રાજકોટ
News of Thursday, 14th June 2018

કીર્તિદાન ગઢવી રઘુવંશી સમાજને ડોલાવશે

રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ૨૦મીએ રાત્રે લોકડાયરો : બુધવારે હેમુ ગઢવી હોલમાં ભવ્ય આયોજનઃ ડાયરાની આવક છાત્રોને શિષ્યવૃતિ માટે વપરાશેઃ પરાગ દેવાણી :: રઘુવંશી સમાજને ઉમટવા અગ્રણીઓનું આમંત્રણ :રાજકોટ રઘુવંશી સમાજના ૨૫ જરૂરીયાતમંદ-તેજસ્વી છાત્રોને દત્તક લેવા એનઆરઆઈની ઓફર

રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટના સુરેશભાઈ ગોળવાળા, પરાગભાઈ દેવાણી, ભરતભાઈ ભીંડોરા, લોક ગાયક કીર્તિદાન ગઢવી, નલીનભાઈ બુદ્ધદેવ તથા અન્ય ટ્રસ્ટીઓ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૪ :. લોકપ્રિયતાના સર્વોચ્ચ શીખરે બિરાજતા લોક કલાકાર કીર્તિદાન ગઢવી રઘુવંશી સમાજ પર અનરાધાર વરસશે. રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લોકડાયરાના વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ ગોળવાળા, ઉપપ્રમુખ પરાગભાઈ દેવાણી અને ટ્રસ્ટી ડાયાલાલ કેસરિયાએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૦ના બુધવારે રઢિયાળી રાત્રીએ ૯.૩૦ વાગ્યે હેમુ ગઢવી નાટયગૃહ ખાતે લોકડાયરાનું ભવ્ય આયોજન થયું છે. જેમાં લોકલાડીલા કલાકાર કીર્તિદાન ગઢવી જમાવટ કરશે.

શ્રી દેવાણીએ કહ્યું હતું કે, રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરીયાતમંદ અને તેજસ્વી છાત્રોને શિષ્યવૃતિ આપવામાં આવે છે. ડાયરામાં થનારી આવક શિષ્યવૃતિ માટે વાપરવામાં આવશે.

શ્રી દેવાણીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટની પ્રવૃતિને પ્રોત્સાહક રિસ્પોન્સ પ્રાપ્ત થાય છે. એનઆરઆઈ પરિવારોએ રાજકોટના જરૂરીયાતમંદ-તેજસ્વી ૨૫ છાત્રોને શિક્ષણ માટે દતક લેવા તૈયારી દાખવી છે. આ ઓફર અંગે ટ્રસ્ટ ભવિષ્યમાં નિર્ણય કરશે.

અગ્રણીઓએ કહયું હતું કે, શ્રી રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી રાજકોટ ખાતે ચાલી રહયું છે. ધોરણ ૧૦ પછીના અભ્યાસ માટે રાજકોટમાં વસતા લોહાણા જ્ઞાતિના આર્થિક રીતે જરૂરીયાતમંદ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. ૬૦ ટકા કે તેથી વધુ ટકા (માકર્સ) લાવનાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિને પાત્ર બને છે. વિદ્યાર્થી દીઠ પ થી ૧૦ હજાર રૂપિયાની શિષ્યવૃતિ વર્ષ દરમ્યાન આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન ૮ થી ૧૦ લાખ જેવી શિષ્યવૃતિ આ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમમાં આપવામાં આવી છે. રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ ની અન્ય સહયોગી સંસ્થા રઘુવંશી સેવા સમાજ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી શિષ્યવૃતિ વિતરણ, જ્ઞાતિના નિસંતાન વૃધ્ધોને દર મહિને આર્થિક સહાય, જ્ઞાતિની દિકરીઓને લગ્ન માટે કરિયાવર, ગાયમાતાને ઘાસચારો, ભૂખ્યા લોકો માટે અન્નક્ષેત્ર ચલાવવું વિગેરે સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. આગામી ૨૦ જુન બુધવાર રાત્રે ૯:૩૦ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપના લાભાર્થે દેશના સુપ્રસિધ્ધ સિંગર અને ગુજરાતના લોક લાડીલા કલાકાર ''કિર્તિદાન ગઢવી લાઇવ ઇન કોન્સર્ટ'' નું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રસિધ્ધ સિંગર કિર્તિદાન ગઢવી સાથે રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઇ ગોળવાળા, ઉપપ્રમુખ પરાગભાઇ દેવાણી, ટ્રસ્ટી ડાયાલાલ કેશરીયાએ પત્રકારોને વધારે વિગતો આપી હતી. આ પત્રકાર પરિષદનું આયોજન જીલ એન્ટરટેઇનમેન્ટ એન્ડ મિડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

સમગ્ર આયોજનમાં પ્રોગ્રામ ઇન્ચાર્જ પરેશભાઇ પોપટ, આર.ડી. ગ્રુપ-રાકેશભાઇ પોપટ, ભુપતભાઇ બાબુતર, શૈલેષભાઇ પાબારી તથા રાજુ રૂપમ ગ્રુપનો સહયોગ મળ્યો છે.

પત્રકાર પરિષદમાં સુરેશભાઇ ગોળવાળા, પરાગભાઇ દેવાણી, ભરતભાઇ ભીંડોરા, નલીનભાઇ બુધ્ધદેવ, પ્રદીપભાઇ ગણાત્રા, ડાયાલાલ કેશરીયા, ધવલભાઇ રાચ્છ, દિનેશભાઇ તન્ના, સંજયભાઇ સોમેયા, ધમેન્દ્રભાઇ મીરાણી, અજયભાઇ કટિયા, સંદિપ કોટેચા વગેરે ઉપસ્થિત રહયા હતા.(૨-૧૯)

(4:29 pm IST)