રાજકોટ
News of Thursday, 14th June 2018

નવાગામ છપ્પન કવાર્ટરમાં તૂફાન ગાડી પાર્ક કરવા મામલે ધમાલઃ છરી-પાઇપ ઉડ્યા

સદામ અંસારી અને સામા પક્ષે ગોૈતમ રાઠોડ તથા જુવાનસિંહ ઉર્ફ રાજુને ઇજાઃ સદામના સાળા પિન્ટૂની તૂફાનમાંપાઇપથી તોડફોડઃ ૨૦ હજારનું નુકસાન

રાજકોટ તા. ૧૪: નવાગામમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામે આવેલા ૫૬ વારીયા કવાર્ટરમાં મુસ્લિમ અને દરબાર શખ્સ વચ્ચે તૂફાન ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થતાં છરી-પાઇપથી હુમલો થતાં બંનેને ઇજા થઇ હતી. પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ સામ-સામી ફરિયાદ નોંધી હતી. જેમાં મુસ્લિમ યુવાનના સાળાની તૂફાનમાં પાઇપ ફટકારી તોડફોડ પણ કરવામાં આવી હતી.

છપ્પન કવાર્ટરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં સદામ અલ્લારખાભાઇ અંસારી (ઉ.૨૩)ની ફરિયાદ પરથી તેના પડોશી રાજુ તથા સતિષ સામે ગુનો નોંધાયો છે. સદામના કહેવા મુજબ પોતે પત્નિ રીટા સાથે ઘરે હતો ત્યારે સાળો પિન્ટુ મહેશભાઇ મેવાડા બધાને માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોઇ જેથી તેની તૂફાન ગાડી લઇને આવ્યો હતો અને ઘર પાસે પાર્ક કરી હતી. આ વખતે રાજુભાઇ દરબાર અને તેના મિત્ર સતિષે ગાડી અહિયા આવવી જોઇએ નહિ તેમ કહી ગાળો દઇ પાઇપથી હુમલો કરતાં પોતાને હાથના પંજામાં ઘા લાગી જતાં ફ્રેકચર થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. બાદમાં રાજુ અને સતિષ દેવીપૂજકે તૂફાનના કાચ અને બોનેટમાં પાઇપ ફટકારી તોડફોડ કરી ૨૦ હજારનું નુકસાન પણ કર્યુ હતું.

સામા પક્ષે સાગર નગર પંચમુખી હનુમાન પાસે ઝૂપડામાં રહેતાં ગોૈતમ ભુપતભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.૧૮)ની ફરિયાદ પરથી સદામ અને પિન્ટૂ સામે ગુનો દાખલ થયો છે. ગોૈતમના કહેવા મુજબ પોતાને જુવાનસિંહ ઉર્ફ રાજુ મદારસિંહ જાડેજા સાથે મજૂરીએ જવાનું હોઇ જેથી પોતે જુવાનસિંહના ઘરે આવ્યો હતો. અહિ તેના ઘર પાસે એક તૂફાન ગાડી પાર્ક થઇ હોઇ રાજુભાઇએ થોડી દૂર રાખવાનું કહેતાં ગાડીવાળા પિન્ટૂ અને તેના બનેવી સદામે  ઝઘડો કરી છરીથી હુમલો કરતાં પોતાને હાથની કલાઇમાં ઇજા થઇ હતી. જુવાનસિંહને પણ માર મારવામાં આવ્યો હતો. તેણે સારવાર લીધી નહોતી.  બંને બનાવમાં પીએસઆઇ એમ. એમ. ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(10:03 am IST)