રાજકોટ
News of Tuesday, 14th May 2019

સમાજના છેવાડાના માનવીની સેવા કરવી એ આપણી સંસ્કૃતિ, ખવડાવીને ખાવુ - કોઈને જીવાડીને જવવું એ આપણી સંસ્કૃતિક : પૂ.દેવપ્રસાદ મહારાજ

દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખાતે સાત સેવકોનું ગારડી એવોર્ડથી સન્માન

રાજકોટ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દિપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ દ્વારા સાતમા વર્ષે સેવાક્ષેત્રે  જેમને વિશિષ્ટ પ્રદાન અદા કર્યુ હોય, જેમને સેવાની જયોત પ્રગટાવી હોય એવા સાત સેવા કર્મીઓને 'દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમના પટાંગણમાં પૂ.દિપચંદભાઈ ગારડીના નામથી અપાતો અત્યંત પ્રતિષ્ઠિત ગારડી એવોર્ડ એનાયત કરાયો હતો.

આ કાર્યક્રમની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના તેમજ હસુભાઈ રાચ્છે જણાવ્યુ હતું કે આ ગરીમાપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, આણદાબાવા સેવા સંસ જામનગરના પૂ.દેવપ્રસાદ મહારાજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ઉદ્યોગપતિ રમણભાઈ વરમોરા, સોનમ કવાર્ટઝના જયેશભાઈ શાહ, રાજકોટના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોહરસિંહજી જાડેજા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માંકડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

'દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમ દ્વારા પ્રતિવર્ષ અપાતા આ ગારડી એવોર્ડ ચાલુ વર્ષે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્શ્રવરીય વિશ્વ વિદ્યાલયના પૂ.ભારતીદીદી, જાણીતા ઉદ્યોગપતિ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પૂર્વ પ્રમુખ શ્રી વલ્લભભાઈ સતાણી, શિક્ષણ અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ કૌશિકભાઈ શુકલ, પંચનાથ મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ - યુવા અગ્રણી દેવાંગ માંકડ, જસદણ પંથકના અગ્રણી મુક સેવક અશોકભાઈ મહેતા, જીવદયાપ્રેમી વિષ્ણુભાઈ ભરાડને એનાયત કરાયો હતો. સંસ્થાની પ્રણાલી મુજબ પ્રતિ વર્ષ એક સંસ્થાને એવોર્ડ અપાય છે જે ચાલુ વર્ષે બહેરા મુંગા શાળાને એનાયત કરાયો હતો.

આ પ્રસંગે મ્યુનિ. ંફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યુ હતું કે આ સંસ્થાએ સેવાના ક્ષેત્રે સમાજમાં ખૂબ જ મોટુ યોગદાન આપ્યુ છે. સમાજની જરૂરીયાત મુજબની પ્રવૃતિ આ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતીનભાઈ પેથાણીએ જણાવ્યુ હતું કે આ સંસ્થાની ધરતીમાં પવિત્રતા છે. સંસ્કૃતિ વગરની પ્રવૃતિ આ સંસ્થા કરી રહી છે. પરંતુ સમાજની વરવી વાસ્તવિકતા સામે આ સંસ્થા જે કામ કરી રહી છે જેમાં ભવ્યતા અને દિવ્યતા છે.

આણદાબાવા સેવા સંસ્થાન - જામનગરના પૂ.દેવીપ્રસાદ મહારાજે કહ્યું હતું કે સેવા અને સમર્પણની રાહે ચાલીને જ વ્યકિત કે સમુહ આદર્શ અને ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકે છે. માનવીની અંદર રહેલી કરૂણા, પ્રેમ બીજાને ઉપયોગી થવા પ્રેરે છે. સમાજના છેવાડાના માનવીની સેવા કરવી એ આપણી સંસ્કૃતિ છે. ખવડાવીને ખાવુ - કોઈને જીવાડીને જીવવુ એ આપણી સંસ્કૃતિ છે. સમગ્ર સમાજ આવા ઉમદા વિચારો ધરાવતા સેવકો થકી ટકેલો છે. પૂ.દેવપ્રસાદ મહારાજે ગારડી એવોર્ડ સેવકોને આર્શીવાદ આપ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે દિપચંદભાઈ ગારડી જેવી વિરલ વિભૂતિ આવનારા ૧૦૦ વર્ષમાં પણ કયાંય નહિં જન્મી શકે. પોતાનું સમગ્ર જીવન સેવા માટે ખર્ચી નાખનાર શ્રી ગારડીના જીવન ઉપરથી નવી પેઢીએ શીખ લઈ તેમના અધૂરા કાર્યો આગળ વધારવા જોઈએ.

કાર્યક્રમના પ્રારંભે મહેમાનોના શબ્દોથી અભિવાદન અનુપમ દોશીએ મહેમાનોના પરિચય તેમજ એવોર્ડનો પરિચય મુકેશ દોશીએ અંતમાં આભારદર્શન કિરીટભાઈ આદ્રોજાએ અને કાર્યક્રમનું સંચાલન ડો.ભાવના મહેતાએ કરેલ.

આયોજનમાં 'દિકરાનું ઘર' વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ધીરૂભાઈ રોકડ, પ્રતાપભાઈ પટેલ, ડો.નિદત બારોટે માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું. આયોજનને યશસ્વી બનાવવા કિરીટભાઈ પટેલ, રાકેશભાઈ ભાલાળા, પ્રવિણ હાપલીયા, અશ્વિનભાઈ પટેલ, ઉપેન મોદી, સુનિલ મહેતા, કાશ્મીરા દોશી, વર્ષાબેન આદ્રોજા, પ્રીતિ વોરા, અલ્કા પારેખ, અંજુબેન સુતરીયા, ચેતનાબેન પટેલ અને ગીતાબેન પટેલ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)