રાજકોટ
News of Saturday, 14th May 2022

વીજચોરી અંગે માહિતી આપવા પીજીવીસીએલની અપીલ : બે ફોન નંબર જાહેર...

 

રાજકોટ,તા. ૧૪ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પીજીવીસીએલ કંપની કે જેના દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છના વિસ્‍તારોમાં તમામ પ્રકારના વીજ ગ્રાહકોને અવિરત અને સાતત્‍ય પૂર્ણ વીજળી પહોંચાડવામાં આવી રહ્યો છે. પીજીવીસીએલના સાચા/ પ્રમાણિક ગ્રાહકોને ન્‍યાય મળી રહે તે માટે જીયુવીએનએલના માર્ગદર્શન હેઠળ વીજ લોસીસ ઘટાડવા માટે છેલ્લા ઘણા સમયથી ઇન્‍સ્‍ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી કરોડો રૂપિયાની પાવર ચોરી પકડી પાડવામાં આવી છે. પીજીવીસીએલ  હેઠળ વિજીલન્‍સ વિભાગ તથા સબ ડીવીઝન/ ડીવીઝનના અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત  કામગીરીઓ કરવામાં આવી રહી છે. અને તેનું પરિણામ પણ સારૂં મળી રહેલ છે.

એકસમાન ધંધાર્થીઓ દ્વારા પણ અમુક એકમો વીજચોરી કરી માર્કેટમાં ભાવ બગાડતા હોય સાચા વીજ ગ્રાહકો કે જે નિયમીત બીલ ભરપાઇ કરતા હોય અને વીજ ચોરી ન કરતા હોય તેઓને હરીફાઇની સ્‍થિતીમાં માર્કેટમાં ટકી રહેવું મુશ્‍કેલ બનતુ હોય છે. આથી પીજીવીસીએલ દ્વારા સર્વેને અપીલ કરવામાં આવે છે કે આપની જેમ જ ધંધાકીય કામગીરી કરતા ઇન્‍ડસ્‍ટ્રીયલ/ કોમર્શિયલ ગ્રાહકો દ્વારા વીજ ચોરી કરીને આપના ધંધાને નુકશાન પહોંચાડતા હોય તો તેમની માહિતી વીજ કચેરીને ખાનગીમાં પહોંચાડવી જેથી કચેરી દ્વારા તે સ્‍થાન ઉપર ચેકિંગ કરી જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવશે.

વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઇલ નં. ૯૯૨૫૨ ૧૪૦૨૨ (રાજકોટ) તથા ૦૨૬૫-૨૩૫૬૮૨૫ (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત પીજીવીસીએલની સબ ડીવીઝન, ડીવીઝન, તેમજ સર્કલ ઓફીસમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી આપનારની વિગત ગુપ્‍ત રાખવામાં આવે છે.

(2:58 pm IST)