રાજકોટ
News of Thursday, 14th June 2018

તાલુકા પંચાયતો માટે કોંગ્રેસે સેન્સ લીધી, જિલ્લા પંચાયત માટે આવતીકાલે લેશે

જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે અલ્પાબેન, ભાવનાબેન, રેખાબેનનું નામ

કોંગ્રેસના નિરીક્ષકો ધારાસભ્યો જવાહર ચાવડા અને જુનાગઢના વિનુભાઇ અમીપરાએ આજે સવારે જિલ્લાની તાલુકા પંચાયતો માટે ચુંટાયેલા સભ્યોની સેન્સ લીધેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૪: આવતી તારીખ ર૦મીએ રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખોની ચુંટણી થવાની છે તે પુર્વે કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. પ્રદેશના નીરીક્ષકો જવાહર ચાવડા અને વિનુભાઇ અમીપરાએ આજે સવારે કોંગ્રેસ શાસીત કોટડા, લોધીકા, ધોરાજી વગેરે તાલુકા પંચાયતોમાં ચુંટાયેલા સભ્યોની સેન્સ લીધી હતી. આવતીકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે સેન્સ લેવામાં આવનાર છે. નિરીક્ષકોએ પોતાની ભુમીકા માત્ર ટપાલી જેવી હોવાનું જણાવી પ્રદેશમાં અહેવાલ સુપ્રત કરશે અને આખરી નિર્ણય પ્રદેશ જ લેશે તેમ જણાવ્યું હતું. ચુંટણીના આગલા દિવસે તા.૧૯મીએ જે તે તાલુકા-જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા વખતે વ્યવસ્થામાં જિલ્લા પ્રમુખ હિતેશ વોરા ઉપસ્થિત રહયા હતા.

આવતીકાલે સવારથી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે સેન્સ લેવામાં આવશે. પ્રમુખ પદ સામાન્ય વર્ગની મહિલા માટે છે. આ પદ માટે આજની સ્થિતિએ અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયા, ભાવનાબેન ભુત અને રેખાબેન પટોળીયાના નામ ઉપસે છે. આવતીકાલે સેન્સ વખતે અન્ય કોઇ નામ પણ ઉમેરાઇ શકે છે. પ્રમુખ કઇ જ્ઞાતિના આવે છે ? તેના આધારે ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામ નક્કી થશે. જેના માટે વિનુભાઇ પટેલ, ચંદુભાઇ શિંગાળા વગેરે નામ ચર્ચામાં છે. ત્રણમાંથી એક પદ કોળી સમાજને આપવામાં આવે તેવા સંજોગો છે. જીલ્લા પંચાયતમાં સેન્સ પ્રક્રિયાને અનુલક્ષીને રાજકીય ઉતેજના વ્યાપી ગઇ છે.

(4:15 pm IST)