રાજકોટ
News of Thursday, 14th June 2018

રાજકોટ યાર્ડમાં મગફળી વિભાગમાં મજુરોની હડતાલ સંદર્ભે કાલે મીટીંગ

આજે ત્રીજા દિવસે પણ હરરાજી ઠપ્પઃ કાલે મજુર આગેવાનો સાથે યાર્ડના પદાધિકારીઓની મીટીંગ

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ (બેડી) માર્કેટયાર્ડમાં મગફળી વિભાગમાં આજે ત્રીજા દિવસે પણ મજુરોની હડતાલ યથાવત રહી હતી. મજુરોની માંગણી સંદર્ભે આવતીકાલે મજુર આગેવાનો સાથે યાર્ડના પદાધિકારીઓ સાથે મીટીંગ યોજાનાર છે.

બેડી યાર્ડમાં મગફળી વિભાગમાં મજુરોએ મજુરીના દરની વધારાની માંગણી કરી હડતાલ પર ઉતરી જતા આજે ત્રીજા દિવસે મગફળીની હરરાજી બંધ રહી હતી. હાલમા મજુરોને ૨૦ કિલો (એક ગુણીએ) પાંચ રૂ. મજુરી અપાઈ છે. મજુરો દ્વારા એક ગુણીએ ૭ રૂ. મજુરીના દર કરવા તેમજ પાલમાં હરરાજી કરવા માંગણી કરી છે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે, હડતાલ સંદર્ભે આવતીકાલે મજુર આગેવાનો સાથે મીટીંગ યોજેલ છે. મગફળીની હરરાજી માટે હાલમાં બે પ્લેટફોર્મ ફાળવાયા છે. જો પાલમાં (ખુલ્લામાં) હરરાજી કરાઈ તો ખેડૂતોની મગફળી વરસાદમાં પલળી જાય તેવી ભીતિ છે. જેથી ખેડૂતોની મગફળી ઉભા પાલમાં જ હરરાજી કરાય છે. બે પ્લેટફોર્મમાં મગફળીનો જથ્થો સમાય તેટલી જ આવક કરાવાય છે. આ મુદ્દે કાલે મજુર આગેવાનો સાથે ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

(4:27 pm IST)