રાજકોટ
News of Thursday, 14th June 2018

હાર્દિક પટેલ પોલીસમાં રજૂઃ નોટીસ અપાયા બાદ મુકત

કોંગ્રેસના કાર્યકર તુષાર નંદાણીએ પાટીદાર સમાજના ભાઇઓ-બહેનોના સ્નેહમિલન માટેની સભાની મંજુરી માંગી હતી, જે નામંજુર થવા છતાં સભા યોજતાં ગુનો નોંધાયો હતો : માલવીયાનગર પોલીસે સુપ્રિમ કોર્ટના જજમેન્ટ અંતર્ગત ૪૧ (૧) એ મુજબ તપાસ કરનાર તથા કોર્ટ બોલાવે ત્યારે હાજર રહેવાની નોટીસ આપી : સાચો હેતુ છુપાવી પાસ આગેવાન હાર્દિક પટેલને બોલાવી ગેરકાયદે મંડળી રચી મહાક્રાંતિના બેનર હેઠળ રાજકીય કાર્યક્રમ યોજી નાંખી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ કરાયોનો ફરિયાદમાં ઉલ્લેખ હતો

હાર્દિક પટેલ માલવીયાનગર પોલીસ મથકમાં હાજર થતાં મોટી સંખ્યામાં તેના ટેકેદારો ઉમટી પડ્યા હતાં. હાર્દિક સાથે તેના ટેકેદારો તુષાર નંદાણી, હેમાંગ પટેલ, અમિત પટેલ, નવનીત રામાણી સહિતના તથા નીચેની તસ્વીરમાં કેસ બાબતે પુછતાછ તથા પોલીસ સ્ટાફ અને પોલીસ મથકે ઉમટી પડેલા લોકો દેખાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: નાના મવા સર્કલ પાસે ૨૯/૧૧/૧૭ના સાંજે પાસ આગેવાન હાર્દિક પટેલનું મહાક્રાંતિ સંમેલન યોજાયું હતું. બબ્બે અરજી નામંજુર થઇ હોવા છતાં મંજુરી વગર સભા-સંમેલન યોજવા મામલે હાર્દિક પટેલ સહિતના સામે ગુનો દાખલ થયો હતો. વોર્ડ નં. ૮-૯-૧૦માં રહેતાં પાટીદાર ભાઇઓ-બહેનોનું દિવાળી તહેવાર પછીનું સ્નેહમિલન-સભા રાખવાના નામે અને તેમાં સમાજના આગેવાનો સંબોધન કરશે તેવી અરજી ચૂંટણી અધિકારી સમક્ષ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં મહાક્રાંતિના બેનર હેઠળ મંજુરી વગર ગેરકાયદેસર રીતે મંડળી રચી સભા યોજી રાજકોટ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુના સબબ હાર્દિક પટેલ આજે માલવીયાનગર પોલીસ સમક્ષ હાજર થતાં તેની પુછતાછ કરી નિવેદન નોંધી સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર ૪૧ (૧) એ મુજબ તપાસ કરનાર અધિકારી અને નામદાર કોર્ટ જ્યારે બોલાવે ત્યારે હાજર થવું એવી શરત અંગેની નોટીસ પાઠવી મુકત કરવામાં આવેલ છે.

રાજકોટ (પશ્ચિમ)-૬૯ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી પી.આર. જાનીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ૧ ડીસેમ્બરના રોજ કુવાડવા રોડ પર સરદાર પટેલ કોલોનીમાં રહેતાં કોંગ્રેસ કાર્યકર તુષાર ગોવિંદભાઇ નંદાણી, હાર્દિક પટેલ તથા અન્ય આગેવાનો સામે આઇપીસી ૧૪૩, ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો હતો.

શ્રી જાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૧૯/૧૧ના અરજદાર તુષાર નંદાણીએ સભાની મંજુરી આપવા બાબતે અમોને અરજી કરી હતી. જેમાં નાના મવા સર્કલ પાસે આરએમસીના પ્લોટમાં ૨૯/૧૧ના સાંજે ૫:૦૦ કલાકે અંદાજી ૫૦૦૦ વ્યકિતઓની સભાની મંજુરી માંગી હતી. આ સભાનો આશય પાટીદાર સમાજના વોર્ડ નં. ૮, ૯, ૧૦માં રહેતાં ભાઇઓઅબહેનોનું દિવાળીના તહેવાર પછીનું સ્નેહમિલન-સભા રાખી સમાજના આગેવાનો સંબોધન કરે તેવો હતો. આ અરજી પરથી મંજુરી અપાઇ હતી.

