રાજકોટ
News of Tuesday, 14th May 2019

છ વર્ષ પહેલા ઇન્ટરનેટ જોબના નામે નાણા એકઠા કરી ૬૦ લાખનું ફૂલેકુ ફેરવનાર નિલેષ કણસાગરા ઝડપાયો

કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે શ્રીમદ્દ ભવન બિલ્ડીંગમાં ગુજરાત ઇન્ટરનેટ જોબ નામે ઓફિસ ખોલી દૈનિક પેપરમાં એક આઇડીના ૧૦ હજાર અને વર્ષે ૨૪ હજારનું વળતરની લોભામણી જાહેરાત આપી અનેકને ખંખેરી નોૈ દો ગ્યારહ થઇ ગયો હતોઃ ક્રાઇમ બ્રાંચે પકડ્યો

પીએસઆઇ ડી.પી. ઉનડકટ સહિતની ટીમએ ઝડપી લીધેલો નિલેષ કણસાગરા

રાજકોટ તા. ૧૪: ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ નજીક છએક વર્ષ પહેલા ઓફિસ ખોલી ઇન્ટરનેટ આઇડીમાં આઇડી ખોલી નાણા કમાવવાની લોભામણી જાહેરાત આપી અસંખ્ય લોકોના આશરે ૬૦ લાખ એકઠા કરી નાસી છૂટેલા પટેલ નિલેષ કાલીદાસ કણસાગરા (ઉ.૩૭-રહે. શાપર વેરાવળ, હાલ-વરાછા સુરત)ને આઇપીસી ૪૦૬, ૪૨૦ સહિતના ગુના હેઠળ ક્રાઇમ બ્રાંચના મયુર પટેલ, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ ડી. પી. ઉનડકટ સહિતની ટીમે ઝડપી લીધો છે. ૨૦૧૦ની સાલમાં માનસરોવર સોસાયટી, મેહુલ નગર અને છેલ્લે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે ગુજરાત ઇન્ટરનેટ જોબ નામે ઓફિસ નિલેષ કણસાગરાએ શરૂ કરી હતી. જુદા-જુદા દૈનિક પેપરોમાં આઇડી ખોલી એક આઇડીના ૧૦ હજાર અને વર્ષે ૨૪ હજારની લોભામણી ઓફર આપતી જાહેરાતો કરી હતી. જે સંદર્ભે અનેક લોકો પાસેથી ૬૦ લાખ જેવુ ઉઘરાણું કરી રાતોરાત ઓફિસ બંધ કરી દીધી હતી. ત્યારબાદ આ મહાશયનો પત્તો લાગતો નહોતો. દરમિયાન તે સુરતમાં રહેતો હોવાની અને રાજકોટની ગોંડલ ચોકડી પાસે હોવાની બાતમી પરથી વોચ ગોઠવી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ગૂગલમાં આઇડી બનાવી તેણે આ ખેલ શરૂ કર્યા હતાં. પાછળથી કંપની બંધ થઇ ગઇ હતી. વધુ પુછતાછ ચાલી રહી છે.

(3:57 pm IST)