રાજકોટ
News of Thursday, 14th June 2018

રાજકોટ જિલ્લાના દરેક તાલુકાની એક પ્રાથમિક અને એક માધ્યમિક શાળા મોડેલ સ્કુલ બનાવાશે : કલેકટર

સણોસરામાં ૧૦૯ બાળકોને સ્કૂલોમાં પ્રવેશ કરાવતા કલેકટર રાહુલ ગુપ્તા બાળક શાળાથી ઘરે આવે ત્યારે વાલીઓ તેમના અભ્યાસ અંગે પૂછાણ કરે : કલેકટરની ટકોર : ગરીબ - તવગંર એવો કોઇ ભેદ નથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણા વડાપ્રધાન છે : તેઓ ગરીબ પરિવારમાંથી આવે છે...

રાજકોટ તા. ૧૪ : રાજકોટ તાલુકાના સણોસરા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તા સહભાગી બન્યા હતા અને કૂલ મળી ૧૦૯ બાળકોને વિદ્યામંદિરોમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે આ તકે બાળકોને ચિત્ત લગાવી અભ્યાસ કરવા શીખ આપી હતી.

કલેકટર ડો. ગુપ્તાએ જણાવ્યું કે, બાળકો પાસે કોઇને કોઇ શકિત છૂપાયેલી હોય છે. તેને માત્ર નીખારવાની જરૂરત હોય છે. કોઇ બાળક અભ્યાસમાં નબળો હોય તો તેની પાસે રહેલી બીજી કોઇ કળાનો વિકાસ કરવો જોઇએ. કોઇ બાળક સારો ચિત્રકાર બની શકે તો કોઇ બાળક સારો ખેલાડી બની શકે છે. ભગવાને તમામ લોકોને સરખા બનાવ્યો છે. તેમની પાસે ગરીબ અને તવંગર એવો કોઇ ભેદ નથી. એટલે જ ગરીબ પરિવારના છાત્રો પણ ટાંચા સાધનોથી પણ પોતાની સારી કારકીર્દિનું નિર્માણ કરતા હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી છે. જે સાવ ગરીબ પરિવારમાંથી આવે છે અને ચા વેચીને ગુજરાન ચલાવતા હતા. જે આજે વડાપ્રધાન બન્યા છે.

વાલીઓને ટકોર કરતા કલેકટરશ્રીએ કહ્યું કે બાળક શાળાથી ઘરે આવે ત્યારે, વાલીઓને તેમના અભ્યાસ અંગે પૃચ્છા કરવી જોઇએ. શાળામાં શું ભળાવ્યું, કંઇ પ્રવૃત્ત્િ। કરાવી તે બાબતથી વાલીઓને વાકેફ થવું જોઇએ. બાળકોને તેના અભ્યાસ સિવાયની કોઇ પણ પ્રવૃત્તિઓમાં જોતરવા જોઇએ નહીં. તેજસ્વી બાળક આખા પરિવારને તારી દે છે. જયારે, અભ્યાસમાં નબળા હોય એવા બાળકોની વિશેષ તકેદારી રાખવા અને આવા બાળકોને માટે શાળા સમય સિવાય પણ વિશેષ અભ્યાસ વર્ગોનું આયોજન કરવા શિક્ષકોને સૂચન કર્યું હતું.

કલેકટરશ્રી અને અન્ય મહાનુભાવોએ શૈક્ષણિક કિટ આપી આંગણવાડીમાં ૨૫, પ્રાથમિક શાળામાં ૩૦ અને માધ્યમિક શાળામાં ૫૪ બાળકોનું નામાંકન કરાવ્યું હતું. બાળકોને સાંસ્કૃત કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. દાતાઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

એ બાદ કલેકટરશ્રીએ પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત ચાલતા શિક્ષણ વર્ગની મુલાકાત લીધી હતી અને ડિઝીટર કલાસ રૂમથી તેઓ પ્રભાવિત થયા હતા. પ્રાથમિક શાળાના આચાર્યા શ્રી પારુલબેન નોંઘણવદરાએ શાળામાં બ્લોક ટાઇલ્સ નાખવાની જરૂરિયાત વર્ણવતા કલેકટરશ્રીએ તેમની રજૂઆત માન્ય આ માટે ગ્રાંટ ફાળવવાની જાહેરાત કરી દીધી હતી.

કલેકટરશ્રીએ જણાવ્યું કે તેઓ વ્યકિતગત રીતે એવો લક્ષ્યાંક રાખે છે રાજકોટ જિલ્લાના પ્રત્યેક તાલુકાની એક પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા મોડેલ સ્કૂલ બને. આ માટે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. રાજય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્ત્।ા સુધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના પરિણામે આજે ડ્રોપ આઉટ રેશિયો બે ટકા સુધી પહોંચી ગયો છે. હવે, આપણા સહિયારા પ્રયત્નોથી શિક્ષણ સારૂ અને સુલભ બને એ માટે સતત કાર્યરત રહેવું પડશે.

કલેકટરશ્રીએ સણોસરામાં આવેલા પ્રાથિમક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓથી સંતોષ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત, ઐતિહાસિક સ્થળ દરબાર ગઢનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ ગામના સરપંચ શ્રીમતી નફિસાબેન શેરશિયા, ઉપસરપંચ  બાબુભાઇ ડાભી, આચાર્ય શ્રી ગોપાણી, તબીબી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. (૨૧.૨૭)

(4:24 pm IST)