ત્યારબાદ માલવીયાનગરના પી.આઇ. શ્રી એમ. ડી. ચંદ્રવાડીયાએ પ્રાંત અધિકારી શ્રી જાનીને ૨૬/૧૧ના જાણ કરી હતી. કે ઉપરોકત સભાની આપે જે મંજુરી આપી છે એ જ સ્થળ ઉપર એ જ તારીખ અને સમયે પાટીદાર અનામત આંદોલન સમિતીના બેનર હેઠળ મહાક્રાંતિ સમંેલનનું આયોજન કરાયુ હોવાની માહિતી મળી છે. જે હેતુથી સભાની મંજુરી માંગવામાં આવી છે તે હેતુ છુપાવી અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવવાનું છે. આ અંગેનો વિગત વારનો રિપોર્ટ પોલીસ તરફથી રજૂ કરાયો હતો. જેથી સભાની મંજુરીની અરજી નામંજુર કરી હતી. જે અંગે અરજદારને લેખિતમાં જાણ પણ કરી દીધી હતી.

પી.આર. જાનીએ ફરિયાદમાં વિશેષમાં જણાવ્યું હતું કે અરજી નામંજુર કરાયા બાદ તુષાર નંદાણીએ ફરીથી ૨૬/૧૧ના રોજ હાર્દિક પટેલ સભામાં ઉદ્દબોધન કરશે અને પાટીદાર સમાજના અન્ય આગેવાનો પણ ઉદ્દબોધન કરશે તેવી સભાની મંજુરી મળવા ફરીથી અરજી કરી હતી. જે અનુસંધાને અમોએ માલવીયાનગર પોલીસ સ્ટેશનનના ઇન્ચાર્જ પાસે સભાની મંજુરી આપવા બાબતેનો અને કાયદો વ્યવસ્થા તથા આચારસંહિતાના અમલીકરણ અંગેની તમામ બાબતો લક્ષ્યમાં લઇ સ્પષ્ટ અભિપ્રાય આપવા લેખિત યાદી કરી હતી. યાદીના અનુસંધાને માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રીએ અરજદારે કરેલી અરજીને મંજુરી ન આપવા બાબતનો વિગતવાર અભિપ્રાય આપ્યો હતો. જેને ધ્યાને લઇ અમે સ્નેહમિલન-સભાની બીજી અરજી પણ નામંજુર કરી હતી.

આમ છતાં અરજદાર તુષાર નંદાણીએ ૨૯મીએ સાંજે પાંચ વાગ્યે નાના મવા સર્કલ પાસે આરએમસીના પ્લોટમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના બેનર હેઠળ મહાક્રાંતિના નામથી કાર્યક્રમ શરૂ કરી દીધો હતો. આયોજકે પાસના આગેવાન હાર્દિક પટેલ  તથા અન્ય આગેવાનોને બોલાવી કાર્યક્રમ યોજ્યો હતો. આ બધાએ વકતવ્યો-ભાષણો પણ આપ્યા હતાં. અરજદારની અરજીનો હેતુ પાટીદાર સમાજના સ્નેહમિલનનો હતો. પરંતુ હકિકતમાં આ કાર્યક્રમ રાજકિય રીતે યોજ્યો હતો. મંજુરી ન હોવા છતાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરી રાજકીય કાર્યક્રમ યોજ્યો હતો.  અરજદાર સહિતે ગેરકાયદેસર મંડળી રચી  મંજુરી વગર સભા યોજી ફોજદારી કાર્યરીતી અધિનીયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરીના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

ઉપરોકત ગુના સંદર્ભે આજે હાર્દિક ભરતભાઇ પટેલ (ઉ.વ.૨૪-રહે. વિરમગામ, સી-૧ જાલાવાડી, પાટીદાર સોસાયટી) આજે માલવીયાનગર પોલીસ સમક્ષ હાજર થતાં એડી. ડીસીપી શ્રી હર્ષદ મહેતાની રાહબરીમાં પી.આઇ. એ. જી. રાઓલ, પરેશભાઇ જારીયા, જાવેદભાઇ રિઝવી, અરૂણભાઇ બાંભણીયાએ હાર્દિકની પુછતાછ કરી નિવેદન નોંધ્યું હતું. તેણે પોતે સમાજની સભાનું આમંત્રણ મળતાં હાજર રહ્યાનું કહ્યું હતું.

પોલીસે તેને સુપ્રિમ કોર્ટના જજમેન્ટ મુજબ ૪૧ (૧) એ મુજબ નોટીસ પાઠવી મુકત કરેલ છે. જો કે તપાસ કરનાર અધિકારી અને કોર્ટ જ્યારે પણ આ ગુના સંદર્ભે બોલાવે ત્યારે હાજર રહેવાનું રહેશે. ઉલ્લેખનિય છે કે આ ગુના સંદર્ભે અગાઉ તુષાર ગોવિંદભાઇ નંદાણી, હેમાંગ જેન્તીભાઇ પટેલ, નવનીત શાંતિભાઇ રામાણી અને અમિત રમેશભાઇ ભાણવડીયા સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:15 pm IST)