રાજકોટ
News of Thursday, 14th June 2018

સાયકલોથોન ઇવેન્ટ : પ્લાસ્ટીક પ્રતિબંધ અને પ્રદુષણ હટાવોનો પ્રેરક સંદેશો પ્રસરાવાયો

રાજકોટ : પ્લાસ્ટીક અને અવાજ પ્રદુષણ, ટ્રાફીક સમસ્યા સહીતના મુદ્દે અવેરનેશ લાવવા અને લોકોને સાયકલીંગ તરફ વાળવા રાજકોટ કલબ ઓફ સાયકલિંગ દ્વારા મ્યુ. કોર્પોરેશન, સેન્ટર ઓફ એન્વાયરમેન્ટ એજયુકેશનના સહયોગથી  વિશ્વ પર્યાવરણ દિવસ પ મે ના રાજકોટ મધ્યે ૧૦ કિ.મી. સાયકલોથોન સાયકલ રાઇડનું સરસ આયોજન કરાયુ હતુ. મ્યુ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની અને તેમની ટીમે પણ ૧૦ કિ.મી. સાયકલ રાઇડમાં ભાગ લઇ લોકજાગૃતિના આ અભિયાનમાં યોગદાન આપ્યુ હતુ. પ્રત્યેક સભ્યોએ સંકલ્પ લીધો હતો કે પર્યાવરણના જતન માટે અને આગામી પેઢીને સારા પર્યાવરણની ભેટ આપવા અર્થે રોજિંદા કાર્યોમાં જેટલો બને એટલો પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરવા તેમજ સાયકલનો ઉપયોગ વધારવા સંકલ્પ લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ કલબ ઓફ સાયકલિંગ એ સરસ સાયકલિંગ પ્રત્યે પ્રેરણાસ્ત્રોત ગ્રુપ છે અને તેના દરેક રાઇડર સભ્યો પ્રત્યેક દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ બનાવવાની ચાહનાથી ૨૫ થી ૩૦ કિ.મી.નું સાયકલિંગ કરે છે. ઉપરાંત દરરોજ રોજીંદા કામમાં સાયકલનો વધારેમાં વધારે ઉપયોગ થાય એ હેતુથી અન્ય લોકોને પણ સાયકલનો ઉપયોગ કરવા પ્રેરણા પુરી પાડે છે. સાયકલોફન ઇવેન્ટમાં બહોળી સંખ્યામાં જોડાયેલ સદસ્યો તસ્વીરમાં નજરે પડે છે. (૧૬.૩)

(4:11 pm IST)