રાજકોટ
News of Saturday, 14th May 2022

બોર્ડ ઓફ હાયર સેકન્‍ડરી એજયુકેશન દિલ્‍હીના ટ્રસ્‍ટ હેઠળ બોગસ જોડાણ આપી સ્‍કુલ ચલાવવાનું કૌભાંડઃ મુખ્‍ય સુત્રધાર જયંતી સુદાણી સહિત પાંચ સામે ગુન્‍હો

કોઇ પણ સરકારી માન્‍યતા નહિ ધરાવતા આ ટ્રસ્‍ટ સાથે જોડાયેલી પ૭ સ્‍કુલો ભારતભરમાં ચાલતી હોવાની પ્રાથમિક કબુલાતઃ રાજકોટમાં બે વર્ષ પુર્વે ચાલતી આવી સ્‍કુલ બંધ થઇ ગઇ છેઃ હાલમાં ખાંભા-ધારી ખાતે બોગસ સ્‍કુલ ચલાવતા'તા

રાજકોટ, તા., ૧૩: તાજેતરમાં રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર આવેલી એસઇઆઇટી એજયુકેશન નામની ઓફીસ ઉપર દરોડો પાડી પોલીસે કોઇ પણ માન્‍યતા ન ધરાવતા હોવા છતા ડિપ્‍લોમાં ડીગ્રી અને જુદા જુદા ટેકનીકલ બોર્ડના સર્ટીફીકેટ કોર્ષ કરાવ્‍યા વગર ૧પ હજારમાં વેચતા જયંતીલાલ લાલજીભાઇ સુદાણીની ધરપકડ કરી હતી. આ દરોડા દરમિયાન હસ્‍તગત થયેલા બોર્ડ સેકન્‍ડરી એજયુકેશન દિલ્‍હી રજીસ્‍ટર્ડ નંબર ૩૮૦૯ નંબરના ટ્રસ્‍ટ પાસે કોઇ પણ સરકારી શિક્ષા વિભાગ કે અન્‍ય સરકાર માન્‍ય શૈક્ષણીક બોર્ડની માન્‍યતા ન હોવા છતાં સ્‍કુલોને ગેરકાયદે જોડાણ આપવાનું સમાંતર કૌભાંડ સપાટી ઉપર આવતા આજે મુખ્‍ય ટ્રસ્‍ટી જયંતીલાલ લાલજીભાઇ સુદાણી, જીતેન્‍દ્ર અમૃતલાલ પીઠડીયા, પરેશ પ્રાણશંકર વ્‍યાસ, કેતન હરકાંતભાઇ જોષી અને તનુજા સીંગ નામના પાંચ ટ્રસ્‍ટીઓ સામે આઇપીસી ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૮, ૪૭૧, ૧ર૦ (બી) મુજબ ગુન્‍હાહીત કાવતરૂ રચી કૌભાંડ આચરવા બદલ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.
જયંતી સુદાણીની પ્રાથમીક પુછપરછમાં અગાઉ દિલ્‍હીના આ ટ્રસ્‍ટને સરકારે અમાન્‍ય કે ગેરકાયદે હોવાનું જાહેર કર્યાનું જાણવા છતાં તેના ટ્રસ્‍ટીઓના રાજીનામા લેવડાવી પોતે ટ્રસ્‍ટીઓ બની રાજકોટ અને ખાંભા-ધારીમાં બોગસ જોડાણ આપી ધો.૧ થી ૧ર બે સ્‍કુલો ધમધમાવતા હોવાનું બહાર આવ્‍યું છે. બે વર્ષ પહેલા રાજકોટની સ્‍કુલ એક ટ્રસ્‍ટીનું અવસાન થતા બંધ કરી દેવામાં આવી છે પરંતુ ખાંભા-ધારીમાં આજે પણ આવી બોગસ સ્‍કુલ ચાલતી હોવાનું બહાર આવ્‍યું છે. એટલુ જ નહિ આ ટ્રસ્‍ટે ભારતભરમાં આવી પ૭ સ્‍કુલોને બોગસ જોડાણ આપ્‍યાનું પ્રાથમીક તબક્કે ખુલ્‍યું છે. ભુતકાળમાં જોડાણ આપવાના ટ્રસ્‍ટીઓ બે થી સવા બે લાખ વસુલતા હોવાનું બહાર આવી રહયું છે. હાલમાં આવી કેટલી સ્‍કુલો ચાલી રહી છે ? તે મુદ્દે તપાસ ચાલી રહી છે.
પીઆઇ જે.વી.ધોળા અને પએસઆઇ એ.બી.વોરાની ટુકડી વધુ તપાસ ચલાવી રહી છે.

 

(4:24 pm IST)