રાજકોટ
News of Monday, 14th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ૦ ટકા ફી માફી આપોઃ એનએસયુઆઇ

કોરોના-વાવાઝોડા બાદ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા છાત્રોને સહાય કરવા કુલપતિને રજુઆત

રાજકોટઃ પ૦ ટકા ફી માફીની રજુઆત કરતા એનએસયુઆઇના કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) (૪.૭)

રાજકોટ, તા., ૧૪: વિદ્યાર્થીઓના પ્રશ્ને સતત જાગૃત રહીને રજુઆત કરતુ એનએસયુઆઇએ આજે કુલપતિને આવેદનપત્ર પાઠવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને પ૦ ટકા ફી માફી આપવા માંગ કરી છે.

એનએસયુઆઇએ આવેદનમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે છેલ્લા એકાદ વર્ષથી વધુ સમયથી લોકોના વેપાર-ધંધા પડી ભાંગ્યા, નોકરીઓ જતી રહી, મંદી અને મોંઘવારીના કારણે સામાન્ય પરીવારો આર્થીક મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય ધ્યાનમાં રાખી સરકારના સુચનાથી કોલેજો પણ એક વર્ષથી વધુ સમયથી બંધ છે જેથી ઓનલાઇન શૈક્ષણીક કાર્ય જ ચાલુ છે. એક તરફથી કોરોનાની ભયાનક બીજી લહેરમાં ઘણા ખરા વિદ્યાર્થીઓએ પોતાના પરીવારના મુખ્ય કમાનાર ગુમાવ્યા તો ઘણા વિદ્યાર્થીઓના પરીવાર હોસ્પીટલ ખર્ચાઓમાં સપડાયા બીજી તરફ અમરેલી-ગીર સોમનાથ જીલ્લાના ખેડુત પરીવારોને તાઉતે વાવાઝોડાએ મોટુ આર્થિક નુકશાન થતા તેઓ પણ સંકટની સ્થિતિમાં મુકાયા છે.

એનએસયુઆઇએ યાદીમાં વધુમાં  જણાવેલ છે કે કોલેજોમાં માત્ર ઓનલાઇન શૈક્ષણીક કાર્ય ચાલુ હોવાથી એક વર્ષથી વધુ સમયથી કોલેજો બંધ છે. જેથી તેમને ઇલેકટ્રીસીટી, પાણી, તમામ લેબો. લાઇબ્રેરી, સાફ સફાઇ જેવા દૈનિક ખર્ચાઓ થતા નથી. આવી પરિસ્થિતિમાં યુનિવર્સિટીના સતાધીશોએ વિદ્યાર્થીઓની વેદના-વ્યથા સમજી યુનિ. સંલગ્ન તમામ કોલેજોમાં પ૦ ટકા ફી માફી આપી રાહત આપવા વિદ્યાર્થી જગતમાં માંગ ઉઠી છે. જો કે હજુ સુધી રાજયની એક પણ યુનિ.એ કોઇ પણ જાતની ફી માફી નથી આપી પરંતુ શરૂઆત આપણી યુનિ.થી થશે તો ઉદાહરણરૂપ ઘણી યુનિ. આ નિર્ણય લેવા આગળ આવશે. ઘણા સમયથી કોલેજો બંધ છે માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલુ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓનું મેરીટબેઝ પ્રમોશન મળવાથી પરીક્ષાઓ પણ નથી લેવાઇ છતા ગયા વર્ષે વિદ્યાર્થીઓએ સંપુર્ણ કોલેજ ફી ભરી હતી.

એનએસયુઆઇએ આવેદનમાં વધુમાં જણાવ્યું હતું શું મોટાભાગની કોલેજો અને યુનિવર્સિટીઓ રાજકારણીઓની હોવાથી તેમને નુકશાન ના પહોંચે એટલે વિઘાર્થીઓને ફિમાફીમાંથી બાકાત રખાયા?? સૌરાષ્ટ્ર યુનિ.પાસે કરોડો રૂપીયાનું એફ.ડી. અને વિદ્યાર્થી વિકાસ ફંડ છે તો શુ તેનોે ઉપયોગ વિદ્યાર્થીઓની ફી માફી માટેના કરી શકાય? સૌરાષ્ટ્ર યુનિ.ના મોટાભાગના સીન્ડીકેટો અને સતાધીશોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની ઘરની ખાનગી કોલેજો ધરાવે છે તો એક પણ સતાધીશ આગળ ચાલીને ફી માફી કેમ ના કરી?? ખાનગી  સ્કુલોએ કોરાનાના કારણે વિદ્યાર્થીઓ મુખ્ય કમાનાર પરીવારજન મૃત્યુ પામ્યા હોય તો તેમને સંપુર્ણ ફી માફી આપી છે તો યુનિ. સંલગ્ન કોલેજોમાં કેમ નહી?

તમામ બાબતો ધ્યાનમાં રાખી યુનિ.ના સતાધીશોએ શિક્ષણ વિભાગ અને કોલેજોના ટ્રસ્ટીઓને સાથે હકારાત્મક ચર્ચાઓ કરી વિદ્યાર્થીઓની કોલેજ ફીમાં પ૦ ટકા માફીની રાહત આપવામાં આવે તેવી  એનએસયુઆઇની માંગ છે. આવનારા દિવસો વિદ્યાર્થીઓને ફી માફી અંગે નિર્ણય નહી લેવામાં આવે તો એનએસયુઆઇ વિદ્યાર્થીઓને સાથે રાખી સીન્ડીકેટ બેઠકનો ઘેરાવ સહીત  યુનિવર્સિટીમાં અલગ અલગ વિરોધ પ્રદર્શનો કરશે તેમ  એક યાદીમાં પ્રમુખ રોહીતસિંહ  રાજપુતે જણાવેલ છે.

(5:22 pm IST)