રાજકોટ
News of Tuesday, 14th May 2019

પેડક રોડ વિસ્તારની યુવતિનું અપહરણ કરી બળાત્કારના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

આરોપી વિરૂદ્ધ ગંભીર ગુનો છેઃ જામીન આપી શકાય નહીઃ કોર્ટ

રાજકોટ તા. ૧૪ : અહીંના પેડક રોડ વિસ્તારમાં રહેતી યુવતિનું અપહરણ કરી સુરેન્દ્રનગર પંથકના અલગ-અલગ ગામોમાં લઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ લીંબડીના યાસિન ઉર્ફે લીમડી મહેમુદ્ બેલીમે જામીન પર છુટવા કરેલ અરજીને રાજકોટના અધિક સેસન્સ જજ શ્રી પી.પી.પરમારે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી યાસીન ઉર્ફે લીમડી ભોગ બનનાર યુવતિને તા.૬/૪/૧૯ ના રોજ સુરેન્દ્રનગર તરફ અપહરણ કરીને લઇ ગયેલા જયા લીબડી તાલુકાના જુદા જુદા ગામે લઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ મોબાઇલમાં રહેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બળાત્કાર ગુજાયો હતો.

આ બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરતા આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાએ રજુઆત કરેલ કે આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો હોવાનું જણાઇ છે. આરોપીએ પીડીતાને ધમકી આપીને વારંવાર દુષ્કૃત્ય આચરેલ છે. આવા સમાજ વિરોધી ગંભીર ગુનામાં આરોપીને જામીનપર છોડી શકાય નહી.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી.સેસન્સ જજ શ્રી પરમારે આરોપીની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયા હતા.

(3:53 pm IST)