિયલ સાથે જોડાયેલા હતા. તેઓએ તાજેતરમાં જ 'પપ્પા તમને નહિ સમજાય' ફિલ્મ કરી છે.

આ બંને મહાનુભાવો આજે સાંજે ગ્લોબલ સ્કીલ એકેડમીમાં ડ્રામા અને ફિલ્મ મેકિંગ વિષય પર માર્ગદર્શન આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના 'સ્કીલ ઇન્ડીયા'ના સ્વપ્ન સાકાર કરવા 'ગ્લોબલ સ્કીલ એકેડમી' સાથે મુંબઇના બેસુપ્રસિધ્ધ ડાયરેકટરો રાજેષભાઇ જોષી તથા ધર્મેશભાઇ મહેતાનું રાજકોટ ખાતે આગમન થયું છ.ે

'ગ્લોબલ સ્કીલ એકેડમી' અંતર્ગત વિવિધ સ્કીલના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 'એકટીંગ' અને 'ફીલ્મ મેકીંગ' સ્કીલમાં રાજકોટના વિદ્યાર્થીઓ તથા રાજકોટના કલાકારો પાવરધા બને એ માટે રાજેષ જોષી તથા ધર્મેશ મહેતા સ્વતાંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ ખાસ પધાર્યા છે.

રાજેષભાઇ જોષી જેઓએ કોડ મંત્ર, યુગ પુરૂષ જેવા ઉત્તમ નાટકોમાં દિગ્દર્શકની ભૂમીકા ભજવી છે. આ ઉપરાંત જોધા અકબર, નાગીન તથા કયુકી સાસ ભી કભી બહુથી જેવી સિરિયલોમાં દિગ્દર્શકની ભુમીકા ભજવી છે.

ધર્મેશભાઇ મહેતા ટી.વી.સીરીયલમાં સૌથી લોકપ્રિય એવી તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મ 'પપ્પા તમને નહિ સમજાય' જેવી ફિલ્મનું પણ દિગ્દર્શન કરેલ છે.

ડિજીટલ મિડીયા તથા ફિલ્મોના યુગની સાથે સાથે નાટય યુગ પણ ફરીથી પરત ફર્યો છે. તેને અનુલક્ષીને સ્ટેજ પર લાઇવ પરફોમન્સ કઇ રીતે થઇ શકે ? સતત ૩ કલાક મંચ પર નાટક ભજવવા માટેની તૈયારીઓ, વિદ્યાર્થીઓ સ્ટેમીના કઇ રીતે વધારી શકે વગેરે અંગેનું માર્ગદર્શન રાજેષભાઇ જોષી દ્વારા આપવામાં આવ્યું હતું.

'ગ્લોબલ સ્કીલ એકેડમી' ના વિદ્યાર્થીઓ રાજેષભાઇ જોષી તથા ધર્મેશભાઇ મહેતાનો લાભ લઇ શકે તે માટે એકેડમીના ફાઉન્ડર તથા ડાયરેકટર ડો. મેહુલભાઇ રૂપાણી, શગુન વણઝારા તથા રોમાંચ વોરાની દેખરેખમાં અમી વણઝારા અને મોાનાઝ વાઢેરના કોર્ડીનેશનમાં સંપૂર્ણ એકેડમીની ટીમ શેખ હાઝરા, કચ્છી બિલકીસ, અદિત ઘેડીયા, પરમાર વિશાલ, કોટડીયા બ્રિજેશ, સાલેવાલા સિમરન, માંકડા અલેફીયા, વિરપરીયા, પાર્થ, મહેતા હેમાંગ, વશાણી યશ, હીરા ફાતેમા, રાબડીયા પારૂલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(૮.૧૧)

(3:46 pm IST)