રાજકોટ
News of Tuesday, 14th August 2018

યાંત્રીક સ્ટોલ ઇચ્છુકોએ ૪૪ પ્લોટમાં રીંગ કરતા કલેકટર આકરા પાણીએઃ તમામના ફોર્મ જ રદ્દ કરી નાખ્યાઃ સન્નાટો

હવે ર થી ૪ દિ'માં નવેસરથી ફોર્મ મંગાવશેઃ અપસેટ પ્રાઇઝ સીધી ૧૨ ગણી વધારી દીધી : ફોર્મ રદ્દ કરાયા હોય એવી પ્રથમ ઘટનાઃ ઇ-એફ-જી-એચ કેટેગરીમાં કુલ ૧૩૬ ફોર્મ આવ્યા હતાઃ જબરો નિર્ણય

રાજકોટ તા.૧૪: આગામી ૧લી સપ્ટેમ્બરથી રેસકોર્ષ મેદાન ખાતે કલેકટરતંત્ર દ્વારા સાતમ-આઠમ તહેવારને અનુલક્ષી ભવ્યાતિભવ્ય લોકમેળો યોજાનાર છે, અને આ સંદર્ભે કુલ ૩૨૧ સ્ટોલ માટે અરજીઓ મંગાવાઇ હતી, એમાં મોટા ઇ-એફ-જી-એચ યાંત્રીક સ્ટોલ સીવાય બધા વેચાઇ ગયા, પરંતુ આ મોટા ફજેત ફાળકા સહિતના સ્ટોલ ઇચ્છુકોએ જીએસટીનો વાંધો લીધો, એ બાબત પતી ત્યાં ર દિ'થી રીંગ કરીને બેસી ગયા પરિણામે, પ્રાંત અધિકારી શ્રી પટેલે હરરાજી અટકાવી દિધી, અને કલેકટરશ્રી રાહુલ ગુપ્તાનું ધ્યાન દોરી માર્ગદર્શન માંગ્યંુ હતું. આ પછી કલેકટરશ્રીએ ગઇકાલે સાંજે આકરો નિર્ણય લઇ ઉપરોકત યાંત્રીક સ્ટોલ ઇચ્છુકોના એકી સાથે ફોર્મ રદ કરી નાંખતો હુકમ કરી તે પ્રમાણે કાર્યવાહી કરવા સીટી પ્રાંત શ્રી પટેલને સુચના આપતા સનસનાટી મચી જવા પામી છે.

કલેકટરશ્રી ગુપ્તાએ પત્રકારોને ઉમેર્યું હતું કે, અમે આ લોકોએ અપસેટ પ્રાઇઝથી આગળ બોલી બોલવાનો કોઇ પ્રયાસ નહી કરતા અને રીંગ જેવું કરતા બધા ફોર્મ રદ્દ કરી નાંખ્યા છે, ઉપરોકત ચાર કેટેગરીમાં કુલ ૧૩૬ ફોર્મ આવ્યા હતા, તે બધા રદ્દ કરી હવે ર થી ૪ દિ'માં નવેસરથી અરજીઓ  મંગાવાશે.

ટુંકમાં તંત્રે પોતાનો પરચો આપી દિધો છે. કલેકટરે ફોર્મ રદ્દ કરતા ફોર્મ ભરનાર તમામ હબક ખાઇ ગયા છે, ભારે દોડધામ થઇ પડી છે, ફોર્મ રદ્દ થયા હોય એવી આ પ્રથમ ઘટના છે, જબરો નિર્ણય તંત્રે લીધો છે. તંત્રે આ ઉપરાંત વધુ એક આકરો નિર્ણય એ પણ લીધો છે કે યાંત્રીકના ૪૪ પ્લોટની જે અપસેટ પ્રાઇઝ ૨૦ હજાર હતી તે ૧૨ ગણી વધારી સીધી સવા બે લાખથી રાા લાખ કરી નાંખી છે. જેમને સ્ટોલ જોઇતા હોયતો આગળ આવે, બાકી મેળોતો યાંત્રીક સ્ટોલ વગર પણ થશે જ તેવો નિર્દેશ આપી દીધો છે.

(3:35 pm IST)